ભાંડો ફૂટ્યો:દારૂ પી માથાકૂટ કરતા આધેડને સગા પુત્ર અને મહિલા મિત્રે સળગાવી નાખ્યો પછી સ્ટોરી ઊભી કરી કે 3 શખ્સનું આ કૃત્ય છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોઠારિયા રોડ પરના મારૂતિનગરનો બનાવ, તરુણ અને સાવકી માતાએ ઘડેલી સ્ટોરી પરથી પોલીસે ગણતરીની મિનિટોમાં પડદો ઉંચકી નાખ્યો
  • પિતાની હત્યા ​​​​​​​કર્યા બાદ તરુણે તેની સાવકી માતાને દોરડાથી બાંધી પોલીસની આંખે પાટા બાંધવાનો પ્રયાસ કર્યો , ઉલટ તપાસમાં ભાંડો ફૂટ્યો

શહેરના કોઠારિયા રોડ પરના મારૂતિનગરમાં 16 વર્ષથી મહિલા સાથે મૈત્રી કરારથી રહેતા આધેડને તેના જ સગા પુત્ર અને તેની સ્ત્રી મિત્રે મળી સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, હત્યાની ઘટનામાં પોતાની જાતને બચાવવા મહિલા સહિત બંનેએ ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી સળગાવી ગયાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી, જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં ભાંડો ફોડી નાખ્યો હતો.

મારૂતિનગરમાં રહેતા રાકેશભાઇ નવિનચંદ્ર અધિયારૂ (ઉ.વ.48)ના ઘરમાં સાંજે ત્રણ અજાણ્યા શખ્સોએ ઘૂસી નિંદ્રાધીન રાકેશભાઇને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધાની જાહેરાત થતાં ભક્તિનગર પોલીસ અને ક્રાઇમબ્રાંચની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સળગેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ કરતા સનસનાટીભરી હકીકત બહાર આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાકેશ અધિયારૂના અગાઉ લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં બે પુત્રની પ્રાપ્તી થઇ હતી, 2006માં ખાખરા બનાવવાના કારખાનામાં રાકેશનો પરિચય આશા નામની મહિલા સાથે થયો હતો અને બંને લીવ ઇનમાં સાથે રહેવા લાગ્યા હતા તે બંનેની સાથે રાકેશનો એક પુત્ર પણ રહેતો હતો. દારૂનો નશો કરવાની કૂટેવ ધરાવતો રાકેશ અવારનવાર ઘરમાં માથાકૂટ કરતો હતો અને આશા તથા તેના પુત્રને મારકૂટ કરતો હતો.

શુક્રવારે બપોરે રાકેશ નશાખોર હાલતમાં પોતાના ઘરે આવ્યો હતો અને આશા તથા પોતાના પુત્ર સાથે બોલાચાલી કરી હતી, રોજીંદા ત્રાસથી કંટાળેલા પુત્ર અને સ્ત્રી મિત્ર આશાએ રાકેશની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને હંમેશા માટે તેને સૂવડાવી દેવાની યોજના કરી હતી, ઘરનું બારણું અંદરથી બંધ કરી રાકેશ સૂતો હતો ત્યારે તેના પુત્રએ તેના પર કેરોસીન નાખવાનો પ્રયાસ કરતા જ રાકેશ નિદ્રામાંથી જાગી ગયો હતો અને તેણે પુત્રના હાથમાં બચકું ભરી લીધું હતું, પિતાએ બચકું ભરતા પુત્ર વધુ રોષે ભરાયો હતો અને તેણે નજીકમાં પડેલો દસ્તો ઉઠાવી પિતા રાકેશના માથામાં મારી દઇ તેને અર્ધબેભાન જેવો કરી દીધો હતો, રાકેશ અર્ધમુર્છિત થતાં જ તેના પુત્ર અને અશાએ તેના પર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી.

થોડી જ ક્ષણોમાં રાકેશ ભડથું થઇ ગયો હતો. હત્યાનો આરોપ પોતાના પર આવે નહી તે માટે રાકેશના પુત્ર અને તેની સાવકી માતા આશાએ કાવતરા મુજબ ખેલ શરૂ કર્યો હતો, રાકેશના પુત્રે આશાને દોરડાથી બાંધી દીધી હતી અને થોડીવાર બાદ ઘરની બહાર નીકળી તેના પિતાને ઘરમાં ઘૂસી કોઇ ત્રણ અજાણ્યા શખ્સો સળગાવી ગયાની બૂમો પાડી હતી.

તરૂણની ચીસો સાંભળી પાડોશીઓ દોડી ગયા ત્યારે આશા બાંધેલી હાલતમાં મળી આવતા લોકોને પણ એ સ્ટોરી સાચી લાગી હતી, જોકે આશા અને રાકેશના પુત્રના પાપનો ભાંડો પોલીસે ગણતરીની મિનિટોમાં ફોડી નાખ્યો હતો. પોલીસે આશા અને તરૂણને સકંજામાં લઇ વિશેષ તપાસ શરૂ કરી હતી.

સાવકી માતા સાથે મળી પિતાની હત્યા કરનાર આરોપી તરુણે ધોરણ 12ની પરીક્ષા આપી છે
રાકેશના બે પુત્ર પૈકી એક પુત્ર તેની સાથે રહેતો હતો, જે પુત્ર સાથે રહેતો હતો તેણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી છે, બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ તરૂણ પિતાની હત્યાના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, તરૂણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પિતા રાકેશ દારૂના નશામાં દરરોજ માથાકુટ કરી મારકુટ કરતા હોય પોતે તથા તેની સાવકી માતા આશા કંટાળી ગયા હતા, આજે બપોરે ફરીથી મારકુટ કરતા તેની હત્યાનો પ્લાન કર્યો હતો.

રાકેશને અન્ય મહિલાઓ સાથે પણ લફરા હોવાની ચર્ચા
16 વર્ષથી આશા સાથે મૈત્રી કરારથી રહેતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા બે પુત્રના પિતા રાકેશને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, અન્ય મહિલાઓ સાથેના લફરાને કારણે રાકેશ ઘરે આવી આશા તથા તેના પુત્રને મારકૂટ કરતો હતો, અને તે બાબત જ તેની હત્યાનું કારણ બની હતી.

અન્ય સમાચારો પણ છે...