ગોંડલમાં જામવાડી ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બેફામ ગતિએ આવતી કારે બાઈકને અડફેટે લેતા ચોરડી ગામના આધેડનું મોત નીપજયું છે. જયારે તેનો મિત્ર હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ચોરડી ગામે રહેતા બળભદ્રસિંહ મહીપતસિંહ ઝાલા ગત તા.5/6ના બપોરે પોતાનું બાઇક લઇ તેમના મિત્ર ગીરીશ વાઘેલા સાથે વાડીએથી ગોંડલમાં આવેલી તેમની અલંકાર હોટલે આવતા હતા. ત્યારે જેતપુર ગોંડલ હાઇવે પર જામવાડી ગામ નજીક સરસ્વતી ઓઇલ મીલ પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતી અજાણી કારના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.
અજાણી કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ
આ અકસ્માતમાં બંન્નેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન બળભદ્રસિંહનું મોત નીપજયું હતું. જયારે તેના મિત્ર હાલ સારવાર હેઠળ છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે મૃતકના ભાઇ વિજયસિંહ મહિપતસિંહ ઝાલાની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પીએસઆઇ ડી.પી. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી હતી.
(હિમાંશુ પુરોહિત,ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.