અડધી રાત્રે જે.પી. નડ્ડાએ ઘડી રણનીતિ:સૌરાષ્ટ્રની બેઠકો કંઈ રીતે અંકે કરવી તે માટે સાંસદો-ધારાસભ્યો સાથે રાજકોટમાં યોજી બેઠક, આંતરિક વિરોધનો રિપોર્ટ પણ માગ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સભા બાદ જે.પી. નડ્ડાએ સૌરાષ્ટ્રના કમલમમાં બેઠક યોજી હતી. - Divya Bhaskar
સભા બાદ જે.પી. નડ્ડાએ સૌરાષ્ટ્રના કમલમમાં બેઠક યોજી હતી.

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 11 દિવસ જ બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીયથી લઈ સ્થાનિક દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગઈકાલથી રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે સભા બાદ સૌરાષ્ટ્રના કમલમમાં તેઓએ અડધી રાત્રે બેઠક યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેમજ પૂર્વ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં મીડિયાને નો-એન્ટ્રી હતી પરંતુ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ જે.પી. નડ્ડાએ સૌરાષ્ટ્રની બેઠકો કઈ રીતે અંકે કરવી તે માટેની રણનીતિ ઘડી હતી. તેમજ આંતરિક જૂથવાદને લઈ થયેલ ડેમેજનો રિપોર્ટ પણ માગ્યો હતો. રાજકોટની ચારેય બેઠકમાં ચૂંટણીને લઈ નેતાઓ સાથે મહામંથન કર્યું હતું.

જે.પી. નડ્ડાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહારો
ગઈકાલે રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સભા સંબોધી હતી. અહીં તેઓએ એલાન કર્યું હતું કે, ભાજપ દરેક સીટ પર બહુમત હાંસલ કરશે. હિમાચલ-ગુજરાતમાં AAP પાર્ટીની ડિપોઝીટ પણ ડૂલ થશે. ગુજરાતમાં AAP નવી પાર્ટી આવી જે ઉત્તર પ્રદેશમાં 350 બેઠકો પરથી ચૂંટણી લડી હતી. જેમાં 349 પર ડિપોઝીટ જપ્ત થઇ હતી. ઉત્તરાખંડમાં પણ ચૂંટણી લડ્યા અને તેનો મુખ્યમંત્રીનો ઉમેદવાર આજે ભાજપનો પ્રચાર કરી રહ્યો છે.

બેઠકમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો-સાંસદો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો-સાંસદો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

AAPની ડિપોઝીટ ડૂલ કરવાનો રેકોર્ડ ચાલુ રાખવાનો છે
જે.પી. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, AAP જ્યાં જાય છે ત્યાં એવો માહોલ બનાવે છે કે તેઓ જ એક પાર્ટી છે. જેને પ્રજા બહુમત આપશે પણ પરિણામ ઉલટું આવ્યું. ઉત્તર પ્રદેશમાં ગયા ડિપોઝીટ ગઇ, ઉતરાખંડ ગયા ડિપોઝીટ ગઇ અને હવે તો હિમાચલમાં તમામ સીટ પર ડિપોઝીટ ડૂલ થઈ જશે. હવે ગુજરાતે પણ ડિપોઝીટ ડૂલ કરવાનો AAPનો રેકોર્ડ ચાલુ રાખવાનો છે. AAP પાસે દારૂકાંડનો જવાબ નથી. દિલ્હી બસ સર્વિસ સુધારવા માટેનું કહેતા હતા પણ બસની સંખ્યા જ ઘટી છે.

જે.પી. નડ્ડાની સભામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
જે.પી. નડ્ડાની સભામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

સત્તા હોવા છતાં પૂર્વ PM મનમોહનસિંહ કંઈ કરતા નહોતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમ મંજૂર કરવાની સત્તા હોવા છતાં પૂર્વ PM મનમોહનસિંહ કઈ કરતા નહોતા, બોલતા નહોતા. આ તો PM મોદીએ મા નર્મદાનું જળ વહેતું કર્યું. કોંગ્રેસ ભારતને તોડવા નીકળ્યું છે. જોડવા નહીં. બીજી પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો પણ ઘણા મારા મિત્રો છે. આથી ત્યાં શું સ્થિતિ છે તે અંગે હું સારી રીતે જાણું છું. કોંગ્રેસ તો હવે ભાઇ-બહેનની પાર્ટી જ બની ચૂકી છે. અગાઉ રાજકીય પક્ષો સત્તાનો ઉપયોગ કરીને પોતાનો જ વિકાસ કરતા હતા. પરંતું હવે સત્તાનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં અને દેશના વિકાસ માટે થઈ રહ્યો છે.

ગુજરાત મોડલ યાદ આવે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે વિકાસના મોડલની વાત થાય એટલે બીજું નામ ગુજરાત મોડલ યાદ આવે છે. ગુજરાત મોડલ એટલે વિકાસ અને ફક્ત વિકાસ. દેશમાં ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ સાથે કામ કર્યું છે.

સભામાં મહિલાઓ પણ જોડાઇ હતી.
સભામાં મહિલાઓ પણ જોડાઇ હતી.

હવે રેવડીવાળા લોકો આવી ગયા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે હાલ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્ટાર પ્રચારકોને મોકલવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા ઉમેદવારોને જીતાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાજકોટ દક્ષિણની બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાની જંગી જનસભાનો પ્રારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં તેણે પોતાના વક્તવ્યમાં AAP પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, હવે રેવડીવાળા લોકો આવી ગયા છે, પણ ગુજરાતની જનતા ક્યારેય કોઈ બીજા પક્ષને સ્વીકારશે નહીં.

અન્ય સમાચારો પણ છે...