ગોંડલ સંપ્રદાયમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિવાદનું સમાધાન થયું છે. તાજેતરમાં જ રાજકોટમાં જૈન સાધુ-સાધ્વીજીઓનું સંમેલન મળ્યું હતું જેમાં અગાઉ બે જુદી જુદી કમિટી હતી તે હવે એક થઇ છે અને સંરક્ષણ સમિતિનું વિસર્જન કરાયું છે. જૈન સાધુ લક્ઝુરિયસ લાઈફ જીવી શકશે કારણ કે બંને કમિટીના સભ્યોએ એવું નક્કી કર્યું હતું કે, હવેથી કોઈપણ એકબીજાના સાધુની ટીકા-ટિપ્પણી કરશે નહીં.
જૈન સાધુ-સાધ્વીજીઓએ સાદગીભર્યું જીવન જીવવું જોઈએ
ભગવાન મહાવીર સ્વામી જેવું જીવન જીવી ગયા તેવું સાદગીભર્યું જીવન જૈન સાધુ-સાધ્વીજીઓએ જીવવાનું હોય છે પરંતુ અમુક નિયમોનું પાલન કરતા નથી. જ્યારે બીજી બાજુ રાજેશમુનિના અનુયાયીઓ કહે છે, આ ખોટું છે, જૈન સંતોએ વિમાન-કાર મુસાફરી, હોટેલમાં ઉતારો સહિતની ન કરવા જોઈએ. મનોજભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતું કે, રવિવારે અને સોમવારે રાજકોટ સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે સાધુ-સાધ્વીજીઓનું સંમેલન યોજાયું હતું.
સંમેલનમાં અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી
આ સંમેલનમાં ગોંડલ સંપ્રદાયના દેવેન્દ્રમુનિ મહારાજ, ધીરજમુનિ મહારાજ, સુશાંતમુનિ મહારાજ, નમ્રમુનિ મહારાજ તથા 75થી વધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કેટલીક બાબતો મુદ્દે મતભેદ થતા બુધવારે ફરી ન્યારી રોડ ખાતે આવેલા બેલાવિસ્ટા ખાતે ફરી વખત સાધુ-સાધ્વીજીઓ અને જૈન અગ્રણીઓ એકત્રિત થયા હતા. અહીં લાંબી ચર્ચા કર્યા બાદ સૌ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે, હવે ગોંડલ સંપ્રદાયમાં કોઈ પ્રમુખ નહીં રહે, પરંતુ પાંચ સભ્ય સંપ્રદાયનું સંચાલન કરશે.
ધીરજમુનિ ફ્લાઈટમાં આવતા શરૂ થયો હતો વિવાદ
ચાતુર્માસમાં ધીરજમુનિ મહારાજ કોલકાતાથી રાજકોટ ફ્લાઈટમાં આવ્યા હતા અને ચાતુર્માસ પ્રવેશ વૈભવી હોટેલમાં કર્યો હતો તે મુદ્દે પણ વિવાદ થયો હતો અને જૈન શ્રાવકોએ પણ વિરોધ કર્યો હતો. સંમેલનમાં તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નમ્રમુનિ મહારાજ પણ કારનો ઉપયોગ કરવા સહિતની જીવનશૈલીની ચર્ચા થતી હતી. જેથી બંને પક્ષના આગેવાનોએ કોઈએ કોઈ સાધુના જીવન વિશે વ્યક્તિગત, મીડિયામાં ટીકા-ટિપ્પણી નહીં કરે તેવું નક્કી કર્યું હતું અને સુખદ સમાધાન થયું હતું.
હવે કોઈ પ્રમુખ નહીં, 5 વ્યક્તિ જ કરશે આખરી નિર્ણય
ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિના નામનો ઉપયોગ હવે થશે નહીં પરંતુ તમામ સંચાલન પાંચ સભ્ય કરશે. ગોંડલના પ્રવીણભાઈ કોઠારી અને જિગ્નેશભાઈ વોરા, જૂનાગઢના સુરેશભાઈ કામદાર, રાજકોટના ચંદ્રકાંતભાઈ શેઠ અને હરેશભાઈ વોરા ગોંડલ સંપ્રદાયનું સંચાલન કરશે. અગાઉ બનેલી સમિતિઓનું વિસર્જન કર્યું હતું અને હવે ગોંડલ સંપ્રદાય એક જ નામથી ઓળખાશે અને આ પાંચ સભ્ય જે નિર્ણય કરશે તે આખરી ગણાશે.
રાજેશમુનિને કેમ ઉતારો અપાતો નથી? સવાલ ઉઠ્યો
ગોંડલ સંપ્રદાયના જ રાજેશમુનિ મહારાજ અને 4 સંત તેમજ 20 મહાસતીજી મુદ્દે કોઈ પ્રકારનો નિર્ણય ન લેવાતા તેમના અનુયાયીઓમાં કચવાટ ફેલાયો છે. તેઓએ કહ્યું હતું કે, રાજેશમુનિ મહારાજ અને સાધુ-સાધ્વીજીઓને રાજકોટમાં ઉપાશ્રયોમાં કેમ ઉતારો આપવામાં આવતો નથી તે બાબત ચિંતનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.