3 યુવતીના મોબાઈલ લૂંટનાર ઝડપાયો:રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરે નોકરી છૂટતા રૂપિયાની જરૂર પડતા પ્લાન ઘડ્યો હતો

રાજકોટ12 દિવસ પહેલા
પોલીસ આરોપી રાજસિંગ ચૌહાણની ધરપકડ કરી.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ન્યારી ડેમ ખાતે બંદૂક જેવું દેખાતું લાઇટરનો ઉપયોગ કરી મિકેનિકલ એન્જિનિયરે ફરવા માટે આવેલી 3 યુવતીના મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. જે અંગે તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આજે આરોપી રાજસિંગ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ નોકરી છૂટ્ટી જતા રૂપિયાની જરૂરિયાત માટે લૂંટ ચલાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી 5 મોબાઇલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમ ખાતે ફરવા માટે ગયેલી કોલેજીયન યુવતીઓને પાછળથી આવી હથિયાર દેખાડી મોબાઇલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઇ હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે ન્યારી ડેમ નજીક જ ફરતા શખ્સ રાજસિંગ ચૌહાણની અટકાયત કરી પૂછપરછ કરતા તેને લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી લૂંટમાં ગયેલ મોબાઈલ સહિત કુલ 5 મોબાઇલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રાજસિંગ પાસેથી કબ્જે કરેલો મુદ્દામાલ.
પોલીસે રાજસિંગ પાસેથી કબ્જે કરેલો મુદ્દામાલ.

રાજસિંગ સુરતનો વતની અને રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરતો
પકડાયેલ આરોપી રાજસિંગ ચૌહાણ મૂળ સુરતનો વતની હોવાનું અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી બાદ છેલ્લા ચાર વર્ષથી રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી નોકરીમાંથી છૂટ્ટો થઇ ગયો હોવાથી રૂપિયાની જરૂર હોવાથી લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી લૂંટ કરવા માટે પ્લાન બનાવી લોકોને ડરાવવા માટે હથિયારની જરૂર હોય માટે બંદૂક જેવું દેખાતું સિલ્વર કલરનું લાઇટર ઓનલાઇન ખરીદ કર્યું હતું. આરોપીએ અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ સહિત દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...