બળાત્કાર:રાજકોટમાં ઇંટના ભઠ્ઠામાં કામ કરતા શખસે 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ કરી ચોટીલા લઇ જઇ હોટલમાં દુષ્કર્મ આચર્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • સગીરાના ભાઈએ યુનિ.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટના કાલાવડ રોડ પર ઇંટના ભઠ્ઠામાં કામ કરતા શખસે બાજુમાં ઇંટના ભઠ્ઠામાં કામ કરતી 13 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ગત 28 ફેબ્રુઆરીએ સગીરાનું અપહરણ કરી ચોટીલા લઇ જઇ હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના ભાઇએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ 363, 366, 376 તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસના PI એ.એસ. ચાવડા અને રાઇટર ગીરીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

ઇંટના ભઠ્ઠામાં કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે
સગીરાના ભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને હરેશભાઇ ખોખરના ઇંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરી મારૂ ગુજરાન ચલાવું છું. અમે ચાર ભાઇ અને બે બહેનો છીએ. મારી સૌથી નાની બહેન જેની ઉંમર 13 વર્ષની છે. અમે બધા રાજકોટ ખાતે રહીએ છીએ. અમે ચારેય ભાઇઓના લગ્ન થઇ ગયા છે અને હું તથા મારા ભાઇ, ભાભી, બહેન, ભાણેજ અને મારા કાકાનો દીકરો એ રીતે બધા સાથે ઓરડીઓમાં રહીએ છીએ.

સગીરાના માતા-પિતા મધ્યપ્રદેશ રહે છે
મારા માતા-પિતા અમારા મૂળ વતન મધ્યપ્રદેશમાં રહે છે. ગત 28 ફેબ્રુઆરીના રાત્રિના સમયે હું અને મારી પત્ની જે જગ્યાએ રહીએ છીએ તે ઓરડીમાં સુવા માટે ગયા હતા અને મારી નાની બહેન અને મારો ભાણો તથા મારા કાકાનો દીકરો બાજુમાં અમારી બીજી ઓરડી છે ત્યાં સુવા માટે ગયા હતા. બીજા દિવસે એટલે કે 1 માર્ચના રોજ સવારના હું ઉઠ્યો ત્યારે મેં જોયું તો મારી સગીર વયની બહેન તેની ઓરડીમાં જોવા મળી નહીં. આથી મને થયું કે, તે બાથરૂમ જાવા માટે ગઈ હશે. પરંતુ થોડો સમય થવા છતાં બહેન પરત નહીં આવતા મેં મારી પત્ની તથા મારો ભાણો અને કાકાના દીકરાને બહેન બાબતે પૂછતા તેઓએ કહ્યું કે અમને પણ નથી કે બહેન ક્યાં ગઇ? બાદમાં મને થયું કે, મારા મોટાભાઈને ત્યાં ઇંટ પાડવા ગઈ હશે.

મારી બહેનને મહેશ ભગાડી ગયાની શંકા ગઈ
આથી હું ત્યાં ગયો અને મારા મોટા ભાઇને નાની બહેન બાબતે પૂછતા તેણે કહ્યું કે, તે અહીં નથી આવી, આથી મને થયું કે તેને કોઇ તેની સાથે લઇ ગયું હશે. બાદમાં અમે બધા ભાઇઓ મારી બહેન બાબતે ત્યાં આજુબાજુમાં તપાસ કરતા હતા અને અમે મારી બહેનની તપાસ માટે મારી બાજુમાં આવેલા ઇંટના ભઠ્ઠાવાળા મહેશ જેઠાભાઇ ચાવડાને ત્યાં ગયા હતા અને ત્યાં જતા મને જાણવા મળ્યું કે, મહેશ પણ ત્યાંથી ક્યાંક જતા રહ્યા છે. આથી મારી બહેનને મહેશ ભગાડી ગયો હોવાની મને શંકા ગઈ હતી. મહેશના ઘરના સભ્યો તેમને શોધતા હતા અને અમે મારી બહેનને શોધતા હતા. પરંતુ તેઓ અમને ક્યાંય મળ્યા નહીં અને બાદમાં ગઇકાલ સવારમાં મહેશ ઘરના સભ્યો દ્વારા મને જાણવા મળ્યું કે, મારી નાની બહેનને મહેશ જ ભગાડીને લઇ ગયો છે.

યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર).
યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર).

મહેશ મારી બહેનને લઇને પોલીસ સ્ટેશન આવ્યો
મહેશના સગાએ અમને કહ્યું કે, મહેશ અને મારી બહેન અહીં પોલીસ સ્ટેશન ખાતે આવે છે. આથી હું પરિવાર સાથે અહીં પોલીસ સ્ટેશન આવ્યો હતો અને મહેશ મારી બહેનને લઇ અહી પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. અહીં આવ્યા બાદ અમે મારી બહેનને ઘરેથી ભાગવા બાબતે પૂછતા તેણે અમને કહ્યું કે, મહેશ મને ખૂબ જ ગમતો હોય અને અમે એકબીજાને અવાર નવાર સામુ જોતા હતા અને આજથી ત્રણેક મહિના પહેલા અમે રૂબરૂ મળ્યા હતા, ત્યારે વાતચીત થઈ હતી. ત્યારબાદ અમે ત્રણ ચાર વખત મળ્યા હતા અને અમે બંન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. આજથી બે મહિના પહેલા એક વખત મળ્યા ત્યારે બંન્નેએ મરજીથી એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.

મહેશે અગાઉ બે વખત સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો
ગત 28 ફેબ્રુઆરીના રોજ હું અને મહેશ મળ્યા હતા. ત્યારે મેં મહેશને અહીંથી ભાગી જવાનું કહેતા તેઓ મને તેની સાથે લઇ ગયા હતા અને અમે અહીથી ચોટીલા એક હોટલમાં રાત રોકાયા હતા. ત્યાં પણ અમે બંનેએ એકબીજાની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં અમે બંન્ને મહેશના સગાને ત્યાં ગયા હતા અને તેમના સગાએ મહેશના ઘરે ફોન કરી અમે ત્યાં ગયા હોવાની વાત કરી હતી. ત્યારબાદ પરિવારની સમજાવટ બાદ અમે બંને પોલીસ મથકે પરત ફર્યા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી કે, મહેશ ચાવડાએ લલચાવી ફોસલાવી લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી પોતાની સાથે લઇ જઇ ચોટીલાની હોટલમાં તેમજ તે પહેલા એક વખત તેમજ રાજકોટમાં બે વખત શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...