તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં હત્યા:નિદ્રાધીન મહિલાની છેડતી કરી બીભત્સ માંગ કરનારે પતિને પાઇપના ઘા મારતા મોત

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધ્રોલનો પરિવાર રાજકોટમાં રમકડાં વેચવા આવ્યો’તો, શાસ્ત્રીમેદાનમાં સૂતા હતા
  • ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ હત્યાની કલમનો ઉમેરો થશે, આરોપી સકંજામાં

શહેરની મધ્યમાં આવેલા શાસ્ત્રીમેદાનમાં પરિવાર સાથે સૂતેલી ધ્રોલની મહિલાને મધરાતના એક ઇસમે છેડતી કરી બીભત્સ માંગ કરી હતી, મહિલાએ બૂમાબૂમ કરતા તેના પતિ સહિતના સભ્યો જાગી જતાં એ ઇસમ ઉશ્કેરાયો હતો અને મહિલાના પતિને પાઇપ ફટકાર્યા હતા, ઘટના બાદ મહિલાના પતિનું મોત નીપજ્યું હતું, હુમલાથી યુવકનું મોત નીપજ્યું હતું કે બીમારી કારણભૂત હતી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

ધ્રોલમાં રહેતા ભરત ધારશીભાઇ વાઘેલા (ઉ.વ.40), તેના પિતા, માતા, પત્ની અને બાળકો સાતમ આઠમ નિમિત્તે રમકડાં વેચવા રાજકોટ આવ્યા હતા. ફૂટપાથ પર રમકડાં વેચી આ પરિવાર રાત્રે શાસ્ત્રીમેદાનમાં સૂઇ રહેતો હતો. મંગળવારે મધરાતે ભરત અને તેના પરિવારના સભ્યો શાસ્ત્રીમેદાનમાં સૂતા હતા ત્યારે રાત્રીના 2.30 વાગ્યે એક શખ્સ ધસી આવ્યો હતો અને ભરતની પત્ની ઓઢીને સૂતી હતી ત્યારે તેનું ઓઢવાનું ખેંચી લીધું હતું અને તેને અડપલાં કરવા લાગ્યો હતો, અડપલાં થતાં જ મહિલા સફાળી જાગી ગઇ હતી ત્યારે તે શખ્સે મહિલા પાસે બીભત્સ માંગ કરી હતી.

સમગ્ર ઘટનાથી સ્તબ્ધ થઇ ગયેલી મહિલાએ બૂમાબૂમ કરતા બાજુમાં જ સૂતેલો તેનો પતિ ભરત જાગી જતાં ભરતે તેનો પ્રતિકાર કર્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપતા કહ્યું હતું કે, પોતે નામચીન નિઝામનો ભાણેજ જાકીર છે અને બધાને મારી નાખશે તેવી ધમકી આપી પોતાની પાસે રહેલી છરીથી મહિલા અને તેના પતિ ભરત પર હુમલો કર્યો હતો તેમજ ભરતને પાઇપના ઘા ઝીંક્યા હતા. હુમલો કર્યા બાદ જાકીર નાસી ગયો હતો. હુમલાની ઘટના બાદ ભરત વાઘેલા બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

બીજીબાજુ પોલીસે મહિલાની ફરિયાદ પરથી છેડતી અને નિર્લજ્જ હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતા જાકીર હબીબ સંધીને ઉઠાવી લીધો હતો.

પીઆઇ જોષીએ જણાવ્યું હતું કે, ભરત વાઘેલાના શરીર પર ઇજાના નિશાન દેખાતા નહોતા, તેનું મોત પાઇપથી થયેલા હુમલાથી થયું હતું કે કોઇ બીમારી કારણભૂત હતી તે અંગે સ્પષ્ટ કરવા મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, ઇજા થવાથી મૃત્યુ થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે તો આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે. અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભરતનાં મોતથી તેના એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.