રાજકોટમાં આવારા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી પાછો એક દેશી દારૂ વેચતા બુટલેગર દિનેશ ઉર્ફે કડિયાની ધમાલના CCTV સામે આવ્યા છે. રાજકોટના લોધેશ્વર વિસ્તારમાં CCTV કેમેરા ઘર પર લગાવવા નહીં તેમ કહી અવારનવાર ઝઘડો કરતો હતો અને રૂ. 50,000 માગતો હતો. પૈસા નહીં આપતા દિનેશે ઉશ્કેરાઇને કેમ CCTV કેમેરા કાઢ્યા નથી કહી અર્જુન નામના યુવાન પર છરી અને પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સદનસીબે યુવાનને કોઈ ગંભીર ઇજા થઇ નહોતી જોકે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે.
આખા વિસ્તારમાં દિનેશની રાવ છેઃ સ્થાનિક મહિલા
આ અંગે સ્થાનિક મહિલા લીલાબેન પતરિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને માર માર્યો હતો. કાલે ગાળો દઇને અમારી પાસેથી 50 હજાર માગતો હતો, અમે શેના રૂપિયા દઇએ. દારૂ બનાવી વેચે છે, દારૂનો ધંધો છે. મારા દીકરાને માથા અને હાથના ભાગે ઇજા પહોંચી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અમારા ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા કાઢવા ધમકી આપે છે. સીસીટીવી નીકળી જાય તો દીકરીઓની છેડતી કરવાનું મોકળું મેદાન મળે એટલે ધમકી આપે છે. આખા વિસ્તારમાં એની રાવ છે.
ગોંડલમાં રૂ. 500ની ઉઘરાણીમાં શ્રમિક પર 3 શખસનો છરીથી હુમલો
ગોંડલના કુંભારવાડા કીર્તિ મમરા કારખાના વાળી શેરીમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે લાલી તુલસીભાઈ વ્યાસે ગીતાનગરમાં રહેતા ધમા આહીર પાસેથી રૂપિયા 500 ઉછીના લીધા હતા. જેની પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવતા લાલીએ તેને ઘરે આવવાની ના પાડતા માઠું લાગતા ધમો આહીર, લીસયો અને અપૂડો એક્ટિવા પર ધસી આવી ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. દરમિયાન ધમાએ છરી કાઢી હુમલો કરતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખસો વિરૂદ્ધ IPCની કલમ 324, 323, 504, 506, 114 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ જમાદાર વિશાલ ગડાદરાએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.