• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Lover Was Given A Betel Nut Worth Rs 4 Lakh To Kill His Girlfriend's Husband, 5 Days Remand Granted To 5 Accused Including Boyfriend

અકસ્માતમાં ખપાવેલો હત્યા કેસ:રાજકોટમાં પ્રેમિકાના પતિનું કાસળ કાઢવા પ્રેમીએ 4 લાખની સોપારી આપી હત્યા કરાવી હતી, પ્રેમી સહિત 5 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ10 દિવસ પહેલા
પાંચેય આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને ઇન્સેટમાં મૃતક મનોજની ફાઈલ તસવીર.
  • 28 ઓક્ટોબરના રોજ યુવાનનો મૃતદેહ મળ્યો હતો
  • પરિવારજનો ઘટનાસ્થળે અવારનવાર જતો હતો
  • પરિવારજનોને એક વ્યક્તિએ સમગ્ર હકીકત જણાવી હતી

રાજકોટના કોઠારિયા સોલવન્ટ ફાટક નજીક પ્રેમિકાના પતિ મનોજ વાઢેરની હત્યા કરનાર પ્રેમી સહિત 5 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓને આજીડેમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. જેને રિમાન્ડ અર્થે લઇ જવાતા કોર્ટે તમામ 5 આરોપીઓના 23 નવેમ્બર બપોર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. અકસ્માતમાં ખપાવેલી હત્યાની ઘટનામાં પ્રેમિકાના પતિની હત્યા કરવા પ્રેમીએ 4 લાખની સોપારી આપી હતી.

28 ઓક્ટોબરના રોજ મનોજનો મૃતદેહ મળ્યો હતો
28 ઓક્ટોબરના રોજ થયેલી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ગઈકાલે ઉકેલાયો હતો.જેમાં મૃતક મનોજની પત્નીના પ્રેમી પરેશ અકબરીએ 4 લાખની સોપારી આપી હત્યા કરાવાયાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં પાંચ શખ્સોની સંડોવણી ખુલી જે તમામને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની તપાસ માટે આરોપીઓને આજીડેમ પોલીસે સોંપવામાં આવ્યા છે. આજીડેમ પોલીસે હત્યારા રાજેશના ઘરેથી લોહીવાળા કપડા તેમજ ઘટનાસ્થળથી 150 મીટર દૂર ઝાડીમાંથી હત્યામાં વપરાયેલો પથ્થર કબ્જે કર્યો છે.

આરોપી પારડી ગામનો માતાજીનો ભૂવો મેહુલ પારઘી.
આરોપી પારડી ગામનો માતાજીનો ભૂવો મેહુલ પારઘી.

મનોજની પત્ની ફાલ્ગુનીની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે
આજીડેમ પોલીસ દ્વારા 5 આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ સાથે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 23 નવેમ્બર બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ હત્યામાં મનોજની પત્ની ફાલ્ગુનીની સંડોવણી અંગે હજુ સુધી પોલીસને કોઈ મહત્વની કડી મળી નથી. આ અંગે પણ આજીડેમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

આ રીતે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
આરોપી પરેશ અકબરી બાંધકામનો વ્યવસાય કરે છે. વર્ષ 2014માં કોઠારિયા સોલવન્ટમાં સીતારામ સોસાયટીમાં કામ ચાલુમાં હોય તે સમયે તેને મનોજની પત્ની ફાલ્ગુની સાથે પરિચય થયો હતો. પરેશ અને ફાલ્ગુનીએ એકબીજા સાથે વર્ષ 2017માં મૈત્રી કરાર પણ કર્યા હોવાની હકીકત પરેશ દ્વારા જણાવવામાં આવી છે. ફાલ્ગુનીના પતિ મનોજ અવારનવાર ફાલ્ગુનીને મારકૂટ કરતો હોવાનું ફાલ્ગુનીએ પરેશને જણાવ્યું હતું. ફાલ્ગુનીએ તેના પતિ મનોજ સાથે છૂટાછેડા લીધા હતા પરંતુ પોતાના સાસુ વૃદ્ધ હોય પોતે ફરી કરાર કરી અને મનોજ સાથે રહેવા આવી ગઈ હતી. પરેશ તેના ઓળખીતા પારડી ગામમાં મેલડી માતાજીના ભુવા મેહુલ પારઘીના ઘરે છ મહિના પહેલા ગઈ અને તે સમયે મેહુલને જણાવ્યું કે તમે એક ભાઇ છે તેને એવુ કંઇક કરી આપો કે તે થોડા સમયમાં મૃત્યુ પામે. પરંતુ તે સમયે મેહુલે જણાવ્યું કે, માતાજી કોઇનો જીવ લેવાનુ કામ ન કરે.

આરોપી પરેશ અકબરી.
આરોપી પરેશ અકબરી.

પારડી ગામના માતાજીના ભૂવાની સંડોવણી ખુલી
બાદમાં ત્રણ મહિના પહેલા પારડી ગામમાં શિવલહેરી હોટલ ખાતે પરેશ અને તેનો મિત્ર વિમલ બાંભવા બન્ને ફરી પારડી ગામના માતાજીના ભુવા મેહુલ પારઘીને મળવા ગયા હતા. આ સમયે તેઓએ એક ભાઇ સાથે મિત્રતા કરાવી અને તેને દવા (પદાર્થ) ભેળવી અથવા ગમે તે રીતે તેનું મૃત્યુ થાય તેવું કરી આપવા જણાવ્યું હતું. આથી મેહુલે તે કામ કરી આપશે તેમ જણાવ્યું હતું. આ બાબતે મેહુલે પોતાની સાથેના પોતાના મિત્ર કિશન જેઠવાને વાત કરી હતી. એક મહિના પહેલા પારડી ગામે શિવલહેરી હોટલમાં પરેશ અને વિમલ ગયા હતા. અહીં ફરી મેહુલ પારઘીને મળ્યા હતા અને આ સમયે ફરી એક વ્યકિતનું દવા (પદાર્થ) ભેળવી અથવા કોઇ પણ રીતે તેનુ મોત થાય તેવું કામ કરી આપવા જણાવતા મેહુલે તે કામ કરવાની હા પાડી હતી.

આરોપી કિશન જેઠવા.
આરોપી કિશન જેઠવા.

પહેલા 10 લાખમાં સોપારી આપવાનું નક્કી થયું હતું
આ કામ કરવાના મેહુલને રૂ.10,00,000 કહ્યા હતા. આ કામ કરવા માટે મેહુલે તેના મિત્ર કિશન જેઠવાને વાત કરી હતી અને કોઇ શખસને આ કામ કરવા તૈયાર કરવા જણાવતા કિશન જેઠવાએ પારડી ગામના રાજેશ પરમારને કામ કરવા અને તેમાં પૈસા મળશે તેમ જણાવતા રાજેશ પરમાર કામ કરવા માટે તૈયાર થયો હતો. બાદમાં બધા વચ્ચે બેઠક થઈ હતી. બાદમાં ત્રણ-ચાર દિવસ બાદ ફરી પરેશ પટેલ મેહુલને મળવા માટે પારડી ગામ નવા બનતા મેલડી માતાજીના મંદિરે ગયો હતો. અહીં પરેશે મેહુલ અને કિશન હાજર હોય તેઓને ફરી કામની વાત કરી હતી અને 10 લાખ રૂપિયાના બદલે તે 4,00,000 આપી શકે તેમ હોવાનું જણાવતા મેહુલ અને કિશને કામ કરવાની હા પાડી હતી.

આરોપી વિમલ બાંભવા.
આરોપી વિમલ બાંભવા.

કામ પહેલા 2 લાખ અને કામ થયે 2 લાખ આપવાનું નક્કી થયું
26 ઓક્ટોબરના રોજ મેહુલને પરેશનો ફોન આવતા મેહુલ અને કિશન પરેશને મળવા માટે સાંજના સમયે કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે વિમલની ચાની હોટલે ગયો હતો. અહીં નજીકમા આવેલા શેડમાં ચારેય ગયા હતા અને કામના પૈસાની વાતચીત થતા કામ ચાલુ થાય એટલે રૂ. 2,00,000 તથા કામ પુરૂ થાય એટલે 2,00,000 આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આથી પરેશએ પહેલા રૂ. 10,000 આપ્યા હતા.

આરોપી રાજેશે મનોજને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી.
આરોપી રાજેશે મનોજને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી.

રાજેશે પથ્થરના ઘા મારી મનોજને પતાવી દીધો
27 ઓક્ટોબરના રોજ સાંજે કિશન જેઠવા, મેહુલ પારઘી અને રાજેશ હત્યા કરવા નીકળ્યા હતા. કોઠારિયા સોલવન્ટ ફાટક આગળ સિગ્નલ પાસે ટ્રેનના પાટાની નજીક બેઠેલા મનોજ પાસે રાજેશ જઈને બેસી ગયો હતો. મનોજ સાથે વાતચીત કરી બાદમાં તેને પછાડી દઇ નજીકમાં પડેલા મોટા પથ્થરના ઘા મોઢાના ભાગે મારી દીધા હતા અને પછી રાજેશ ત્યાંથી જતો રહ્યો હતો. મનોજની હત્યા પોતે જ કરી હોવાની કબૂલાત રાજેશે પોલીસને આપી હતી. આ કામમાં રાજેશે કિશન તથા મેહુલને અગાઉ 5000, કામ પૂરું થયે 10,000 અને ત્યારબાદ રૂ. 70,000 આપ્યાની કબૂલાત આપી હતી.