અકસ્માતમાં ખપાવેલી હત્યામાં ઘટસ્ફોટ:રાજકોટમાં પ્રેમિકાના પતિને પતાવી દેવા પ્રેમીએ 4 લાખની સોપારી આપી હતી, હત્યામાં માતાજીના ભૂવાની પણ સંડોવણી

રાજકોટ2 મહિનો પહેલા
પોલીસે આરોપી પ્રેમી પરેશ અકબરીની ધરપકડ કરી.
  • મૃતકના પરિવારજનો અવારનવાર હત્યાના સ્થળે જતા હતા
  • નજરે જોનાર વ્યક્તિએ મૃતકના પરિવારજનોને હકીકત જણાવી
  • અકસ્માતમાં ખપાવેલી ઘટના હત્યા નીકળતા પોલીસ એક્શનમાં આવી

રાજકોટ શહેરના આજીડમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારિયા સોલવન્ટ ફાટક આગળ રેલવે પાટા પાસેથી ગત 28 ઓક્ટોબરના રોજ સવારના સમયે મનોજ પ્રતાપભાઈ વાઢેર નામના યુવકનો મોઢાના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મનોજનું મોત શંકાસ્પદ જણાતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આજે મૃતકની જ પત્નીના પ્રેમીએ 4 લાખની સોપારી આપી હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ માતાજીના ભૂવાની પણ સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે પ્રેમી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનો ઘટનાસ્થળે જતા હત્યા થયાની જાણ થઈ
મનોજના પરિવારજનો અવારનવાર ઘટનાસ્થળે જતા હતા. દરમિયાન 13 નવેમ્બરના રોજ તેઓ ઘટનાસ્થળે ઊભા હોય એક અજાણી વ્યક્તિએ પાસે આવી ‘કેમ અહીં ઊભા છો’ તેવી પૂછપરછ કરી હતી. બાદમાં આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ જગ્યાએ થોડા દિવસ અગાઉ મૃતદેહ મળ્યો હતો તે ભાઇ અને બીજો એક અજાણ્યો શખસ બન્ને રાત્રિના સમયે ઝઘડો કરતા હતા. તેમાંથી એક શખસ બીજાને મોટા પથ્થર વડે બેથી ત્રણ ઘા મોઢા ઉપર મારતો હતો તેવુ મેં થોડે દૂરથી જોયું હતું. મારવાવાળો શખસ પાતળા બાંધાનો અને લગભગ 5 ફૂટની હાઇટ વાળો અને આશરે 25 વર્ષની ઉંમરનો હતો.

મૃતક મનોજ વાઢેરની ફાઈલ તસવીર.
મૃતક મનોજ વાઢેરની ફાઈલ તસવીર.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
બાદમાં અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મૃતક યુવાન સાથે બનાવની રાત્રે રાજેશ પરમાર નામનો શખસ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજેશ પરમારની અટકાયત કરી હતી. પોલીસે પૂછપરછ કરતા હત્યા નીપજાવી હોવાની કબૂલાત આપી હતી. આરોપીની આકરી ઢબે પૂછપરછ કરતા રાજેશે તેમના ગામના પોતાના મિત્ર કિશન જેઠવા, મિત્ર મેહુલ પારઘી (માતાજીનો ભુવો છે) અને રાજકોટના પરેશ પટેલ સાથે હત્યા કરી કરી હોવાની કબૂલાત આપી હતી.

આરોપી રાજેશે મનોજને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી.
આરોપી રાજેશે મનોજને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી.

2014માં મનોજની પત્નીને પરેશ સાથે પ્રેમ થયો હતો
આરોપી પરેશ અકબરી બાંધકામનો વ્યવસાય કરે છે. વર્ષ 2014માં કોઠારિયા સોલવન્ટમાં સીતારામ સોસાયટીમાં કામ ચાલુમાં હોય તે સમયે તેને મનોજની પત્ની ફાલ્ગુની સાથે પરિચય થયો હતો. પરેશ અને ફાલ્ગુનીએ એકબીજા સાથે વર્ષ 2017માં મૈત્રી કરાર પણ કર્યા હોવાની હકીકત પરેશ દ્વારા જણાવવામાં આવી છે. ફાલ્ગુનીના પતિ મનોજ અવારનવાર ફાલ્ગુનીને મારકૂટ કરતો હોવાનું ફાલ્ગુનીએ પરેશને જણાવ્યું હતું. ફાલ્ગુનીએ તેના પતિ મનોજ સાથે છૂટાછેડા લીધા હતા પરંતુ પોતાના સાસુ વૃદ્ધ હોય પોતે ફરી કરાર કરી અને મનોજ સાથે રહેવા આવી ગઈ હતી. પરેશ તેના ઓળખીતા પારડી ગામમાં મેલડી માતાજીના ભુવા મેહુલ પારઘીના ઘરે છ મહિના પહેલા ગઈ અને તે સમયે મેહુલને જણાવ્યું કે તમે એક ભાઇ છે તેને એવુ કંઇક કરી આપો કે તે થોડા સમયમાં મૃત્યુ પામે. પરંતુ તે સમયે મેહુલે જણાવ્યું કે, માતાજી કોઇનો જીવ લેવાનુ કામ ન કરે.

આરોપી પારડી ગામનો માતાજીનો ભૂવો મેહુલ પારઘી.
આરોપી પારડી ગામનો માતાજીનો ભૂવો મેહુલ પારઘી.

પારડી ગામના માતાજીના ભૂવાની સંડોવણી ખુલી
બાદમાં ત્રણ મહિના પહેલા પારડી ગામમાં શિવલહેરી હોટલ ખાતે પરેશ અને તેનો મિત્ર વિમલ બાંભવા બન્ને ફરી પારડી ગામના માતાજીના ભુવા મેહુલ પારઘીને મળવા ગયા હતા. આ સમયે તેઓએ એક ભાઇ સાથે મિત્રતા કરાવી અને તેને દવા (પદાર્થ) ભેળવી અથવા ગમે તે રીતે તેનું મૃત્યુ થાય તેવું કરી આપવા જણાવ્યું હતું. આથી મેહુલે તે કામ કરી આપશે તેમ જણાવ્યું હતું. આ બાબતે મેહુલે પોતાની સાથેના પોતાના મિત્ર કિશન જેઠવાને વાત કરી હતી. એક મહિના પહેલા પારડી ગામે શિવલહેરી હોટલમાં પરેશ અને વિમલ ગયા હતા. અહીં ફરી મેહુલ પારઘીને મળ્યા હતા અને આ સમયે ફરી એક વ્યકિતનું દવા (પદાર્થ) ભેળવી અથવા કોઇ પણ રીતે તેનુ મોત થાય તેવું કામ કરી આપવા જણાવતા મેહુલે તે કામ કરવાની હા પાડી હતા.

આરોપી કિશન જેઠવા.
આરોપી કિશન જેઠવા.

પહેલા 10 લાખમાં સોપારી આપવાનું નક્કી થયું હતું
આ કામ કરવાના મેહુલને રૂ.10,00,000 કહ્યા હતા. આ કામ કરવા માટે મેહુલે તેના મિત્ર કિશન જેઠવાને વાત કરી હતી અને કોઇ શખસને આ કામ કરવા તૈયાર કરવા જણાવતા કિશન જેઠવાએ પારડી ગામના રાજેશ પરમારને કામ કરવા અને તેમાં પૈસા મળશે તેમ જણાવતા રાજેશ પરમાર કામ કરવા માટે તૈયાર થયો હતો. બાદમાં બધા વચ્ચે બેઠક થઈ હતી. બાદમાં ત્રણ-ચાર દિવસ બાદ ફરી પરેશ પટેલ મેહુલને મળવા માટે પારડી ગામ નવા બનતા મેલડી માતાજીના મંદિરે ગયો હતો. અહીં પરેશે મેહુલ અને કિશન હાજર હોય તેઓને ફરી કામની વાત કરી હતી અને 10 લાખ રૂપિયાના બદલે તે 4,00,000 આપી શકે તેમ હોવાનું જણાવતા મેહુલ અને કિશને કામ કરવાની હા પાડી હતી.

આરોપી વિમલ બાંભવા.
આરોપી વિમલ બાંભવા.

કામ પહેલા 2 લાખ અને કામ થયે 2 લાખ આપવાનું નક્કી થયું
26 ઓક્ટોબરના રોજ મેહુલને પરેશનો ફોન આવતા મેહુલ અને કિશન પરેશને મળવા માટે સાંજના સમયે કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે વિમલની ચાની હોટલે ગયો હતો. અહીં નજીકમા આવેલા શેડમાં ચારેય ગયા હતા અને કામના પૈસાની વાતચીત થતા કામ ચાલુ થાય એટલે રૂ. 2,00,000 તથા કામ પુરૂ થાય એટલે 2,00,000 આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આથી પરેશએ પહેલા રૂ. 10,000 આપ્યા હતા.

પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી.
પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી.

રાજેશે પથ્થરના ઘા મારી મનોજને પતાવી દીધો
27 ઓક્ટોબરના રોજ સાંજે કિશન જેઠવા, મેહુલ પારઘી અને રાજેશ હત્યા કરવા નીકળ્યા હતા. કોઠારિયા સોલવન્ટ ફાટક આગળ સિગ્નલ પાસે ટ્રેનના પાટાની નજીક બેઠેલા મનોજ પાસે રાજેશ જઈને બેસી ગયો હતો. મનોજ સાથે વાતચીત કરી બાદમાં તેને પછાડી દઇ નજીકમાં પડેલા મોટા પથ્થરના ઘા મોઢાના ભાગે મારી દીધા હતા અને પછી રાજેશ ત્યાંથી જતો રહ્યો હતો. મનોજની હત્યા પોતે જ કરી હોવાની કબૂલાત રાજેશે પોલીસને આપી હતી. આ કામમાં રાજેશે કિશન તથા મેહુલને અગાઉ 5000, કામ પૂરું થયે 10,000 અને ત્યારબાદ રૂ. 70,000 આપ્યાની કબૂલાત આપી હતી.

પથ્થરના ઘા ઝીંકી હત્યા કરનાર રાજેશે હત્યાનો આરોપ પોતાના પર ઓઢી લેવા વધુ રૂ.1 લાખ માગ્યા અને તે ચૂકવાયા પણ ખરા

​​​​​​​28મીએ લાશ મળી 13મીએ હત્યાનો ગુનો નોંધાયો
રેલવે ટ્રેક નજીકથી મનોજ વાઢેરની ગત તા.28ના લાશ મળી હતી, પડી જવાથી મનોજનું મૃત્યુ થયાનું તત્કાલીન સમયે આજીડેમ પોલીસે માની લીધું હતું, ત્યારબાદ તા.13ના એક અજાણ્યા શખ્સ સામે ફાલ્ગુનીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફાલ્ગુનીએ ફરિયાદમાં કહ્યું હતું કે, પોતે મનોજની લાશ મળી તે સ્થળે ગઇ હતી ત્યારે એક અજાણ્યો શખ્સ તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તા.27ની રાત્રે મનોજને કોઇ અજણ્યા શખ્સે પથ્થરના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પથ્થરના ઘા ઝીંકનાર રાજેશ સુધી પોલીસ પહોંચી અને મર્ડર મિસ્ટ્રી બહાર આવી
ક્રાઇમબ્રાંચના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને ચેતનસિંહને હકીકત મળી કે મનોજ વાઢેરને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરનાર પારડી ગામનો રાજેશ પૂંજા પરમાર છે, પોલીસે તેને પારડી ગામ નજીકથી ઝડપી લઇ પૂછપરછ કરતાં મર્ડર મિસ્ટ્રી બહાર આવી હતી.

બિલ્ડર પરેશ પ્રેમિકા ફાલ્ગુનીના પતિનું કાસળ કાઢવા ભૂવા પાસે ગયો, તેણે રૂ.10 લાખ માગ્યા
મનોજની પત્ની ફાલ્ગુની સાથે 2014માં બિલ્ડર પરેશ પટેલનો પરિચય થયા બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા, પરંતુ પતિ મારકૂટ કરતો હોય તે અંગે પ્રેમી પરેશને વાત કરતાં પરેશે પ્રેમિકાના પતિનું કાસળ નીકળી જાય તેવો વિચાર શરૂ કર્યો હતો. છ મહિના પૂર્વે પરેશ પ્રેમિકા ફાલ્ગુનીને લઇને પારડીમાં રહેતા તેના પરિચિત ભૂવા મહેલુ રામજી પારઘી પાસે ગયો હતો અને મનોજનું મૃત્યુ થઇ જાય તેવી વિધિ કરી આપવા કહ્યું હતું, ભૂવા મહેશે માતાજી કોઇનો જીવ લેવાનું કામ કરે નહીં તેવું કહ્યું હતું. ત્રણ મહિના પહેલા પરેશ અને તેનો મિત્ર કિસન, વિમલ, કિરીટ બાંભવા ફરીથી મેહુલ પાસે ગયા હતા અને ફરીથી એ જ વાત દોહરાવી હતી, મહિના પૂર્વે ફરીથી ત્રણેય મળ્યા ત્યારે ભૂવા મેહુલે કામ કરવાની હા કહીને રૂ.10 લાખ માગ્યા હતા.

ભૂવાએ તેના મિત્ર કિસનને સોપારીની વાત કરી અને હત્યાનો પ્લાન ઘડ્યો
બિલ્ડરના ગયા બાદ ભૂવા મેહુલે પારડીમાં જ રહેતા તેના મિત્ર કિસન મનસુખ જેઠવાને હત્યા કરવાનું કામ મળ્યાની અને કોઇ વ્યક્તિને હત્યા કરવા માટે તૈયાર કરવા કહ્યું હતું. કિસને પારડીના રાજેશ પરમારને મળીને કહ્યું હતું કે, એક હત્યા કરવાની છે પૈસા મળશે. જેથી રાજેશ તૈયાર થયો.

4 લાખમાં હત્યાનું નક્કી થયું, 10 હજાર સુથી પેટે આપ્યા
છવ્વીસેક દિવસ પૂર્વે ફરીથી ભૂવો, બિલ્ડર સહિતના શખ્સો મળ્યા હતા. અને હત્યા માટે રૂ.4 લાખમાં સોદો નક્કી થયો હતો. તા.26ના ભૂવાએ ફોન કરીને મેહુલ તથા કિસનને કોઠારિયા સોલવન્ટ પાસે બોલાવ્યા ત્યાં નક્કી થયું કે, કામ ચાલુ થાય ત્યારે રૂ.2 લાખ અને હત્યા કર્યા બાદ રૂ.2 લાખ આપવાના રહેશે, તે સમયે પરેશે સુથી પેટે 10 હજાર ભૂવાને આપ્યા હતા.

તા.27ની સાંજે મનોજનો ચહેરો બતાવ્યો, રાત્રે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
27મીએ સાંજે પરેશે ભૂવા મેહુલને ફોન કરીને કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે વિમલની ચાની હોટેલ નજીક બોલાવતા મેહુલ, કિસન અને રાજેશ પરમાર ત્યાં પહોંચ્યા હતા જ્યાં પરેશે હોટેલથી થોડે દૂર બેઠેલા મનોજ વાઢેરનો ચહેરો બતાવ્યો હતો અને તેની હત્યા કરવાની વાત કરી હતી. હત્યા રાજેશ પરમારે કરવાની હોય તેણે મનોજનો પીછો શરૂ કર્યો હતો. મનોજ વાઢેર ફાટક નજીક પાટા પાસે બેઠો હતો ત્યારે રાજેશ તેની પાસે જઇને બેસી ગયો હતો અને મોકો મળતાં જ મનોજને ધક્કો મારી પછાડી દઇ બાજુમાં પડેલો પથ્થર ઉઠાવી પથ્થરના ઘા ઝીંકી મનોજની હત્યા કરી નાખી ત્યાંથી નાસી ગયો હતો.

રાજેશે હત્યા કર્યાની ફોનથી જાણ કરી, બીજા દિવસે ભૂવા સહિતના શખ્સો લાશ જોવા સ્થળ પર પહોંચ્યા
હત્યા કર્યા બાદ રાજેશે ભૂવા મેહુલને ફોન કરી કામ પૂરું કરી દીધું છે તેવી જાણ કરી હતી, તા.28ના સવારે મેહુલ અને કિસન જેઠવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યાં મનોજની લાશ જોઇ હતી, લોકોના ટોળાં અને પોલીસ હાજર હોય બંને ત્યાંથી નીકળી ગયા હતા.

હત્યાના આરોપી રાજેશે પોતાના પર ઓઢી લેવા વધુ રૂ.1 લાખ માગ્યા અને રૂ. 4 લાખને બદલે રૂ. 5 લાખ ચૂકવ્યા
મનોજની હત્યાના 4 દિવસ બાદ ભૂવા મેહુલે ફોન કરી પરેશને બોલાવ્યો હતો, પરેશે નક્કી થયા મુજબ રૂ.2 લાખ આપ્યા અને કહ્યું હતું કે, પોલીસે તેને બોલાવ્યો હતો, બધા ફસાઇ જાય તેના પહેલા રાજેશ પરમારને રજૂ કરી દઇએ, રાજેશે હત્યાનો આરોપ પોતાના પર લેવા વધુ 1 લાખ માગ્યા હતા. જેથી પરેશે રૂ.4 લાખને બદલે રૂ. 5 લાખ હત્યારાઓને આપ્યા હતા. રૂ.5.10 લાખમાંથી રાજેશને રૂ.80 હજાર મળ્યા હતા.

ફાલ્ગુની-પરેશ આબુ ફરવા ગયા’તા, ગોંડલમાં મળતા
બિલ્ડર પરેશને ફાલ્ગુની સાથે પ્રેમ થયા બાદ 2017માં ફાલ્ગુની સાથે સેવા કરાર કરી લીધા હતા. ફાલ્ગુનીએ પણ તેના પતિ મનોજને છૂટાછેડા આપી દીધા હતા, જોકે તેની સાસુ સતત બીમાર રહેતા હોવાથી ફાલ્ગુની ફરીથી પતિના ઘરે રહેવા જતી રહી હતી. જોકે ત્યારબાદ સંબંધો યથાવત હતા, પરેશ અને ફાલ્ગુની અગાઉ આબુ ગયા હતા અને દર પંદર-વીસ દિવસે ગોંડલની એક હોટેલમાં મળતા હતા. બંને રોજ કલાકો સુધી ફોન પર વાત કરતા. ફાલ્ગુનીને પતિના ત્રાસથી મુક્ત કરાવવા અને પોતાને હંમેશા માટે ફાલ્ગુની મળી રહે તે માટે બિલ્ડર પરેશે પ્રેમિકાના પતિની હત્યા કરાવવા સોપારી આપી હતી.

પરેશની પત્નીને પતિના સંબંધની જાણ હતી
પોલીસ પૂછપરછમાં ફાલ્ગુનીએ કહ્યું હતું કે, પરેશની પત્ની રેખાને તેના સંબંધની જાણ હતી, રેખાએ થોડા દિવસ આ મુદ્દે પતિ પરેશ સાથે ઝઘડા કર્યા હતા, એક વખત રેખાએ પરેશ અને તેની પ્રેમિકા ફાલ્ગુનીને બેસાડીને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંનેના સંબંધો યથાવત રહેતા અંતે રેખાએ પતિના આડાસંબંધો સ્વીકારી લીધા હતા.

‘સોપારી’ ચૂકવવા રૂ.6 લાખમાં મકાન વેચ્યું’તું
ભૂવા મેહુલ સાથે મનોજની હત્યાનો મામલો રૂ.4 લાખમાં નક્કી કર્યા બાદ બિલ્ડર પરેશે કોઠારિયા સોલવન્ટમાં આવેલું તેનું એક મકાન રૂ.6 લાખમાં વેચી નાખ્યું હતું, મકાન વેચાણના જે રૂ. 6 લાખ આવ્યા તે પરેશે તેની પત્ની રેખાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને કટકે કટકે તે એકાઉન્ટમાથી રૂ.5.60 લાખ ઉપાડી હત્યારાઓને તે રકમ ચૂકવી હતી.

હત્યા બાદ ફાલ્ગુની-પરેશ ફોન પર વાતો કરતા’તા
ક્રાઇમબ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ એમ.એમ.ઝાલાએ ફાલ્ગુનીને ઉઠાવી લઇ પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં તો પોતે પ્રેમી પરેશે હત્યા કરાવ્યા અંગે અજાણ હોવાનું રટણ રટ્યું હતું, જોકે પોલીસે ફાલ્ગુની અને પરેશનું મોબાઇલ કોલ ડિટેઇલ ચેક કરતાં મનોજની હત્યા બાદ પણ પરેશ અને તેની પ્રેમિકા ફાલ્ગુની મોબાઇલ પર કલાકો સુધી વાતો કરતા હોવાનું ખુલ્યું હતું. ફાલ્ગુની પણ હત્યાના કાવતરામાં સંડોવાઇ હોવાની પોલીસને દ્રઢ શંકા છે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.