તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરોની સાથે ગામડા સંક્રમિત:ગોડલ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે લોકોની લાંબી લાઇન, રાજકોટ જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉને વેગ પકડ્યો

ગોંડલ5 મહિનો પહેલા
ગોંડલમાં લોકો ટેસ્ટિંગ કરવા ઉમટ્યા.
  • ગોંડલ સિવિલ હોસ્પિટલમાં રોજ 300થી વધુ લોકો ટેસ્ટિંગ કરાવી રહ્યાં છે

રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ કોરોના વાયરસનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. ગોંડલ શહેર અને તાલુકામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે આજે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં રોજ 300થી વધુ લોકો ટેસ્ટિંગ કરાવી રહ્યાં છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે લાંબુ વેઇટિંગ ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે. ગોંડલની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ થઇ ગયાનું સામે આવ્યું છે.

ગોંડલ શહેર અને તાલુકામાં કોરોનાનો હાહાકાર
ગોંડલ શહેર અને તાલુકામાં કોરોએ માજા મૂકી છે. ગોંડલ તાલુકાના 24થી વધુ ગામમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે. શહેરમાં એક પણ હોસ્પિટલ ખાલી ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. રોજે રોજ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં લોકોની લાંબી લાઇન લાગે છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ખબાર પરિસ્થિતિ ગોંડલ, ધોરાજી અને જસદણ તાલુકાની હોવાનું સરકારી ચોપડે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ પરથી જાણી શકાય છે. ગઇકાલે નાના એવા જસદણમાં 90 કેસ નોંધાતા પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.એ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ
કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 16, 17 અને 18 એપ્રિલ એમ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના 700 જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ 3 દિવસ પરિવહન બંધ રાખશે. આથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને 3 દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચશે.

ગોંડલ સિવિલમાં ટેસ્ટિંગ માટે લોકોની લાંબી લાઇન.
ગોંડલ સિવિલમાં ટેસ્ટિંગ માટે લોકોની લાંબી લાઇન.

રાજકોટના ગૌરીદળ ગામમાં 16થી 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
રાજકોટ નજીક આવેલા ગૌરીદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. આગામી 16થી 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. કોઈ પણ ગ્રામજન દુકાન ખોલશે તો તેની પાસેથી 1000 રૂ.નો દંડ વસુલવામાં આવશે. આ અંગે સરપંચની હાજરીમાં ગ્રામજનોની બેઠક મળી હતી અને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તડકાથી બચવા લોકોએ ઝાડ નીચે લાઇન લગાવી.
તડકાથી બચવા લોકોએ ઝાડ નીચે લાઇન લગાવી.

રાજકોટના ઔદ્યોગિક વિસ્તારો 3 દિવસ બંધ રહેશે
રાજકોટ શહેર અને આસપાસના શાપર-વેરાવળ, મેટોડા, આણંદપર, નવાગામ, પડવલા સહિતના ઔદ્યોગિક વિસ્તાર ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

રાજકોટની દાણાપીઠ બજારમાં 4 દિવસનું આંશિક લોકડાઉન
રાજકોટની દાણાપીઠ બજારમાં ચાર દિવસનું સ્વયંભૂ આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલથી રવિવાર સુધી બપોરે 3 વાગ્યા સુધી જ વેપારીઓ દુકાનો ખુલ્લી રાખશે. 250 જેટલા વેપારીઓએ આ જાહેરાત કરી છે.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)