એશિયાઇ સિંહનું સરનામું એટલે ગીરનું જંગલ. પરંતુ સિંહો ગીર જંગલ છોડી બહાર આવી રહ્યા છે. હવે તો રાજકોટના સીમાડા સુધી સિંહનું આગમન થયું છે. રાજકોટના લોધિકા અને સાંગણવા ગામની સીમમાં આજે સિંહ દેખાતા સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે. અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે ગીરમાંથી ઘણીવાર સિંહો આજુબાજુના ગામમાં જોવા મળતા હોય છે. પરંતુ રાજકોટ સુધી પહોંચી જાય તે પણ એક નવાઇની વાત છે.
દર વર્ષે દિવાળીએ ગોંડલમાં સિંહો દેખાય છે
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી આવે એટલે ગીરના સાવજો ગોંડલ પંથકમાં ધામા નાખે છે. ગત દિવાળીએ પણ સિંહ પરિવારે ગોંડલના આજુબાજુના ગામોમાં ધામા નાખ્યા હતા. ગોંડલના વાસાવડ, મોટા દડવા, રાણવા સહિતના ગામોમાં ધામા નાખ્યા હતા. આથી ખેડૂતોને વાડી જવામાં ભારે તકલીફ પડી હતી. જોકે બાદમાં વન વિભાગની ટીમે પાંજરે પુરી જૂનાગઢ લઈ ગયા હતા.
અગાઉ રાજકોટના ત્રંબા ગામ સુધી સિંહો આવી ગયા હતા
બે વર્ષ પહેલા ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો હતો. 48 કલાક બંને સિંહે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કર્યા હતા. રાજકોટથી 21 કિલોમીટર નજીક સિંહ આવ્યાની સૌપ્રથમ ઘટના બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.