ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ વિવિધ સમાજો પોતાની પડતર માગણીને લઈને સંમેલનો અને દેખાવો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે બુધવારે જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ત્યાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ બન્ને ગેરહાજર રહેતા ઉપસ્થિત સમાજના આગેવાનોમાં ભારે નારાજગી ઊઠવા પામી હતી.
જે પાર્ટી સહકાર આપશે તેની સાથે રહીશું : શામજી ડાંગર
આ અંગે જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરે જણાવ્યું હતું કે અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ ખૂબ ઓછી છે, જેથી અમારા સમાજને 5 હજાર કરોડની ગ્રાન્ટ આપવી જોઈએ. આ સંમેલનનો હેતુ એ છે કે અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા આગળ આવવું જોઇએ. બીજું, અમારા સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી અમારી માગણી છે. અમે આ સંમેલનમાં સમાજના તમામ લોકોને જાહેર આમંત્રણ આપ્યું હતું. અમે કુંવરજી બાવળિયા અને ભોળા ગોહિલ બન્નેને આમંત્રણ આપ્યું હતું છતાં પણ કુંવરજીભાઈ કેમ હાજર રહ્યા નથી એ તેમનો પ્રશ્ન છે. આ સંમેલનમાં જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.
શામજી ડાંગર રાજકારણમાં જોડાય એવી મારી ઈચ્છા : વિક્રમ સોરાણી
જ્યારે વાંકાનેર AAPના નેતા વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે આ સંમેલન અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા થયું છે. બીજું, અમારા સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત શામજી ડાંગર જો ભાજપમાં જોડાશે તો તેઓ શું કરશે. તેના પ્રત્યુત્તર સ્વરૂપે તેમણે જણાવ્યું હતું કે હું વાંકાનેરમાં મારા મતવિસ્તારમાં ચૂંટણીપ્રચાર કરીશ અને એવી જરૂર ઈચ્છા રાખું છું કે શામજી ડાંગર પણ રાજકારણમાં જોડાય.
ભાજપના ગઢમાં ગાબડાં પડવાની સંભાવના
વિધાનસભાની ચૂંટણી પહેલાં જ જસદણ તાલુકાના કોળી સમાજનું મહાસંમેલન યોજાતા રાજકારણ ગરમાયું હતું. આવનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોળી સમાજનું મહાસંમેલન યોજાતા ભાજપના ગઢમાં ગાબડાં પડવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. આ સંમેલનમાં કોળી સમાજના આગેવાન શામજી ડાંગર, વિક્રમ સોરાણી, અવસર નાકિયા સહિતના કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(દીપક રવિયા,જસદણ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.