તપાસ:નગરપીપળિયામાં સરકારી શાળાના ગેટ પાસે દટાયેલું માનવ કંકાલ મળ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેવાસીઓ કહે છે કે વર્ષોથી આ સ્થિતિમાં છે, માટી નાખીએ વરસાદમાં પાછું દેખાય

રાજકોટના લોધિકા તાલુકાના નગરપીપળિયા ગામની સરકારી પ્રાથમિક શાળાના જૂના ગેટ પાસે માનવ કંકાલ દટાયેલું મળી આવ્યું છે. કંકાલની સ્થિતિ જોતા દાયકાઓ જૂનું હોવાની શક્યતા છે. નગરપીપળિયામાંથી પસાર થતા એક દૂધના વેપારીએ માનવ કંકાલની પ્રતિકૃતિ જેવું લાગતા શાળા પાસે જતા હાડકાંઓ દેખાયા હતા અને વરસાદમાં રસ્તા ધોવાતા તેમાંથી દટાઈને બહાર આવ્યાનું લાગતા તુરંત જ સરપંચને જાણ કરાઈ હતી.

પૂર્વ સરપંચ કમલેશ સાકરિયા સહિતના આગેવાનો તાબડતોબ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં સુધીમાં વાત ફેલાતા પોલીસે પણ સરપંચને ફોન કરી વિગતો માગી હતી. સરપંચ અને આગેવાનો સ્થળ પર પહોંચતા માનવ કંકાલ જ હોવાનું જણાયું હતું જેથી પૂછપરછ કરતં ગેટની સામે જ રહેતા પુંજાભાઈ ભરવાડના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ કંકાલ આ સ્થિતિમાં ઘણા વર્ષોથી છે. તેના પર માટી નાખે છે પણ વરસાદમાં ધોવાણ થતા ફરી બહાર દેખાઈ આવે છે. કંકાલની હાલત પણ અશ્મિકૃત થઈ ગયેલી લાગતા સરપંચે પોલીસને જાણ કરી દીધી છે.

અગાઉ પણ નીકળ્યા હતા માનવ હાડકાં
10થી 15 વર્ષ પહેલા પણ જ્યારે શાળા બની રહી હતી ત્યારે પાયાના ખોદકામ દરમિયાન પણ કેટલાક માનવ હાડકાં નીકળ્યા હતા પણ ત્યારે કોન્ટ્રાક્ટરે કોઇને જાણ કરી ન હતી અને ત્યારબાદ આ કંકાલ પણ મળ્યું હતું તેથી જે તે સમયે સ્મશાન હોવાનું માનીને કોઈએ વિશેષ તપાસ કરી ન હતી, પણ અહીં એ નોંધનીય છે કે જ્યાંથી આ હાડકાં મળ્યા છે ત્યાં રહેણાક વિસ્તાર છે દાયકાઓ પહેલા પણ ક્યારેય ત્યાં કબ્રસ્તાન કે સ્મશાન ન હોવાનું વડીલોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...