ફરિયાદ:વેપારીનું મકાન ભાડે રાખી 8 માસ ભાડું આપ્યા બાદ પચાવી પાડ્યું

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં રહેતા વેપારીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • છ વખત ચેક રિટર્ન થયા, પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જલારામ સોસાયટીમાં આવેલું વેપારીનું મકાન ભાડે મેળવ્યા બાદ પોરબંદરના શખ્સે તે મકાન પર કબજો જમાવી દીધો હતો અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

દિલ્હીની કાલિન્દી કોલોનીમાં રહેતા અને એનટીસી ગોલ્ડન ફોરવર્ડ નામે વેપાર કરતાં તુષારભાઇ મનસુખભાઇ ઘેટિયા (ઉ.વ.61)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જલારામ-2ની મધુવન સોસાયટીમાં યમુનાકું નામના મકાનમાં રહેતા પોરબંદરના વતની અરજણ ભીમા આગઠનું નામ આપ્યું હતું.

તુષારભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2012માં અરજણ અગાઠને માસિક રૂ.13 હજાર ના ભાડે 11 મહિનાના કરારથી આપ્યું હતું. અરજણ અગાઠ કટકે કટકે ભાડું આપતો હતો, 8 મહિના ભાડું આપ્યા બાદ ભાડું આપવાનું બંધ કરી દીધું હતું, દિલ્હીથી તુષારભાઇ ભાડાની ઉઘરાણી કરતા ત્યારે અરજણ ચેક મોકલી આપતો હતો પરંતુ તે ચેક રિટર્ન થતા હતા.

કેટલાક દિવસો પૂર્વે તુષારભાઇ રાજકોટ આવ્યા હતા અને અરજણને રૂબરૂ મળી મકાન ખાલી કરી દેવાનું કહેતા અરજણે ‘આ તમારું મકાન હવે ભૂલી જજો, હવે આ મકાને આવ્યા તો જીવતો નહીં જવા દઉં’તેવી ધમકી આપી હતી, અને મકાન પચાવી પાડ્યું હતું. પોલીસે અરજણ આગઠ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...