તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશળધાર:ગોંડલમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર, અંડરબ્રિજમાં કાર ફસાઇ, આશાપુરા ડેમ ઓવરફ્લો, રાજકોટ અને જસદણમાં દોઢ ઇંચ, સર્વત્ર પાણી જ પાણી

રાજકોટ18 દિવસ પહેલા
ગોંડલ ઉમવાડા અંડરબ્રિજમાં કાર ફસાઇ.
  • 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા
  • રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
  • યાત્રાધામ વિરપુરમાં પણ સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા

રાજકોટ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તેમાંય જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હોય તેમ એક કલાકમાં વીજળીના કડાકા ભકાડા સાથે દોઢ ઇંચ વરસાદ વરસી જતા શેરીઓમાં નદીની જેમ ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. ગોંડલમાં બપોર બાદ પણ વધુ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા આશાપુરા ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ધીમીધારે વરસાદ શરૂ જ છે. તેમજ આટકોટમાં પણ મૂશળધાર વરસાદ વરસતા હાઇવે પર પાણી ભરાયા હતા.

ગોંડલનો આશાપુરા ડેમ ઓવરફ્લો.
ગોંડલનો આશાપુરા ડેમ ઓવરફ્લો.

ગોંડલમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસતા અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા છે. એક કલામાં દોઢ ઇંચ વરસાદથી એક કાર પણ ફસાઇ ગઇ હતી. બીજી તરફ એસટી બસસ્ટેન્ડમાં બે ફૂટ સુધી પાણી ભરાતા મુસાફરો પરેશાન બન્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ મોડી રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બાદમાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. હાલ ધીમીધારે વરસાદ શરૂ છે.

ગોંડલ એસટી બસસ્ટેન્ડમાં પાણી ભરાયા.
ગોંડલ એસટી બસસ્ટેન્ડમાં પાણી ભરાયા.

જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું જસદણ શહેરમાં 1 કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાંથી પાણી બહાર નીકળી જતા જગતનો તાત ખુશખુશાલ બન્યો છે. જસદણના જંગવડ, પાંચવડા, ખારચીયા, વીરનગર બળધૂઇ, જીવાપર, આટકોટ સહિતના ગામમાં સારો વરસાદ પડ્યો છે. આ તમામ વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

જસદણમાં શેરીઓમાં નદીની જેમ પાણી વહ્યું.
જસદણમાં શેરીઓમાં નદીની જેમ પાણી વહ્યું.

રાજકોટમાં દોઢ ઇંચ જેટલો વરસાદ
રાજકોટ શહેરમાં પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મધરાતે ઝરમર વરસાદે સવાર પડતા જ જોર પકડ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, મોરબી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ વીજળીના કડાકા ભડાકા પણ થઇ રહ્યાં છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાતા વિઝિબિલીટી ઘટતા વાહનચાલકોને ફરજીયાત વાહનમાં લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. શહેરમાં 9.30 વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયાનું જાણવા મળે છે. બપોર બાદ પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો છે.

આટકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
આટકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ગોંડલમાં અંડરબ્રિજમાં કાર ફસાઇ
ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી, વાસાવડ, મોવિયા, પાંચીયાવદર, રાવણા, મેતા ખંભાળિયા, કેસવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ ધીમીધારે વરસાદ શરૂ જ છે. ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. શહેરના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. જેમાં એક કાર ફસાઇ છે. હાલ સ્થાનિક લોકો દ્વારા રેસ્કયૂ કરી કારને બહાર કાઢવામાં આવી છે.

આટકોટમાં રસ્તા પર પાણી ભરાયા.
આટકોટમાં રસ્તા પર પાણી ભરાયા.

યાત્રાધામ વિરપુરમાં પણ અનરાધાર
યાત્રાધામ વિરપુરમાં પણ સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણી બાદ ખેડૂતોએ વાવેલા પાક પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિરપુરમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી બની ગયા છે.

વિરપુરમાં ધોધમાર વરસાદ.
વિરપુરમાં ધોધમાર વરસાદ.

વિઝિબિલિટી ઓછી હોવાથી ત્રણ કાર અથડાઇ
રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતા. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ત્રણ કાર અથડાઇ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. બીજી તરફ રાજકોટના માલિયાસણ ગામે ચાલુ વરસાદે વીજ કરંટ લાગતા બે ઘેટાના મોત નીપજ્યાં છે.

માલિયાસણમાં ચાલુ વરસાદે વીજ કરંટ લાગતા બે ઘેટાના મોત.
માલિયાસણમાં ચાલુ વરસાદે વીજ કરંટ લાગતા બે ઘેટાના મોત.

2 અને 3 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ
રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી 1થી 5 સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને 1, 4 અને 5 સપ્ટેમ્બરના રોજ મધ્યમ અને 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન 28-31 ડિગ્રી સેલ્શિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રિ દરમિયાન 22-24 ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 84-91 અને 52-72 ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ 17થી 21 કિમી રહેવાની શક્યતા છે.

ગોંડલમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ.
ગોંડલમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ.

રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા પાણી
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમ પર 8 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 19.90 ફૂટ, મોજ ડેમ પર 10 મી.મી. વરસાદ સાથે 35.90 ફૂટ, વેણુ-2 ડેમ પર 5 મી.મી. વરસાદ સાથે 14.90 ફૂટ, સુરવો પર 30 મી.મી. વરસાદ સાથે 4.40 ફૂટ, વાછપરી પર 5 મી.મી. વરસાદ, ન્યારી-1 ડેમની જળ સપાટી 17.10, છાપરાવાડી-2 માં 2 મી.મી. વરસાદ સાથે 0.80 ફૂટ, ઈશ્વરિયા 10 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 1.30 ફૂટ, ભાદર- 2 ડેમમાં 14 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 11 ફૂટ, કર્ણકી 50 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 9.20 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા પાણી વર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા.
વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા.

રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ
રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ 21 ઈંચ(550 મીમી) વરસાદ પડ્યો છે. જોકે આ માત્ર સેન્ટ્રલ ઝોનના જ આંક છે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે વેસ્ટ ઝોનમાં 476 મીમી જ્યારે સૌથી ઓછો ઈસ્ટ ઝોનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે.

આટકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
આટકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
આટકોટમાં અનરાધાર વરસાદ પડ્યો.
આટકોટમાં અનરાધાર વરસાદ પડ્યો.

(દેવાંગ ભોજાણી-હિમાંશુ પુરોહિત, ગોંડલ/ કરસન બામટા, આટકોટ/દિપક મોરબીયા, વિરપુર)

અન્ય સમાચારો પણ છે...