તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવી રીતે ભણશે ગુજરાત?:રાજકોટની સરકારી સ્કૂલમાં છાત્રો પાસે પેનને બદલે પાવડા ઉપડાવ્યા, અગાઉ પૂર્વ CMના કાર્યક્રમમાં વાસણ સાફ કરાવ્યાં' તાં

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીએ પાવડો ઉપાડી મજૂરી કરી.
  • તત્કાલીન CM આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાસે વાસણ સાફ કરાવ્યાં હતાં
  • વિદ્યાર્થીઓ પાવડા વડે રેતી-કપચી ભરતા હતા અને શિક્ષકો અદબ વાળીને કામ જોઈ રહ્યા હતા

એક તરફ, રાજ્ય સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવ્યાં હતાં. હવે આ જ સ્કૂલમાં રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. બાળકોને પેનને બદલે શાળામાં પાવડો પકડાવી મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની વાતથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળાના આચાર્ય સમક્ષ કડક પગલાં લેવાઇ એવી માગ કરવામાં આવી રહી છે.

ધો. 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલે છે
બેડલા સરકારી શાળામાં હાલ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ગઇકાલે બપોરના 2થી 5 વાગ્યા સુધી પરીક્ષા હતી, એ પહેલાં 11 વાગ્યા આસપાસ એક વિદ્યાર્થી પહોંચી જાય છે ત્યારે આચાર્ય જતીન પરમાર અને અન્ય એક શિક્ષક વિદ્યાર્થી પાસે રેતી-કપચી એક જગ્યાથી ભરી બીજી જગ્યાએ ઠાલવી રહ્યા હતા. સતત દોઢ કલાક સુધી વિદ્યાર્થીએ આ રીતે મજૂરીકામ કર્યું હતું.

શિક્ષકોએ અદબ વાળી અને વિદ્યાર્થીઓએ મજૂરી કરી.
શિક્ષકોએ અદબ વાળી અને વિદ્યાર્થીઓએ મજૂરી કરી.

આચાર્ય સામે કડક પગલાં લેવા વાલીઓમાં માગ
એટલું જ નહિ, પરીક્ષા પૂર્ણ થયા બાદ અન્ય બેથી ત્રણ વિદ્યાર્થીઓની મદદ લઇ મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું હોવાનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં છે, જોકે આ મામલે અધિકારીઓ દ્વારા આચાર્ય સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ઢાંકપિછાડો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતાં જ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓએ પણ આચાર્ય સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ક્ષમતા કરતાં વધારે કપચી ભરીને વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું.
ક્ષમતા કરતાં વધારે કપચી ભરીને વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું.

ભૂલથી કામ અપાય ગયું હોવાનું કહી આચાર્યનો બચાવ
આ અંગે સ્કૂલના આચાર્ય જતીન પરમારે જણાવ્યું હતું કે શાળામાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું છે. કડિયાની સાથે આવતા મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષકે રેતી-કપચી પાથરવાનું કામ કર્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવ્યો હતો, જેને ભૂલથી કામ અપાય ગયું હશે એવો બચાવ કર્યો હતો.

વિદ્યાર્થી પાવડા વડે કપચી ભરી રહ્યો છે.
વિદ્યાર્થી પાવડા વડે કપચી ભરી રહ્યો છે.

વિદ્યાર્થી પાસે ક્ષમતા કરતાં વધારે વજન ઉપડાવ્યું
વીડિયોમાં જોવા મળતાં દૃશ્યો મુજબ વિદ્યાર્થી પાવડા વડે કપચી હાથલારીમાં ભરી રહ્યો છે. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જોવા મળે છે. વિદ્યાર્થીઓ બીમાર પડે તો જવાબદારી કોની એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા છે. વિદ્યાર્થીઓને પેન ઉપાડવાની જગ્યાએ સ્કૂલ દ્વારા પાવડા ઉપડાવી મજૂરી કરાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...