ધરપકડ:લક્ઝરિયસ કાર ચોરતી ગેંગ પાસેથી ખરીદીને વેચતો ગેરેજ સંચાલક ઝડપાયો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાઝિયાબાદ અને નોઇડામાંથી ચોરી વેચવા કાઢેલી 3 કાર જપ્ત

શહેરના 150 ફૂટ રિંગ રોડ-2 પર પાળ રોડ પર ટીલાળા ચોકડી વાવડી ગામના રસ્તા પાસે આવેલા પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ કાર હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલાને માહિતી મળતા પીએસઆઇ રબારી સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ગેરેજ સંચાલક લોધિકાના કોઠા પીપળિયા ગામના રાહુલ ભરત ઘીયાડને સકંજામાં લઇ ગેરેજમાં પડેલી કાર અંગે પૃચ્છા કરતા ભાંડો ફૂટી ગયો હતો. રાહુલ ઘીયાડે ગેરેજમાં ચોરાઉ સ્કોર્પિયો, ઇનોવા અને ઓટોમેટિક મારુતિ બ્રેજા કાર વેચવા રાખી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે રાહુલની અટકાયત કરી રૂ.23 લાખની ઉપરોક્ત ત્રણેય કાર કબજે કરી હતી. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, કબજે થયેલી કાર ગાઝિયાબાદ અને નોઇડામાંથી ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું. નોઇડામાં ચાલુ વર્ષમાં 15 લક્ઝરિયસ કાર ચોરી થઇ છે અને લક્ઝરિયસ કાર ચોરતી ગેંગ રૂ.2.50 લાખથી માંડી રૂ.3.50 લાખમાં મોંઘી કાર આવા શખ્સોને આપી દેતા હોય છે અને રાહુલ જેવા લોકો મનફાવે તેવી રકમ વસૂલતા હોય છે. પરપ્રાંતીય વાહન ચોર ગેંગે ચોરેલી કાર રાજકોટ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ રીતે વેચાતી હોવાની પોલીસને શંકા છે.

ફાઇનાન્સ કંપનીએ પરત ખેંચી હોવાનું કહી લોકોને છેતરતો
કોઇ વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર ખરીદ કરવા આવે અને કાર પસંદ પડ્યા બાદ કારની આરસીબુક સહિતના દસ્તાવેજ માગે ત્યારે રાહુલ કહેતો કે ફાઇનાન્સ કંપનીએ પરત ખેંચેલી કાર છે અને સસ્તામાં આપવાની છે, ખોટી વાતો કરી કાર ધાબડી દેવાતી.

અન્ય સમાચારો પણ છે...