રાજકોટમાં મતદાન પ્રત્યે રાજકોટના નાગરિકોને જાગૃત કરવા માટે રેસકોર્સ રીંગરોડ ખાતે ફૂટ માર્ચ યોજાઈ હતી. રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ ફૂટ માર્ચનું આયોજન કરાયું હતું.
70 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા
રંગીલા રાજકોટના રેસકોર્સ રીંગરોડ આસપાસ રાજકોટ સિટી પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરીને બહુમાળી ભવન સુધી યોજાયેલી આ ફુટમાર્ચનું આયોજન આસીસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલિસ જે.બી.ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઘોણીયા તથા સ્વિપના પ્રિતીબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ માટે યોજાયેલી આ ફુટમાર્ચમાં અંદાજિત 70 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો જોડાયા હતા. આ ફૂટમાર્ચે મોર્નિંગ વોક કરતા લોકોમાં અનેરું આકર્ષણ જગાવ્યું હતું.
કલેકટરે વિધાનસભાદીઠ ડિસ્પેચ તથા રિસિવિંગ સેન્ટર જાહેર કર્યા
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભાદીઠ એક ઈ.વી.એમ. ડિસ્પેચ તથા રિસિવિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.જે નીચે મુજબ છે.
68- રાજકોટ પૂર્વ: પી. એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કૂલ, 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે. 69 - રાજકોટ પશ્ચિમ: શ્રી. એસ. વી. વિરાણી હાઇસ્કૂલ, ટાગોર માર્ગ, રાજકોટ. 70 - રાજકોટ દક્ષિણ: પી. ડી. માલવિયા કોમર્સ કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ. 71 - રાજકોટ ગ્રામ્ય: ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, પાંધી લો કોલેજ બિલ્ડિંગ, કસ્તુરબા રોડ, રાજકોટ. 72 - જસદણ: મોડેલ સ્કૂલ, કમળાપુર રોડ, જસદણ. 73 - ગોંડલ: સંગ્રામસિંહજી હાઇસ્કૂલ, કોલેજ ચોક પાસે, ગોંડલ. 74 - જેતપુર: સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ, રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે, નવાગઢ, જેતપુર. 75 - ધોરાજી: નવી ભગવતસિંહજી હાઇસ્કૂલ, બાપુના બાવલા પાસે, સ્ટેશન રોડ, ધોરાજી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.