શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કિસાન પેટ્રોલપંપ નજીક સોમવારે સવારે ગેસની પાઇપલાઇન લીક થતાં આગ ભભૂકી ઊઠી હતી, હાઇવે નજીક જ આગ લાગતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ગોંડલ રોડ પર કિસાન પેટ્રોલપંપ નજીક જલારામ ફાર્મ નજીકથી પસાર થતી ગેસની પાઇપલાઇન સોમવારે સવારે 7 વાગ્યે લીક થતાં તેમાં આગ ભભૂકી હતી, આગે પળવારમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું,
આગના લબકારા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. આગ નેશનલ હાઇવેની નજીક લાગી હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને એક તરફ વાહન વ્યવહાર અટકાવી દેવાયો હતો. આગની ઘટના અંગે જાગૃત નાગરિકે જાણ કરતાં ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિત ફાયરબ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં કેટલાક વૃક્ષો અને ઇલેક્ટ્રિક વાયર સળગીને ખાક થઇ ગયા હતા. ફાયરબ્રિગેડે આગ બુઝાવ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો. આગને કારણે થોડીવાર માટે ગોંડલ નેશનલ હાઇવે પર અફરાતફરી મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.