મોટી દુર્ઘટના ટળી:રાજકોટ-અમદાવાદ હાઇવે પર કારમાં અચાનક આગ લાગી, સમય સૂચકતા વાપરી પાંચ લોકો ઉતરતાં બચાવ

રાજકોટ9 મહિનો પહેલા
આગના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
  • ભર બપોરે આગ લાગવાના કારણે કુતૂહલવશ રસ્તા પર ટોળાં જામી ગયાં
  • આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો

રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોમાં આગ લાગવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક આગ લાગવાનો બનાવ સામે આવવા પામ્યો છે જ્યાં આજે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કારમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

કારમાં આગ ભભૂકી ઉઠી હતી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-અમદાવાદ હાઇવે પર સફેદ કલરની કારમાં અચાનક આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. કારમાં બેસેલા લોકો નો આબાદ બચાવ થવા પામ્યો છે. આગના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગ લાગી હોવાની જાણ થતાં જ તેઓ તુરત જ કારમાંથી બહાર નીકળી ગયા હતા.જોત જોતાંમાં આગના કારણે કારની આગળના ભાગે આવેલા એન્જિનનો એક ભાગ સળગી ગયો હતો.કારમાં આગ લાગી હોવાની જાણ ફાયર બિગ્રેડને કરવામાં આવતાં ફાયર ફાઇટરો તુરંત ઘટના જ સ્થળ પર દોડી આવ્યા હતા.

કારમાં બેસેલા લોકો નો આબાદ બચાવ થવા પામ્યો છે
કારમાં બેસેલા લોકો નો આબાદ બચાવ થવા પામ્યો છે

ભર ઉનાળે આગ લગતા તર્ક-વિતર્ક શરૂ થયા હતા
આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસ જવાનોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જો કે, બનાવના પગલે રસ્તા પર જ ટોળાં જામી ગયાં હતાં. અચાનક કારમાં આગ કેમ લાગી તે અંગે પણ એકત્રિત થયેલા લોકોમાં ભારે તર્ક-વિતર્ક શરૂ થયા હતા.