ગોંડલમાં પાનની બંધ દુકાનમાં રાત્રિના અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મોડી રાત્રીના દુકાનમાંથી ધુમાડા નિકળતા હતા. જેને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ભીષણ આગમાં પાન, બીડી, અને સિગારેટનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે.
આગ લાગ્યાનું કારણ અકબંધ
ગોંડલના કૈલાશ બાગ રોડ પર આવેલ બાલકૃષ્ણ એજન્સી નામની દુકાનમાં આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા ગોંડલ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ગોંડલ ફાયર સ્ટેશન બંધ હોવાથી રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થયા
આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ ફાયરબ્રિગેડની ત્વરીત કામગીરીથી અન્ય દુકાનો બચી ગઇ હતી.
(દેવાંગ ભોજાણી, ગોંડલ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.