આગ ભભૂકી:રાજકોટમાં કેમિકલની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, 2 કરોડનું નુકસાન, આગ પર કાબૂ મેળવાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • ફેક્ટરીમાં ભીષણ આગને પગલે બ્રિગેડકોલ અપાયો હતો

રાજકોટની કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી કેમિકલની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગથી લગભગ 2 થી 3 કરોડનું નુકસાન થયું છે. રાજકોટ ફાયરે આગની તીવ્રતા જોતાં ફાયર બ્રિગેડે બ્રિગેડકોલ આપ્યો હતો.

ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા
પ્રાપ્ત વિગત અનુસાર કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આગ એટલી વિશાળ છે કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવ્યા હતા.

બ્રિગેડ કોલ એટલે શું?
ફાયર ડિપાર્ટમેન્ટ એટલે કે અગ્નિશમન દળ દ્વારા જ્યારે પણ આગ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે અથવા તેવી દહેશત જણાય એટલે બ્રિગેડ કોલ જાહેર કરે છે. બ્રિગેડ કોલ જાહેર કરવાની સત્તા માત્ર જે-તે વિભાગના ચીફ ફાયર ઓફિસરની હોય છે. બ્રિગેડ કોલ આપવાનો મતલબ એવો થયો કે જે-તે વિભાગના તમામ ફાયર ફાઈટર્સ અને લાશ્કરો (ફાયરમેન)ને જે સ્થળે આગ લાગી હોય ત્યાં ત્વરિત પહોંચી જવાનો હુકમ કરાય છે. એટલું જ નહીં, સરકારી કે મ્યુનિ.ના તાબા હેઠળના તમામ ફાયર ફાઈટર્સ ઉપરાંત કોઈ પણ ખાનગી સંસ્થા કે એકમ પાસે પોતાના ફાયર ફાઈટર્સ હોય તો તેને પણ બ્રિગેડ કોલની સ્થિતિમાં આગ લાગી હોય તે સ્થળે તાત્કાલિક પહોંચી જવા આદેશ કરાય છે.