સંશોધન:જૂનાગઢના વડાલ ગામના ખેડૂતે ખેતીમાં વધતો ખર્ચ ઘટાડવા અને સમય બચાવવા માટે 30 આધુનિક મશીનની શોધ કરી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડૂતે ઓનિયન રિ-પ્લાન્ટેશનથી ડુંગળીની રોપણીનો ખર્ચ 5 હજારથી ઘટાડી માત્ર 600 કર્યો

સૌરાષ્ટ્રના એક ખેડૂતે પોતાની કોઠા સૂઝથી માત્ર દેશભરના ખેડૂતોને ટેક્નોલોજીના માર્ગે વાળ્યા છે. જૂનાગઢના વડાલ ગામના ખેડૂત ઉમેશભાઈ દોમડિયાએ ખેતીમાં ઉપયોગી આધુનિક 30 જેટલા મશીનો બનાવ્યા છે. આ મશીનથી ખૂબ જ ઓછો ખર્ચ થાય છે અને મોટાભાગનું કામ યંત્ર અને ઓજારથી જ થાય છે.

ખેતરમાં એક કામ પાછળ બરબાદ થતો લાંબો સમય અને મોટો ખર્ચ જોઈ ઉમેશભાઈ દોમડિયાએ કંઈ નવું કરવા નક્કી કરી લીધું અને બસ પછી ખેતરમાં જ ખેતીમાં ઉપયોગી અત્યાધુનિક મશીનોની શરૂઆત કરી. 10 વર્ષના પરિશ્રમના અંતે આ ખેડૂતે 30 એવા મશીનો બનાવ્યા છે જેનાથી 80 ટકા સુધીનો ખર્ચ ઘટે અને ઓછામાં ઓછા માણસોથી કામ થઈ શકે છે. આઈટીઆઈના અભ્યાસ બાદ ખેતીમાં જોડાયેલા ઉમેશભાઈએ ડુંગળીના વાવેતર માટે ઓનિયન રિ-પ્લાન્ટેશન મશીન બનાવ્યું છે. જેનાથી એક વીઘા રોપણી પાછળ મજૂરી સહિતનો 5 હજાર સુધી થતો ખર્ચ માત્ર 600 રૂપિયામાં થઈ જાય છે. પાકમાં દવા છાંટવામાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે ચોમાસું અને શિયાળુ પાકમાં ટ્રેક્ટર દ્વારા એક કલાકમાં 10 વીઘા પાકમાં દવાનો છંટકાવ થઈ શકે તેવી વ્યવસ્થા કરી છે. સાથે જ ઓરણીમાં મીટર ફિટ કર્યું છે, જેનાથી વાવેતરમાં બિયારણનો દર સરખો રહે છે. અનોખી શોધ બદલ તેમને વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રી સહિત કૃષિ સંસ્થાઓ દ્વારા 10થી વધુ એવોર્ડ પણ મળ્યાં છે.

8 રાજ્યના ખેડૂતોએ અપનાવી ટેક્નોલોજી
ખેતી માટે અત્યંત ઉપયોગી એવા 30 મશીન જોઈ દેશના 8 રાજ્યના ખેડૂતોએ પણ આ ટેક્નોલોજી અપનાવી છે. આ માટે દેશભરમાંથી ખેડૂતો ઉમેશભાઈને મળવા પણ આવે છે. જોકે ખેતીમાં ઉપયોગી આટલી મોટી ક્રાંતિ સર્જવા છતાં આ ખેડૂત રૂપિયા લઈ મશીનોનું વેચાણ કરતા નથી અને મશીન બનાવવા માટે પૂરી માહિતી આપી ખેડૂતોને મદદ કરી રહ્યાં છે.

મશીનરી જોઈ નામાંકિત કંપનીઓએ કરી ઓફર
આધુનિક મશીનો જોઈ ખેતીના સાધનો બનાવતી અનેક નામાંકિત કંપનીના માલિકો આ ખેડૂતને મળવા આવી રહ્યાં છે. સાથે જ પોતાની કંપની સાથે જોડાવવા મોટી ઓફર કરી રહ્યા છે. તેમ છતાં ઓફરો જતી કરી છે. ઉમેશભાઈ જણાવે છે કે, ખેડૂતો માટે હજુ અનેક મશીનોની શોધ કરવાની બાકી છે.

અન્ય સમાચારો પણ છે...