રક્ષાબંધનની ઉજવણી:16 રાજ્યના લોકોનો રાજકોટમાં એક પરિવાર, બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા-નરસા પ્રસંગોએ બધા એકબીજાને મદદરૂપ થશે

રાજકોટમાં અલગ- અલગ રાજ્યના લોકો વસવાટ કરે છે. આ બધા લોકોનો એક પરિવાર બનશે. જે સંકટ સમયે એકબીજાની પડખે ઊભા રહેશે અને સમસ્યાનું સમાધાન લાવશે. ભારત ભારતી નામની સંસ્થાના નેજા હેઠળ ભેગા થયેલા 16 રાજ્યના લોકો રક્ષાબંધનની ઉજવણી કરશે. 28 ઓગસ્ટના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સામુહિક રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં 1 હજારથી વધુ ભાઈ-બહેનો જોડાશે.

આ અંગે વધુ માહિતી આપતા ભારત ભારતી સંસ્થાના પ્રમુખ પ્રશાંત બાસુએ જણાવ્યું હતું કે, એક પરિવારની શરૂઆત સુરતથી થઇ હતી. તેમજ એ સિવાય ભારત દેશના અન્ય 6 રાજ્યમાં આ સંસ્થા કામ કરે છે. સામાન્ય રીતે મૂળ બીજા રાજ્યના અને હાલ રાજકોટ રહેતા હોય તેમને મુશ્કેલી કે અકસ્માતના સમયે કેટલીક તકલીફ પડતી હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટમાં પણ આ સંસ્થા હેઠળ બધા લોકોને એક જ નેજા હેઠળ બધાને ભેગા કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

28 ઓગસ્ટે જે રક્ષાબંધનની ઉજવણી થશે તેમાં પંજાબ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાચંલ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધપ્રદેશ, કર્ણાટક, કેરલ ,તામિલનાડુ, ઓરિસ્સા, બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, સિંધી સમાજ, પારસી, નેપાલી, તિબ્બતી સમાજના લોકો જોડાશે. રાખડી બાંધ્યા બાદ દરેક રાજ્યની સંસ્કૃતિ રજૂ કરતા પારંપરિક નૃત્ય રજૂ થશે. આગામી દિવસોમાં અન્ય તહેવારની ઉજવણી માટે આયોજન કરવામાં આવશે. સંસ્કૃતિ, રીત-રિવાજ, ખાણીપીણીની બાબતોનું આદાન- પ્રદાન કરાશે.

ભાષાકીય સમસ્યા ઊભી થઇ તો તુરંત મદદ મળી
સુરતમાં એક પરપ્રાંતીય પરિવારને અકસ્માત થયો હતો. આજુ બાજુના લોકો તેની મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ ઈજાગ્રસ્ત કે બચાવનાર કોઈ એકબીજાની ભાષા સમજી શકતું ન હતું. તેવામાં કોઇએ ભારત ભારતી સંસ્થાને જાણ કરી. સંસ્થાના સભ્યો જે તામિલ ભાષા જાણતા હતા તે મદદે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોની મુશ્કેલી જાણી હતી અને તેના પરિવારને સમગ્ર બનાવની જાણ કરવામાં મદદરૂપ બન્યા હતા. આમ મુશ્કેલીના સમયમાં પણ ભારત ભારતી સંસ્થા એકબીજાને મદદરૂપ બનતા સધિયારો મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...