એજ્યુકેશન:સેનેટની ચૂંટણીમાં દાતા બેઠક પર લડવા 15 લાખનું દાન જમા થયું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ મહિનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાતાઓ ઊમટ્યાં, ડોનરની 3 બેઠક પર સૌથી વધુ ઉમેદવારો મેદાને

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જાહેર થતાં જ દાતાઓ યુનિવર્સિટીમાં દાન આપવા ઊમટી પડ્યા છે. સેનેટમાં દાતાની ત્રણ બેઠક પરથી ચૂંટણી લડવા સૌથી વધુ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. યુનિવર્સિટીમાં છેલ્લા દોઢ મહિનામાં દાનનો ધોધ વહ્યો હોય એમ 15 લાખથી વધુનું દાન થયું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ. ગિરીશ ભીમાણીએ યુનિવર્સિટીમાં રૂ.10 લાખનું દાન કરાવ્યું છે, આ ઉપરાંત આર્કિટેક્ચર ફેકલ્ટીના ડૉ. રાહુલ મેહતા દ્વારા યુનિવર્સિટીમાં રૂ. 5 લાખનું દાન કરાયાનું જાણવા મળ્યું છે. અન્ય દાતાઓએ પણ એક કે બે લાખનું દાન યુનિવર્સિટીને આપ્યું છે.

હવે દાતાની બેઠક પરથી સેનેટની ચૂંટણી લડવા માટે ભારે રસાકસી જામી છે. દાતાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે સિન્ડિકેટ સભ્યો ડૉ. ગિરીશ ભીમાણી, ડૉ. ભાવિન કોઠારી, નેહલ શુક્લ, ડૉ. ભરત રામાનુજ અને ડૉ. નિદત્ત બારોટ રેસમાં છે. વધુમાં હજુ પણ દાનની આવક ચાલુ છે જેમાંથી ડોનરની સીટ ઉપર નવા ઉમેદવારો પણ સેનેટ લડવા મેદાને પડ્યા છે.

વર્તમાન સિન્ડિકેટ સભ્યો માટે પોતાનું સેનેટનું પદ બચાવવું જરૂરી છે કારણ કે, સેનેટની ચૂંટણી ન જીતે તો તેઓને સિન્ડિકેટ સભ્ય પદ પણ ગુમાવવું પડી શકે છે. એવામાં છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે આ સિન્ડિકેટ સભ્યોને સરકાર નિયુક્ત કરે તેવી સંભાવના નહિવત હોવાને કારણે દાતાની બેઠક એવી છે

જેમાંથી સરળતાથી સેનેટ ચૂંટણી જીતી શકાય તેમ છે તેથી જ હાલ મોટાભાગના સભ્યો દાતાની બેઠક ઉપરથી ચૂંટણી લડવા કાર્યરત થયા છે અને દાતાઓ પાસેથી યુનિવર્સિટીમાં લાખેણું દાન કરાવી રહ્યા છે. છેલ્લા દોઢ મહિના દરમિયાન જ યુનિવર્સિટીમાં જુદા જુદા દાતાઓ તરફથી 15 લાખથી વધુનું દાન આવ્યું છે. હજુ પણ આગામી 30 નવેમ્બર સુધીમાં યુનિવર્સિટીમાં દાતાઓની હોડ જામે તેવી સંભાવના પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...