તેલમાં ભડકો:કપાસિયા અને સિંગતેલ સમકક્ષ પહોંચવામાં માત્ર રૂપિયા 85નો તફાવત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તેલનો ફાઈલ ફોટો - Divya Bhaskar
તેલનો ફાઈલ ફોટો
  • ભાવ વધતા કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2215નો થયો

ત્રણ દિવસ સુધી ખાદ્યતેલમાં સ્થિર વલણ રહ્યા બાદ ગુરુવારે કપાસિયા, પામોલીન, સરસિયું,વનસ્પતિ ઘીના ભાવમાં વધારો થયો હતો. કપાસિયામાં રૂ.10નો ભાવવધારો થયો હતો. ભાવ વધ્યા બાદ કપાસિયા તેલનો ડબ્બો રૂ.2215નો થયો છે. આમ, કપાસિયા તેલનો ડબ્બો સિંગતેલની સમકક્ષે પહોંચવામાં માત્ર રૂ. 85નો જ તફાવત રહ્યો છે.

કપાસિયા વોશમાં બુધવારની સરખામણીએ ગુરુવારે ઊંચા ભાવે સોદા થયા હતા. જેમાં રૂ.1240-1250ના ભાવે 15-20 ટેન્કરના કામકાજ નોંધાયા હતા. વેપારીઓના જણાવ્યાનુસાર આયાતી ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી પામતેલ મોંઘું થયું છે.જેની સાથે- સાથે અન્ય તેલના ભાવ પણ ઊંચકાયા છે. ભાવવધારા બાદ પામોલીન તેલનો ભાવ રૂ.2010, સરસિયું રૂ. 2680, સનફ્લાવર રૂ. 2050 નો ભાવ બોલાયો હતો. આ ખાદ્યતેલમાં અનુક્રમે રૂ.10 થી 20નો ભાવવધારો થયો છે. તેલના ભાવવધારા સાથે-સાથે તેની ડિમાન્ડ પણ નીકળી છે. ઘરાકી નીકળતા સટ્ટાખોરો સક્રિય બન્યા છે.

સિઝન પૂરી થવાના એક મહિના પહેલા મગફળીની આવક વધી, એકાંતરા 5 લાખ કિલો ઠલવાઈ છે
મગફળીની સિઝન હવે પૂરી થવાને આડે એક મહિનો બાકી છે. ત્યારે આવકમાં ફરી વધારો થયો છે. જેને કારણે મગફળીની આવક એકાંતરા શરૂ કરવામાં આવી છે. બુધવારે યાર્ડમાં મગફળી પાલ અને ગુણી બન્નેમાં સ્વીકારવામાં આવી હતી. ગુરુવારે સાંજે 5.00 થી રાત્રિના 9.00 સુધી મગફળીની આવક સ્વીકારવામાં આવી હતી.વ્યવસ્થા જળવાઈ રહે અને વાતાવરણને કારણે ખેડૂતોની મગફળીને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને મગફળી ઢાંકીને લઈને આવવા સૂચના અપાઈ હતી. હાલ મગફળી અને કપાસની આવક એકસરખી નોંધાઈ રહી છે.ગુરુવારે યાર્ડમાં 5.20 લાખ કિલો કપાસની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...