અમિત શાહની કોંગ્રેસ પર સર્જીકલ સ્ટ્રાઇક:'જે 27 વર્ષથી સત્તામાં જ નથી તેનું ક્યું કામ બોલે છે!,રાહુલ બાબા ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવા નીકળ્યા છો?'

રાજકોટ2 મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે માત્ર 8 દિવસ બચ્યા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની 89 બેઠકો પર વોટિંગ થશે. આ સ્થિતિમાં રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્યારે આજે જસદણ ખાતે ગૃહમંત્રી અમિત શાહ પણ જસદણ ખાતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવી હતી.જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'જે કોંગ્રસ 27 વર્ષથી સત્તામાં જ નથી તેનું ક્યું કામ બોલે છે!' આ ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે,'રાહુલ બાબા ગુજરાતના ઘા પર મીઠુ ભભરાવવા નીકળ્યા છો?' નોંધનીય છે કે આજે જસદણ કોંગ્રેસ અને AAPનાં કેટલાક હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા અને અમિત શાહનાં હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો.

જસદણ સભાની નહીં કુંવરજીભાઈનાં કામની સીટ છે
જસદણ સભાની નહીં કુંવરજીભાઈનાં કામની સીટ છે
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

જસદણ કુંવરજીભાઈનાં કામની સીટ છે
વિધાનસભા ચૂંટણીને લઈ હાલ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ જિલ્લાનાં જસદણમાં પહોંચ્યા હતા. અહીં ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાનાં સમર્થનમાં જાહેરસભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે, આ જસદણ સભાની નહીં કુંવરજીભાઈનાં કામની સીટ છે. પ્રદેશ ભાજપે મને જસદણ મોકલ્યો હતો. ત્યારે મેં કહ્યું કે, જસદણ સભાની સીટ નથી કુંવરજીભાઈનાં કામની સીટ છે. મેં તેમને મેં કામ કરતા જોયા છે. જસદણની નાનામાં નાની વાત તેઓ વિધાનસભામાં પહોંચાડતા હતાં ત્યારે મને લાગતું હતું કે તેઓ ખોટા કોંગ્રેસમાં છે. અને અંતે તેઓ ભાજપ સાથે જોડાયા બાદ તમે સૌએ તેમને ભાજપમાં પણ સ્વીકાર્યા છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ તેમને ભારે બહુમતીથી જીતાડવા અપીલ કરું છું.

કોંગ્રેસીયાઓએ વર્ષો સુધી શાસન કર્યું ત્યારે પાણીની પરિસ્થિતિ વિકટ હતી
કોંગ્રેસીયાઓએ વર્ષો સુધી શાસન કર્યું ત્યારે પાણીની પરિસ્થિતિ વિકટ હતી

મેધા પાટકર સાથેની નવી દોસ્તી શું છે?
વધુમાં તેમણે કહ્યું હતું કે, મેઘા પાટકર સાથે કોંગ્રેસના રાહુલ બાબાએ રેલી યોજી, મારે રાહુલને પૂછવું છે કે ગુજરાતના ઘા પર મીઠુ ભરાવવા નીકળ્યા છો?મેધા પાટકર સાથેની આ નવી દોસ્તી શું છે? જરાક સમજાવો મને. મેધા પાટકરે 15 વર્ષ સુધી નર્મદા યોજનાને અટકાવી હતી. ગુજરાત વિરૂદ્ધ ઉતરી હતી. તે જ મેધા પાટકર સાથે આજે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી તમે તમારી પાર્ટીને જોડી લ્યો ભારત દેશ જોડાયેલો જ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 70 દિવસમાં જ નર્મદા ડેમની 70 મીટર ઉંચાઈ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી.

AAP અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
AAP અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

એટલે નર્મદાની ઊંચાઈ વધી
વધુમાં તેમણે કહ્યું હતું કે, તમારો મત ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. કોંગ્રેસના શાસનમાં રાજકોટની હાલત કફોડી હતી. રાજકોટમાં તો ગાંધીનગરથી પાણીની ટ્રેન દોડાવવી પડતી. આજે ભાજપે પાણીના તળ ઊંચા લાવવાનું કામ કર્યું છે. 1963માં સરદાર સરોવરનું ખાતમુહર્ત કોંગ્રેસના PM નહેરુએ મારા જન્મ પહેલા કર્યું હતું. હું 58 વર્ષનો થયો ત્યારે તેનું લોકાર્પણ થયું. આ કેટલી હદે યોગ્ય છે? નર્મદા યોજનાને પણ કોંગ્રેસે અટકાવી હતી. આ તો નરેન્દ્રભાઈ આમરણ અનશન પર બેઠા એટલે નર્મદાની ઊંચાઈ વધી હતી.

કોંગ્રેસના શાસનમાં રાજકોટની હાલત કફોડી હતી: ગૃહમંત્રી અમિત શાહ
કોંગ્રેસના શાસનમાં રાજકોટની હાલત કફોડી હતી: ગૃહમંત્રી અમિત શાહ

પાણીની પરિસ્થિતિ વિકટ હતી
વધુમાં તેમણે કહ્યું હતું કે,જસદણ વીરપુર નજીક હોવાથી જલારામ બાપાની ભૂમિ છે. તેઓ માનવ સેવાનું મોટું પ્રતીક છે. તેમને પ્રણામ કરું છું. મત આપતી વખતે એવી ન વિચારતા કે તમારો મત ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી કે કુંવરજીભાઈને ધારાસભ્ય બનાવવા માટે છે. પણ વિચારજો કે તમારો મત ગુજરાતનો વિકાસ કરવા માટે છે. કોંગ્રેસીયાઓએ વર્ષો સુધી શાસન કર્યું ત્યારે પાયાની સુવિધાઓની પરિસ્થિતિ વિકટ હતી. વીજળી મળે નહીં. પ્રદુષિત પીવાનું પાણી લોકો સુધી પહોંચતું હતું

કોરોનાની રસીના ડોઝ લીધા હતા
વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના કાળ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 230 કરોડ રસીનાં ડોઝ લોકો સુધી તદ્દન ફ્રી પહોંચાડ્યા હતા. આ સમયે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને કહેવાયું હતું કે, રસી નહીં મુકાવતા. જોકે બાદમાં તેમણે પોતે પણ કોરોનાની રસીના ડોઝ લીધા હતા. કોંગ્રેસ કહે છે કે, તેનું કામ બોલે છે પણ 27 વર્ષથી તો કોંગ્રેસ સત્તામાં જ નથી તો કામ ક્યારે કર્યું ? ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કમળનું નિશાન દબાવી ભુપેન્દ્ર ભાઈ અને નરેન્દ્રભાઇનાં હાથ મજબૂત કરવા મારી અપીલ છે.

કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવી હતી.
કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવી હતી.

આ વખતની ચૂંટણી રસાકસી
ભાજપ દ્વારા જસદણ વિંછીયા બેઠક પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે. ગત 2017ની ચૂંટણીમાં કુંવરજી બાવળીયા કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા
કુંવરજીભાઈ બાવળીયા ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા

કુંવરજી બાવળીયાએ 4 દી’માં 3.58 લાખ ખર્ચ્યા
જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ જસદણના ચૂંટણી અધિકારી રાજેશ આલ સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યા હતા. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા.14 થી 17 સુધીનો કુલ રૂ.3,58,180 નો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાના દિવસે 1720 વ્યક્તિનો રૂ.110 મુજબનો ભોજનનો ખર્ચ રૂ.1,89,200, ખુરશીનું ભાડું રૂ.8600, મંડપ સર્વિસના રૂ.15,380, રેલીમાં ચા-પાણીના રૂ.7500, પ્રચાર માટેની ગાડીમાં પેટ્રોલ-ડિઝલનો ખર્ચ, ડીજેનો ખર્ચ, ઉમેદવારી કરવાની ડિપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

ભોળાભાઇએ 7 દી’માં 1.30 લાખ વાપર્યા
જ્યારે જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તા.10 થી 17 સુધીનો કુલ રૂ.1,30,330 નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ફોર્મ ભરવાના દિવસે 300 વ્યક્તિનો નાસ્તાનો ખર્ચ રૂ.21,000, ચા-પાણીના રૂ.4000, સાઉન્ડ સિસ્ટમના રૂ.3000, મંડપ સર્વિસના રૂ.9000, પેટ્રોલ-ડીઝલ ખર્ચ રૂ.5000, બેનર ખર્ચ રૂ.8000, ડીજેનો ખર્ચ, ચૂંટણી ડીપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.

ભોળાભાઈ ગોહિલ - ફાઈલ તસવીર
ભોળાભાઈ ગોહિલ - ફાઈલ તસવીર

પાર્ટીના ઉમેદવારોએ નિયમ મુજબ ખર્ચ રજૂ કર્યો
સાથોસાથ જસદણ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણાએ પેટ્રોલ-ડીઝલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ વગેરે મળી કુલ રૂ.40,569 નો ખર્ચ, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજીભાઈ ડાંગરે ડીપોઝીટ તેમજ નોટરી મળીને કુલ રૂ.12,500 નો ખર્ચ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ રૂ.3300 ભોજન ખર્ચ, સ્ટેશનરી નોટરી ડીપોઝીટ વગેરે મળીને કુલ રૂ.21,240 નો ખર્ચ રજૂ કર્યો હતો.જો કે અહીં સવાલ એ થાય છે કે, જે તે પાર્ટીના ઉમેદવારોએ નિયમ મુજબ ખર્ચ રજૂ કર્યો છે.

જસદણ બેઠક પર હારજીતમાં લાડવા ખવડાવવાની શરતો લાગતી!
જસદણ બેઠક પર 1962માં યોજાયેલી ચૂંટણીનો ઇતિહાસ જાણવો રોચક બની રહેશે. એ વખતે પ્રચાર માટે મોંઘીદાટ ગાડીઓ ન હતી, સાયકલ અને ઘોડા પર પ્રચાર થતો અને ઉમેદવારો હારે કે જીતે તો રોકડા નહીં, લાડવા ખવડાવવાની શરતો લાગતી. 1962ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વસંતપ્રભા શાહને 11,186 મત મળ્યા હતા. જ્યારે પ્રજાસત્તાક પાર્ટીના ગેલાભાઈ છાયાણીને 6504 મત મળ્યા હતા. જનસંઘના ઉમેદવાર લાભુભાઈ ભરાડને 1292 મત તેમજ અપક્ષ ઉમેદવાર ભાનુશંકર વ્યાસને 1263 મત મળ્યા હતા.તે ચૂંટણીમાં 40.79 ટકા મતદાન થયું હતું. તે સમયે જસદણ બેઠકમાં અંદાજે 49,000 મતદારો હતા.એ વખતની ચૂંટણીની રસપ્રદ વિગતો જણાવતા 90 વર્ષના એડવોકેટ રતિભાઈ એસ. અંબાણી જણાવે છે કે જસદણ તેમજ આજુબાજુના ગામડામાં ઘોડા ઉપર તેમજ સાયકલ ઉપર પ્રચાર કાર્ય માટે ઉમેદવાર પોતે તેમજ તેમના કાર્યકરો જતા . આ પ્રચારના કાગળને દીવાલો ઉપર ચોટાડતા. સફેદ કપડા પર ગળી તેમજ લાલ માટી વડે બેનરો કાર્યકરો દ્વારા તૈયાર કરવામાં આવતા હતા. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી એ સમયે વકીલો તથા ડોક્ટરો જેમની તરફેણમાં મતદાન કરવાનું જણાવે તેવા ઉમેદવારની તરફેણમાં લોકો મતદાન કરતા હતા. સમગ્ર ચૂંટણી અંદાજે 12 થી 15 હજાર રૂપિયાના ખર્ચમાં પૂરી થતી.

જસદણમાં 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારો ઉમેરાયા
જસદણમાં 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારો ઉમેરાયા

ક્યા સમાજનું કેટલું પ્રભુત્વ
જસદણ બેઠક પર સૌથી વધુ 35% કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે જયારે બીજા નંબર પર 20% લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અને બાકીના 45% પર અન્ય સમાજનું પ્રભુત્વ રહેલું છે.

કોળી સમાજ 35% લેઉવા પટેલ સમાજ 20% દલિત સમાજ 10% લઘુમતિ સમાજ 7% કડવા પટેલ સમાજ 7% ક્ષત્રિય સમાજ 8% અન્ય સમાજ 13%

વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2018કુંવરજી બાવળિયાભાજપ
2017કુંવરજી બાવળિયાકોંગ્રેસ
2012ભોળાભાઇ ગોહેલકોંગ્રેસ
2007કુંવરજી બાવળિયાકોંગ્રેસ
2002કુંવરજી બાવળિયાકોંગ્રેસ
1998કુંવરજી બાવળિયાકોંગ્રેસ
1995કુંવરજી બાવળિયાકોંગ્રેસ
1990ભીખાલાલ ભાંભણીયાઅપક્ષ

4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારો ઉમેરાયા
જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-2018 માં યોજાયેલી પેટાચૂંટણીમાં 1,22,180 પુરૂષ મતદારો હતા. જેમાં 11,832 મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે 1,34,012 મતદારો નોંધાયેલા છે.જયારે 1,09,936 સ્ત્રી મતદારો હતા. જેમાં 12,341 મતદારોનો વધારો થતા અત્યારે 1,22,277 મતદારો નોંધાયેલા છે. ગત 2018 ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા હતા. જ્યારે અત્યારની ડિસેમ્બર-2022 ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારો નોંધાયેલા છે.

આ વખતે 5 બુથનો વધારો થયો
આમ ગત 2018 ની પેટાચૂંટણીની સરખામણીએ છેલ્લા 4 વર્ષ દરમિયાન કુલ 24,173 મતદારોનો ઉમેરો થયો છે. બીજીબાજુ ગત પેટાચૂંટણીમાં કુલ 256 મતદાન બુથ હતા. જેમાં આ વખતે 5 બુથનો વધારો થતાં અત્યારે ચૂંટણીમાં કુલ 261 મતદાન મથકો નોંધાયેલા છે. વિંછીયા ગામમાં 10 મતદાન મથકો હતા.જેમાં 2 મતદાન મથકનો ઉમેરો થતા 12 મતદાન મથકો થયા છે. જ્યારે જસદણ શહેરમાં પહેલા 31 મતદાન મથકો હતા. જેમાં 2 નવા મતદાન મથકનો ઉમેરો થતાં 33 મતદાન મથકો થયા છે. જ્યારે ભડલીમાં એક મતદાન મથક વધતા 3 ને બદલે 4 મતદાન મથકો થયા છે.