ફફડાટ:દિવાળીએ જ ગોંડલ પંથકમાં બે સિંહની ડણક, રાવણા ગામમાં એક આખલાનું મારણ, તરાપ મારતા બે ગાયને ઇજા

રાજકોટએક મહિનો પહેલા
રાવણા ગામના વાડીના રસ્તે બે સિંહે આખલાનું મારણ કર્યું.
  • સિંહોના આગમનથી રાવણા ગામમાં ભયનો માહોલ
  • ખેડૂતો પાણી વાળવા માટે રાતે વાડીએ જતા ડરે છે

આજે દિવાળીનો તહેવાર છે. બીજી તરફ ગોંડલ પંથકમાં ગત રાત્રે બે સિંહે ડણક દેતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગોંડલના રાવણા ગામમાં વાડી વિસ્તારમાં રસ્તા પર બે સિંહે એક આખલાનું મારણ કર્યું હતું. તેમજ બે ગાય પર તરાપ મારતા બંનેને ઇજા પહોંચી છે. રાવણા ગામના લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિંહના ફૂટપ્રિન્ટ મળી આવ્યા
રાવણા ગામમાં વાડી વિસ્તારમાં બે સિંહ આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગામના લોકો પણ દોડી આવ્યા છે. તેમજ સિંહના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. આ અંગે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી સિંહોની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળી સમયે ગોંડલ પંથકમાં સિંહો ધામા નાખે છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીએ સિંહોએ દેખા દેતા ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

રાવણા ગામના વાડી વિસ્તારમાં સિંહના ફૂટપ્રિન્ટ મળી આવ્યા.
રાવણા ગામના વાડી વિસ્તારમાં સિંહના ફૂટપ્રિન્ટ મળી આવ્યા.

ખેડૂતોમાં ડરનો માહોલ
હાલ મગફળીની સિઝન પુરી થતા રવિ પાક વાવવાની સિઝન ચાલી રહી છે. જીરૂ, ચણા, ધાણા, ડુંગળી, લસણ સહિતના પાકો ખેડૂતો વાવી દીધા છે. આથી રાતે પાણી વાળવા માટે ખેડૂતોએ ફરજીયાત વાડી જવું પડે છે. પરંતુ સિંહના આગમનને પગલે ખેડૂતોમાં પણ ડર સતાવી રહ્યો છે. ખેડૂતોની માગ છે કે, ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે સિંહોને પકડી લેવામાં આવે.

એક ગાય પર સિંહે પંજો મારતા ઇજા પહોંચી.
એક ગાય પર સિંહે પંજો મારતા ઇજા પહોંચી.

બે સિંહ આવ્યા છેઃ ખેડૂત
રમેશભાઇ રામજીભાઇ પદમાણી નામના ખેડૂતે જણાવ્યું હતું કે, અમારા ગામમાં બે સિંહ આવ્યા છે. રાવણાથી દડવા તરફ જતા આડા રસ્તે સિંહોએ એક આખલાનું મારણ કર્યું છે. તેમજ મારી વાડીમાં બાંધેલી ગાય અને અને અન્ય ખેડૂતની વાડીએ બાંધેલી ગાય પર હુમલો કર્યો છે.

એક ગાયના પગે સિંહે હુમલો કર્યો.
એક ગાયના પગે સિંહે હુમલો કર્યો.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...