ચુકાદો:ગોંડલમાં 13 વર્ષની તરુણીનો દેહ અભડાવનાર હવસખોરને 10 વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને વળતર ચૂકવવા અદાલતનો આદેશ, મદદગારી કરનારને શંકાનો લાભ

ગોંડલ તાલુકાની એક 13 વર્ષીય સગીરા ઉપર વર્ષ 2019માં અનેક વખત દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાયેલી આ કેસમાં આરોપી પ્રફુલ એમ. ખાખરીયા (ઉ.33)ને તકસીરવાન ઠેરવી ગોંડલની સ્પે. પોકસો અદાલતે 10 વર્ષની સજા ફટકારી છે. સાથે દંડનો હુકમ ફરમાવી ભોગ બનનારને વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે.

2019માં ઘટના બની હતી
આ કેસની વિગત એવી છે કે, 2019ની સાલમાં ગોંડલ તાલુકાના ગામના ફરીયાદીએ આપેલ ફરીયાદ મુજબ તેમની ભોગ બનનાર દીકરીની બનાવ સમયે ઉંમર 13થી 14 વર્ષની હતી. તેની સાથે આરોપી પ્રફુલ એમ. ખાખરીયાએ એકથી વધુ વખત દુષ્કર્મ આચારેલ છે. અને તેમાં બીજા આરોપી વસંત ઉર્ફે ભીખા રાણપરીયાએ મદદગારી કરેલ છે.

16 મૌખિક પુરાવાઓ તપાસવામાં આવ્યા
ફરીયાદીની ફરીયાદ બાદ પોલીસે તપાસ કરેલ અને છેવટે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ જેમાં કુલ 25 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા હતા.ફરીયાદ પક્ષે ચાર્જશીટમાં જરૂરી સાક્ષીઓ તારવીને 16 મૌખિક પુરાવાઓ તપાસેલા તેમાં મહત્વના સાક્ષી તરીકે ભોગ બનનારને તપાસેલા અને બાળકી પોતાની સાથે જે કાંઈ પણ બનેલું તે ફરીયાદ પક્ષના કેસ મુજબની ઘટનાનું વર્ણન પોતાની જુબાનીમાં કરેલ અને ઉલટ તપાસમાં પણ એ જ હકીકત વળગી રહેલ એ રીતે બાળકની જુબાનીમાંથી આરોપી વિરુધ્ધનું મજબુત મટીરીયલ રેકર્ડ પર આવેલું હતું.

વકીલ દ્વારા સઘન ઉલટ કરવામાં આવી
અન્ય સાક્ષીઓમાં બાળકીના પિતા જેમણે ફરીયાદ આપેલી તેમણે તથા માતાને તથા ડોકટર અને પોલીસ ડીપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓને તપાસવામાં આવેલા ત્યારબાદ આરોપીનું ફરધર સ્ટેટમેન્ટ લેવાતા આરોપી તરફે પોતાના સાક્ષી રજુ કરવાના હોય તેવું જાહેર કરતા આરોપી પક્ષે પણ સાક્ષી રજુ કરવામાં આવેલ અને તેની સરકારી વકીલ મહેશભાઈ જોષી દ્વારા સઘન ઉલટ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષો તરફથી દલીલો રજુ રાખવામાં આવેલી. એપીપીએ રેકર્ડ ઉપર સીઆરપીસી કલમ 314ને ધ્યાને લઈ લેખીત દલીલના મુદ્દાઓ રજુ કરેલા અને આરોપીઓએ કરેલ કૃત્ય તેમના વિરુધ્ધ મજબુત પુરાવાને કારણે પુરવાર થયાનું જણાવી અને આરોપીઓને કાયદા દ્વારા થઈ શકતી સજા કરવા માટે રજુઆત કરી હતી.

10 વર્ષની કેદની સજાનો હુકમ
બન્ને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈ ગોંડલના પોકસો કોર્ટના જજ વી.કે. પાઠકે મુખ્ય આરોપી પ્રફુલ ખાખરીયાને તકસીરવાન ઠેરવી અને પોકસો એકટની કલમો-4 અને 6 બન્નેમાં 10 વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવી આરોપીને જેલ હવાલે કરેલ છે. સાથે દંડ ફટકારી અને ભોગ બનનારને મોટી રકમ વળતર પેટે આપવા હુકમ કર્યો છે. આ કેસમાં એપીપી તરીકે મહેશભાઈ એસ. જોષી તથા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા તેમજ ગોંડલના એપીપી જી.કે. ડોબરીયા રોકાયેલા હતા.

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)