તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટમાં અકસ્માત સર્જીને પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર વિવાદાસ્પદ યુવતી ગુનો નોંધાયો, અકસ્માતનો ભોગ બનનાર યુવકે નોંધાવી ફરિયાદ

6 મહિનો પહેલા
આરોપી યુવતી
  • આ પૂર્વે પણ યુવતીની હનીટ્રેપ અને મર્ડરના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે
  • યુવતીએ મને 'હું પોલીસમાં છું' તેમ કહ્યું હતું - ફરિયાદી

રાજકોટમાં ખોટી પોલીસ બનીને લોકોને ઠગવાના અનેક કિસ્સા બનતા રહે છે, છતાં જાગૃત નાગરિકો પોતાની સમજથી આ ખોટી પોલીસની વાતમાં ફસાતા નથી. ત્યારે રાજકોટમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગોંડલરોડ પર ગુરુવારે રાતે યુવક સાથે અકસ્માત સર્જીને પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર વિવાદાસ્પદ યુવતી વંદના વાઘેલા સામે ગુનો નોંધાયો છે. અકસ્માતનો ભોગ બનનાર યુવકે ખોટી પોલીસ બનવાના આરોપસર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ડ્રાઇવિંગ દરમિયાન વંદના નશામાં હોવાનો ઉલ્લેખ થયો છે. ઉલ્લેખનીય છે કે આ વંદનાની આ પૂર્વે હનીટ્રેપ અને મર્ડરના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી છે.

વંદનાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
આ બનાવની વિગત મુજબ, કોઠારીયા કોલોની નજીક રહેતો પાર્થ પીયુષભાઇ મહેતાએ ગુરુવારે રાતે સાડા આઠ વાગે ગોંડલ રોડ પરથી પગપાળા જઇ રહ્યો હતો. બોમ્બે ગેરેજ નજીકથી પસાર થઇ રહેલા પાર્થને પૂરઝડપે આવી રહેલી સ્કૂટર સવાર વંદનાએ ઠોકરે ચડાવ્યો હતો અને વંદના પણ સ્કૂટર પરથી ફંગોળાઇ ગઇ હતી. એક્ટીવામાં આગળ પાછળ નંબર પ્લેટ હતી નહીં, માત્ર અંગ્રેજીમાં P લખેલું હતું. અકસ્માત સર્જનાર વંદના નશામાં હોય તેમ સરખી રીતે ઉભી રહી શકતી ન હતી, તેણે પોતાની ઓળખ મહિલા પોલીસ તરીકે આપી હતી પરંતુ સંભવિત નશામાં હોવાના કારણે થોડે દૂર પેટ્રોલ પંપ નજીક એ વંદના એક્ટીવામાંથી પડી જતાં પંપના કર્મચારીઓ તેની મદદે આવી ગયા હતા અને 108ને જાણ કરી હતી ત્યારે પણ એ વંદનાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

યુવતીએ મને 'હું પોલીસમાં છું' તેમ કહ્યું હતું - ફરિયાદી
પાર્થએ ફરિયાદમાં જણાવ્યું છે કે આ યુવતિને મેં વાહન જોઇને ચલાવવાનું કહેતાં તેણે 'હું પોલીસમાં છું' તેમ કહ્યું હતું. તે નશામાં હોય તેવું લાગતું હતું. સારી સ્થિતિમાં ઉભી રહી શકતી નહોતી. મારી સાથે બોલચાલી કરી એકટીવા ઉભુ કરી ચાલુ કરી એકદમ લીવર દઇ થોડે આગળ જતાં પેટ્રોલ પંપ સામે ફરીથી કાબુ ગુમાવતાં ત્યાં પડી ગઇ હતી. એ વખતે પંપના માણસો તથા બીજા લોકો ભેગા થઇ જતાં તેને પણ એ યુવતિએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ કોઇએ 108 બોલાવતાં તેણીને હોસ્પિટલે લઇ જવાઇ હતી. મને સામાન્ય મુંઢ ઇજા થઇ હોઇ મેં સારવાર લીધી નહોતી.

પોલીસ આવતા વંદના હોસ્પિટલમાંથી રફૂચક્કર થઇ ગઇ હતી
સારવાર માટે સીવીલમાં ખસેડાયેલી વંદનાએ હોસ્પિટલ પોલીસ ચોકીની નોંધમાં પોતાનું નામ વંદના ખાંભલા લખાવ્યું હતું. ભક્તિનગર પોલીસનો સ્ટાફ નિવેદન, ફરિયાદ લેવા હોસ્પિટલ પહોંચ્યો એ પહેલાં વંદના હોસ્પિટલમાંથી રફૂચક્કર થઇ ગઇ હતી તેમજ અકસ્માત સ્થળેથી તેનું સ્કૂટર પણ કોઇ ઉઠાવી ગયું હતું ! આ અંગે પોલીસે વધુ તપાસ કરતા વંદનાનું સાચું નામ વંદના ઉર્ફે વંસીકા પરસોત્તમભાઇ વાઘેલા હોવાનું તેમજ બે વર્ષ પૂર્વે રૈયાધાર નજીક એક એપાર્ટમેન્ટમાં જામગનરના વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા કરીને મૃતદેહ સગેવગે કરવાના ગુનામાં પકડાઇ ચૂક્યાની વિગતો સામે આવી હતી

પોલીસે ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધ્યો છે
આ અંગે ભક્તિનગર પોલીસની તપાસમાં નકલી પોલીસ વંદનાના કરતૂતો સામે આવ્યા હતા. પાર્થ મહેતાની ફરિયાદ પરથી વંદના પરસોત્તમ વાઘેલા વિરૂધ્ધ બેદરકારીથી વાહન ચલાવવા તેમજ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવાનો ગુના સહિત IPCની કલમ 279,337, 170, 177, અને 184 મુજબ નંબર વગરનું એકટીવા ચલાવી પાર્થને ઠોકરે લઇ પછાડી દઇ અકસ્માત સર્જી ઇજા કરી તેમજ પોતે પોલીસ છે તેવી ખોટી ઓળખ આપી નાશી જવા અંગે ગુનો નોંધ્યો છે.