તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:છ સહેલી વચ્ચે પોલીસ સ્ટેશનની સામે જ ધમાલ મચી, ‘તોફાની રાધા’ છરી સાથે ઝડપાઇ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોયફ્રેન્ડના મુદ્દે માથાકૂટ થઇ,માલવિયા પોલીસ સ્ટેશન સામે જ મારામારી કરી
  • પોલીસે છરી સાથે ઝડપાયેલી યુવતી સામે બે અને અન્ય પાંચ સામે ગુનો નોંધ્યો

શહેરના રાત્રીના 10 વાગ્યાથી કર્ફ્યૂ અમલી હોવા છતાં શનિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનની સામે છ યુવતીએ ધમાલ શરૂ કરી હતી, પાંચ યુવતીઓ તેની જ એક સહેલીને મારકૂટ કરી રહી હતી, જેમાં સૂત્રધાર ‘તોફાની રાધા’ના નામે જાણીતી યુવતીએ તો છરી હાથમાં રાખી રોફ જમાવ્યો હતો, અંતે પોલીસે છએય યુવતીની અટકાયત કરી હતી.

માલવિયાનગર પોલીસ સ્ટેશનની સામે રાત્રીના 11 વાગ્યે પાંચ યુવતીઓ એક યુવતીને સરાજાહેર મારી રહી હતી, એક યુવતીના હાથમાં છરી હતી, તમામ યુવતીઓ ગાળો બોલી રહી હોય આસપાસના વિસ્તારના લોકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા. યુવતીઓ જેટલા ઝનૂનથી મારકૂટ કરી રહી હતી તે નિહાળી કેટલીક યુવતીઓ નશાખોર હાલતમાં હોવાની પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.

પોલીસે જાનવી પ્રફુલ મકવાણા (ઉ.વ.21), રાધિકા હર્ષદ ધામેચા (ઉ.વ.21), અવનિ દેવાયત હડિયા (ઉ.વ.21), દર્શના મુકેશ મકવાણા (ઉ.વ.19), જાનવી અજય મકવાણા (ઉ.વ.35) અને રિદ્ધિ દિલીપ વૈષ્ણવ (ઉ.વ.21)ની અટકાયત કરી તમામને લોકઅપ હવાલે કરી હતી. પોલીસે છએય યુવતી સામે કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધ્યો હતો તેમજ રાધિકા ઉર્ફે તોફાની રાધા પાસેથી છરી મળતા તેની સામે વધુ એક ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ છએય યુવતીઓ સહેલી છે અને એકબીજાના બોયફ્રેન્ડ મુદ્દે વાતચીત કરવાના મુદ્દે રાધિકા અને રિદ્ધિ વૈષ્ણવ વચ્ચે બોલાચાલી થઇ હતી અને બંનેએ બહાર નીકળી જોઇ લઇએ તેમ કહી એકબીજાને પડકારતા ધમાલ થઇ હતી. રાધિકા ‘તોફાની રાધા’ તરીકે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવામાં જાણીતી હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...