વિસ્તૃત ચર્ચા:સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ ત્યાં જ ભવિષ્યના નિષ્ણાતો તૈયાર થાય છે : તબીબો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર એનઓસી અને બિલ્ડિંગ પરમિશન જેવા મામલાઓમાં પ્રેક્ટિકલ રસ્તો શોધવાની જરૂર
  • રાજકોટના તબીબોએ આરોગ્ય ક્ષેત્રમાં પડકારો અને નવી ક્ષિતિજો ઉપર કરી વિસ્તૃત ચર્ચા

રાજકોટમાં હેલ્થ સેક્ટરમાં પડકારો અને નવી ક્ષિતિજો વિષય પર દિવ્ય ભાસ્કરે સંવાદનું આયોજન કર્યું હતું જેમાં રાજકોટ શહેરના વિવિધ સ્પેશિયાલિટી સાથે જોડાયેલા તબીબોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઇએ.

શહેરમાં વિવિધ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સાથે જોડાયેલા તબીબો અને સંચાલકો સાથે થયેલી ચર્ચામાં સૌથી પહેલો મુદ્દો આવ્યો હતો કે, કોરોના બાદ આરોગ્ય ક્ષેત્રે ઘણા નવા પરિવર્તન આવ્યા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બન્યું છે. આમ છતાં હજુ પણ ઘણા નિયમો છે જેમનામાં પરિવર્તનનો અવકાશ છે. ખાસ કરીને અમુક મામલાઓમાં પ્રેક્ટિકલ થવાની જરૂર છે. જેમ કે હાલ જે ફાયર એનઓસી અને હોસ્પિટલની મંજૂરીના નિયમો છે તે બધા જ તબીબોને માન્ય રાખવા જ છે. કારણ કે જો કોઇ દુર્ઘટના થાય તો તબીબની આખી કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે પણ તેવા નિયમો અમલ થાય તેવા પ્રેક્ટિકલ નથી. આ ઉપરાંત આ નિયમો માટે એક તરફ સરકાર, બીજી તરફ જ્યુડિશરી અને પછી હોસ્પિટલ છે તેથી હજુ તે મામલે અવઢવ છે.

તબીબોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જ અદ્યતન સારવાર ઉપલબ્ધ છે આમ છતાં ઘણા લોકોને અમદાવાદ રીફર કરાય છે જેમાં આત્મમંથન જરૂરી છે. અમદાવાદની સિવિલ સારી છે પણ તે કક્ષાએ રાજકોટ સહિતના જિલ્લાઓમાં કામ થતા નથી. આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ એ સારો વિકલ્પ છે પણ તેનાથી લોકો સરકારી હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલ તરફ જ જશે. આ કારણે સિવિલમાં સર્જરીઓ ઘટવા લાગશે તેનાથી નુકસાન તબીબોની આગલી પેઢીને છે.

સરકારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાંથી જ શ્રેષ્ઠ તબીબો તૈયાર થાય છે જો ત્યાં કામ નહિ હોય તો તાલીમ મળી શકશે નહીં. આ કારણે સિવિલ અને સરકારી મેડિકલ કોલેજમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ ત્યાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ હશે તો કાર્ડની જરૂર જ નહિ પડે. આ ચર્ચામાં ડો. હિરેન કોઠારી, ડો. ગૌરાંગ વાઘાણી, ડો. પ્રશાંત દુધાગરા, ડો. પ્રતિક શાહ, ડો. મેહુલ વિકાણી, ડો. સંજય દેસાઈ, ડો. મહિપાલ ખંડેલવાલ, ડો. સુકેતુ ભપલ, ડો. હેમલ જસાણી તેમજ હોસ્પિટલના સંચાલકો વૈભવ દવે, વિમલ મોઢા, સંજિત સિંઘ, કપિલ છાંટબાર અને કપિલ ચગ સહિતનાઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...