રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વિમિંગ પુલની બાજુની શેરીમાં આજે બપોરના 2.30 વાગ્યાના અરસામાં સીટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે ડ્રાયવરની સમય સુચકતાના કારણે મોટી જાનહાની થતા અટકી છે. અને ફાયર વિભાગ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અચાનક આગ લાગી હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપા સંચાલિત સીટી બસ સેવા આજે બપોરના 2.30 વાગ્યા આસપાસ કાલાવડ રોડ પર આવેલ સ્વિમિંગ પુલની બાજુની શેરીમાં સીટી બસ નંબર GJ-03-AT-9563 પહોંચી ત્યારે બસમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. જો કે ડ્રાયવર સમય સુચકતા કારણે જાનહાની ટળી હતી.
અંદાજિત 5 લાખનું નુકશાન થયું
સિટી બસના ડ્રાયવર રાહુલ સોરાણીએ જણાવ્યું હતું કે , 2.30 વાગ્યા આસપાસ બસ જતી હતી દરમિયાન આગળના ભાગે એન્જીનમાં શોટસર્કિટ થતા બસમાં આગ લાગી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે બસમાં આગ લાગવા પગલે અંદાજિત 5 લાખનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
કોઇ જાનહાની થવા પામી નથી
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી 2022 ના રોજ ભક્તિનગર સર્કલ નજીક સીટી બસમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી જે બાદ મનપા તંત્ર જાગી તમામ બસમાં સેફટી ઓડિટ માટે સૂચના આપવામાં આવી હતી જો સમયાંતરે બસનું મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય તો કદાચ આજે આ દુર્ઘટના ન ઘટી હોત જો કે આજે સદનસીબે આગ લાગવાથી કોઇ જાનહાની થવા પામી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.