બર્નિંગ બસ:રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે સળગી ઊઠી, આગ લાગ્યાનું કારણ અકબંધ, વીડિયો વાયરલ

રાજકોટ2 મહિનો પહેલા

રાજકોટ શહેરના મવડીથી કણકોટ જતા રસ્તા પર અચાનક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ થતાં અટકી છે. સિટી બસના કર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

શું છે વીડિયોમાં
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે બસના આગળના ભાગે એન્જિનમાં આગ લાગી હતી. એ સમયે સિટી બસના કર્મચારી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. ત્યારે બસમાં આગ લાગવાને પગલે લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ પહેલાં પણ સિટી બસ ભડથું થઈ
ઉલ્લેખનીય છે કે ગત તા.22 જાન્યુઆરી 2022ના રોજ ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જે બાદ મનપા તંત્ર જાગ્યું હોય તેમ તમામ બસમાં સેફટી ઓડિટ માટે સૂચના આપવામાં આવી હતી. જો સમયાંતરે બસનું મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય તો કદાચ આજે આ દુર્ઘટના ન ઘટી હોત.