નિર્ણય:એક પરિપત્રથી 750 બિલ્ડિંગ કાયદેસર થઈ ગયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડિંગના પ્લાનને મંજૂરી મળી તે સમયે હાઈરાઈઝની વ્યાખ્યા મુજબ જ કાર્યવાહી કરવાની સૂચના અપાતા 15થી 18 મીટરની ઊંચાઈ ધરાવતી ઈમારતોને રાહત

રાજકોટમાં ફાયર એનઓસીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને જૂની અને હયાત હાઈરાઈઝ બિલ્ડિંગ કે જ્યાં નવા નિયમ મુજબ ફાયર એનઓસી અપાય તેવી સ્થિતિ જ નથી આથી ફાયર વિભાગની 750થી વધુ નોટિસનો જવાબ આપી શકાયો નથી પણ રાજ્ય અગ્નિ નિવારણ સેવા કચેરીના એક પરિપત્રથી આ તમામ 750 નોટિસનો માત્ર એક જ કાગળમાં જવાબ આવતા તંત્રના ચોપડે શહેરની ઉપયોગમાં હોય તેવી હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસીને લઈને એકપણ બિલ્ડિંગ બાકી રહી નથી.

હાઈકોર્ટના હુકમ બાદ તમામ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસીને લઈને નોટિસ અપાઈ હતી જેમાં રાજકોટમાં પણ 750ને નોટિસ ફટકારાઈ હતી. આ કારણે જે જૂની બિલ્ડિંગ છે તેમાં એ સમસ્યા થઈ હતી કે જે તે સમયે હાઈરાઈઝની વ્યાખ્યામાં 18 મીટરથી ઊંચી બિલ્ડિંગનો સમાવેશ થતો હતો તેથી તેનાથી મોટી બિલ્ડિંગ હોય તેમાં જ બે સિડી તેમજ અન્ય વધારાના ફાયર સેફ્ટીના નિયમો લાગુ પડતા હતા.

તેનાથી નાની બિલ્ડિંગમાં હતા નહિ પણ હવે જે નિયમ છે તે મુજબ હાઈરાઈઝની વ્યાખ્યામાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઈની બિલ્ડિંગ છે તેથી વર્ષો પહેલા જે બિલ્ડિંગ 15 મીટરથી ઊંચી અને 18 મીટરની નાની હતી તેમાં સમસ્યાઓ સર્જાઈ હતી. આ બિલ્ડિંગમાં બીજી સીડી તેમજ મસમોટા ટેંક રહી શકે તેમ ન હતા આથી હજુ સુધી તેનો ઉકેલ આવતો ન હતો.

ત્યારબાદ રાજ્ય અગ્નિ નિવારણ કચેરીએ એવો પરિપત્ર કર્યો કે, જે કોઇ બિલ્ડિંગને જે તે સમયે બિલ્ડિંગ પ્લાનને મંજૂરી મળી હોય તે સમયે હાઈરાઈઝની જે વ્યાખ્યા હતી તે મુજબ હાલ અમલવારી કરવાની રહેશે. જેથી જૂની બિલ્ડિંગ ભલે 15 મીટર કરતા ઊંચી હોય પણ જે તે સમયે તેને હાઈરાઈઝમાં ગણતા ન હતા તેથી હવે નહિ ગણાય.

તમામ મહાનગરોના ફાયર ઓફિસરના પ્રેઝન્ટેશન બાદ નિર્ણય
રાજકોટ સહિત તમામ મહાનગરોમાં જૂની બિલ્ડિંગમાં હાઈરાઈઝનો પ્રશ્ન હતો. ઘણી એવી પણ ઈમારતો હતી જેમાં હવે 20,000 લિટરનો ટાંકો મૂકી શકાય તેમ નથી. આ તમામ પ્રશ્નો 1998ની બિલ્ડિંગથી લઈને 2017 સુધીના નિયમો સાથે દરેક મહાનગરના ચીફ ફાયર ઓફિસરોએ અલગ અલગ સમસ્યાઓ પ્રેઝન્ટેશન મારફત રજૂ કર્યું હતું જેથી આખરે હાઈરાઈઝની સમસ્યાનો ઉકેલ જે તે સમયના નિયમ મુજબની અમલવારી કરાતા જ નીકળશે તેવો નિષ્કર્ષ આવતા પરિપત્ર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...