ભાજપમાં મહાભારત:રાજકોટમાં ચૂંટણીના કુરુક્ષેત્રમાં હરીફોને હંફાવતા પહેલાં ભાજપ સામે આંતર વિગ્રહ ખાળવાનો પડકાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગઢ સાચવવા નેવાના પાણી મોભે ચડાવવા પડશે
  • પૂર્વ મુખ્યમંત્રી સહિત ચારેય ધારાસભ્ય અને તેના ટેકેદારો કપાતા ભાજપમાં ભડકો
  • મનપાની ચૂંટણીમાં ધારાસભ્યોએ નિકટનાઓને ટિકિટ અપાવી કોર્પોરેટર બનાવ્યા’તા, MLA કપાતા તેના કોર્પોરેટર નિષ્ક્રિય બન્યા

રાજકોટમાં ભાજપ માટે ભાજપ જ પડકાર બની રહ્યો છે, ટિકિટની ફાળવણી બાદ કેટલાક કોર્પોરેટરો પણ નિષ્ક્રિય થઇ ગયા છે. રાજકોટ વિધાનસભા 68માં ભાજપે 2017માં કોર્પોરેટર અરવિંદ રૈયાણીને ટિકિટ આપી હતી, પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા રૈયાણીને ભૂપેન્દ્રભાઇની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા, પાટીદાર સમાજના યુવા નેતાની આ વખતે ભાજપે ટિકિટ કાપીને બક્ષીપંચ મોરચના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડને ટિકિટઆપી છે, પાટીદાર મતોના પ્રભુત્વવાળી આ બેઠક પર કાનગડનું નામ જાહેર થતાં જ દેકારો શરૂ થઇ ગયો હતો.

ભાજપમાં સુસ્તીનો માહોલ સહુની આંખે ઊડીને વળગી રહ્યો
વિધાનસભા 69માં આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ટિકિટથી દૂર થતાં તેમણે પોતાના અંગત વિશ્વાસુ નીતિન ભારદ્વાજ માટે ભારે લોબિંગ કર્યું હતું પરંતુ રૂપાણી જૂથના મનાતા ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશ મિરાણી સહિતનાઓને હાંસિયામાં ધકેલીને આરએસએસનું ગોત્ર ધરાવતા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે, ડો.દર્શિતાબેનના નામની જાહેરાત થઇ તે દિવસથી શહેર ભાજપમાં સુસ્તીનો માહોલ સહુની આંખે ઊડીને વળગી રહ્યો છે, આ વાત ભાજપ મોવડી મંડળથી પણ અજાણ નથી અને ડો.દર્શિતાબેન શાહના પ્રચારનું કામ આરએસએસએ સંભાળી લીધું છે.

રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી
વિધાનસભા 70માં સિનિયર ધારાસભ્ય ગોવિંદ પટેલને દૂર કરીને ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે, આ બેઠક પર ગોવિંદ પટેલ નહીં તો ભાજપના સિનિયર આગેવાન ધનસુખ ભંડેરીને ટિકિટ મળે તે માટે રૂપાણીએ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી અને નરેશ પટેલની વગ ટીલાળાને કામ આવી ગઇ હતી, આ બેઠક પર ભાજપના કાર્યકરો કોરાણે બેસી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે

જંગ જીતવા માટે ખોડલધામની ટીમ કામે વળગી
જ્યારે આ બેઠક પર જંગ જીતવા માટે ખોડલધામની ટીમ કામે વળગી છે. વિધાનસભા 71 (રાજકોટ ગ્રામ્ય) પર ધારાસભ્ય રહેલા લાખા સાગઠિયાને કાપીને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ અપાતા સાગઠિયા જૂથ નારાજ થયું છે, અને ચૂંટણી પ્રચાર અને મતદાનમાં ભાજપ માટે ભાજપના જ પડકારરૂપ બનશે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.

જે બેઠકો પર દાવેદારી કરી તેમાં ટિકિટ નહીં મળતાં નેતાઓએ અન્ય બેઠક પર પ્રચાર કામ શરૂ કર્યું
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વિધાનસભા 69માં અને સિનિયર આગેવાન ધનસુખ ભંડેરીએ વિધાનસભા 70માં ટિકિટ માગી હતી, આ બંને નેતાઓ કપાયા હતા અને ટિકિટ મળી નહોતી, પાર્ટીએ જે ઉમેદવારો આપ્યા છે તેને જીતાડી દેવા પૂરતી મહેનત કરીશું તેવી મીડિયા સમક્ષ આ આગેવાનોએ વાતો કરી હતી પરંતુ જે બેઠક પર પોતે ચૂંટણી લડવા ઇચ્છતા હતા તે બેઠક પર પ્રચારની જવાબદારી સંભાળવાને બદલે કમલેશ મિરાણીએ વિધાનસભા 70ની જવાબદારી અને વિધાનસભા 70માં ટિકિટ માગનાર ધનસુખ ભંડેરીએ વિધાનસભા 71માં પ્રચારની ધુરા સંભાળી છે.

ઇન્દ્રનીલને રાજકોટ પૂર્વમાંથી ચૂંટણી લડવા ભાજપના જ એક નેતાએ તૈયાર કર્યાની ચર્ચા
આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટીમાં જોડાતી વખતે જ જાહેર કર્યું હતું કે, પોતે ચૂંટણી લડવા ઇચ્છુક નથી, ભાજપે ઉમેદવારની યાદી જાહેર કરી અને તેમાં વિધાનસભા 68માંથી મંત્રી અરવિંદ રૈયાણીનું પત્તું કાપી ઉદય કાનગડને ટિકિટ આપી હતી, કાનગડનું નામ જાહેર થયાની કલાકોમાં જ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ ચર્ચામાં આવી ગયું હતું, રાજ્યગુરુ 2012માં આ બેઠક પર ભાજપના કશ્યપ શુક્લને હરાવીને ધારાસભ્ય બન્યા હતા, આ બેઠક પર તેઓ ફરીથી ચૂંટણી લડે તે માટે ભાજપના જ એક આગેવાને પડદા પાછળથી રાજ્યગુરુને ચૂંટણી લડવા આવવા આમંત્રણ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પશ્ચિમમાં કોંગ્રેસ લોહાણાને ટિકિટ આપે તે માટે ભાજપના એક નેતા કામ કરી રહ્યાં છે
વિધાનસભા 69માં કોંગ્રેસ હજુ નામ નક્કી કરી શકી નથી, વિજય રૂપાણી વાળી આ બેઠક પર કડવા પાટીદાર, લોહાણા અને બ્રાહ્મણોનું પ્રભુત્વ છે જો કે ભાજપે ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપી છે, આ બેઠક કોંગ્રેસમાંથી કડવા પાટીદાર મનસુખ કાલરિયા અને લોહાણા અગ્રણી દીપક અનડકટ ટિકિટની દાવેદારી કરી રહ્યાં છે, દીપક અનડકટને ટિકિટ મળે તે માટે તેના ટેકેદારો બે દિવસથી દેખાવ કરી રહ્યાં છે, આ દેખાવ પાછળ ભાજપના જ એક નેતાની ભૂમિકા છે, જો લોહાણા સમાજને ટિકિટ મળે તો ભવિષ્યમાં પોતાના નામ પર પક્ષે વિચારણા કરવી પડે તે માટે હાલમાં કોંગ્રેસમાંથી લોહાણા સમાજની વ્યક્તિને ટિકિટ મળે અને તે મજબૂત દેખાવ કરે તે માટે ભાજપના એક નેતા રમી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...