• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Case Has Been Registered Against A Traffic PI And A Female Head Constable For Slapping A Soldier On Duty In A Naxalite Area.

ક્રાઇમ:નક્સલી વિસ્તારમાં ફરજ બજાવતા ફૌજીને ફડાકા ઝીંકનાર ટ્રાફિક પીઆઇ અને મહિલા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પોલીસ પૈસા ખિસ્સામાં મૂકતા હોય તેનું શૂટિંગ કરતાં જ પોતાને ફડાકો ઝીંકી દીધાનો આર્મીમેનનો વલોપાત
  • ટ્રાફિક પીઆઇએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ફડાકા મારી મોબાઇલમાંથી શૂટિંગ ડિલીટ કરાવી નાખ્યું

ઢેબર ચોકમાં રવિવારે સવારે ફૌજી અને ટ્રાફિક શાખાની મહિલા હેડ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી ધમાલમાં ફૌજી સામે ગુનો નોંધાયા બાદ મહિલા હેડ કોન્સ્ટેબલ અને ટ્રાફિક શાખાના પીઆઇ સામે પણ વળતો ગુનો નોંધાયો હતો. મહિલા હેડ કોન્સ્ટેબલ અને ટ્રાફિક પીઆઇએ ફૌજીને ફડાકા ઝીંકી ગાળો ભાંડી હતી. ગાંધીગ્રામના શ્યામનગરમાં રહેતા અને નાગાલેન્ડમાં ફરજ બજાવતા ફૌજી નિલેશ પ્રભાશંકરભાઇ માઢકે પોતાની સામે થયેલી ફરજ રુકાવટની ફરિયાદ સામે મહિલા હેડ કોન્સ્ટેબલ અલ્કા રમેશ ટીલાવત અને ટ્રાફિક શાખાના પીઆઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.

ફૌજી નિલેશ માઢકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેનો દશ વર્ષનો પુત્ર યશ ઢેબર ચોકમાંથી સ્કૂટર પર પસાર થતા હતા ત્યારે ટ્રાફિક વોર્ડને તેને અટકાવ્યા હતા, પોતાની પાસે તમામ દસ્તાવેજો હોવા છતાં તેને અટકાવવામાં આવ્યા હતા અને વોર્ડને મહિલા પોલીસ અલ્કાબેનને મળી લેવાનું કહ્યું હતું. મહિલા પોલીસના હાથમાં કોઇ રસીદ બુક કે અન્ય કોઇ દસ્તાવેજો નહોતા અને તેઓ વાહનચાલકના વાહનના ફોટા પાડી તેની પાસેથી પૈસા ઉઘરાવી પોતાના ખિસ્સામાં મૂકતા હતા આ દૃશ્યો પોતે કેમેરામાં કેદ કરતાં જ મહિલા હેડ કોન્સ્ટેબલ અલ્કાબેન ઉશ્કેરાયા હતા અને ફૌજી નિલેશભાઇને ગાળો ભાંડી ફડાકો ઝીંકી દીધો હતો.

ફૌજીને ફડાકો ઝીંકાતા જ તેણે પણ વળતો પ્રહાર કરી મહિલા હેડ કોન્સ્ટેબલને સ્થિતિનું ભાન કરાવ્યું હતું. સમગ્ર મામલે ફૌજી નિલેશ માઢકને એ.ડિવિઝન લઇ જવાયા હતા, ટ્રાફિક શાખાના પીઆઇ એ.ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને ત્યાં તેણે ફૌજીના મોબાઇલમાંથી તમામ શૂટિંગ ડિલીટ કરાવી ફૌજીને ત્રણ ફડાકા મારી દીધા હતા. દેશની સીમાઓની સુરક્ષા કરતા આ જવાનને રાજકોટ પોલીસનો કડવો અનુભવ થયો હતો અને તેણે વળતી ફરિયાદ કરી હતી.

અને આ મામલે કોર્ટનું પણ શરણું લીધું હતું. કોર્ટે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કબજે કરવા આદેશ કર્યો હતો. પોલીસની વધી રહેલી જોહુકમી અને નાગરિકો સાથેના દુર્વ્યવહારની ભારે ટીકા થઇ રહી છે અને તેમાં પણ ફૌજી પર મહિલા પોલીસ અને પીઆઇના હુમલાએ પોલીસબેડાને લાંછન લગાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...