મિત્ર જ લૂંટારો બન્યો:રાજકોટના વેપારીને જુગાર રમવા બોલાવી જેતપુર લઈ ગયો, બે સાગરીત સાથે મળી બંદૂક બતાવી 30.50 લાખ પડાવી ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની કરી ધરપકડ - Divya Bhaskar
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની કરી ધરપકડ

રાજકોટ શહેરના મવડી ચોક પાસે આવેલા ઉદયનગરમાં રહેતા મૂળ જામનગરના ભાવેશ ધીરજભાઇ પાંભરને તેના જ મિત્ર મયુરે જુગાર રમવા જવાનું કહ્યું હતું. બાદમાં ભાવેશને જેતપુર નજીક લઈ જઈ અન્ય બે લોકો સાથે મળી બંદૂક બતાવી 30.50 લાખ પડાવી લીધા હતા. બાદમાં હેમખેમ પરત આવી ભાવેશે ક્રાઇમ બ્રાન્ચમાં મયુર ફળદુ, હરદીપ વાળા અને મહિપાલ વાળા વિરુદ્ધ કલમ 386, 323, 504, 506(2), 120(બી) અને આર્મ્સ એકટ હેઠળ ફરિયાદ નોંધાવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

ભાવેશે મિત્ર મયૂર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી
ભાવેશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેડૂતો પાસેથી ખેતીનો માલ ખરીદ કરી વેપારી અને યાર્ડમાં તે માલ વેચવાનો વેપાર કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું. આશરે બારેક વર્ષ પહેલા રાજકોટમાં કોલેજ કરવા માટે આવ્યો હતો. ત્યારે મારો મિત્ર પંચાયતનગર ચોકમાં મયુરભાઇ ફળદુના મકાનમાં ભાડે રહેતો હતો. આથી હું પણ તે મકાનમાં તેની સાથે ભાડુઆત તરીકે રહેતો હતો અને હું ત્યારે એકાદ વર્ષ સુધી આ મકાનમાં ભાડે રહ્યો હતો. બાદમાં સાતેક વર્ષ પહેલા હું પત્ની સાથે રાજકોટ રહેવા આવ્યો અને હું ફ્રી સમયમાં આ મયુરને મળતો હતો અને વાર તહેવારના દિવસોમાં હું જુગાર રમું છું અને હું તથા મયુર એક વખત બન્ને સાથે જુગાર રમવા ગયા હતા.

એક મિત્રની વાડીએ જુગાર ચાલે છે તેમ મયુરે કહ્યું હતું
ગત 25/12/2022ના સવારના 11 વાગ્યે મયુર મને યુનિવર્સિટી રોડ ઉપર મયુર ભજીયા નામની દુકાન પાસે મળ્યા હતા. ત્યારે તેઓએ મને વાત કરી હતી કે, તેમના એક મિત્રની વાડીમાં જુગાર ચાલે છે અને આપણે ત્યાં જુગાર રમવા જવાનું છે. આથી મેં તેઓને કહ્યું કે, સારૂ જ્યારે જવાનું હોય ત્યારે કહેજો તેમ વાત કરી હતી અને અમે ત્યાંથી છૂટા પડ્યા હતા. બાદમાં 29/12/2022ના સવારના આશરે 11 વાગ્યે મયુરભાઇનો ફોન આવ્યો અને કહ્યું કે, આપણે આજે જુગાર રમવા જવાનું છે, તું બપોરના બાલાજી હોલે તારી ગાડી લઈને આવજે. આથી હું મારા ઘરેથી મારી કાર લઈને ગયો હતો અને ત્યાં આ મયુર ઉભો હતો અને તે મારી ગાડીમાં બેઠો એટલે મેં તેમને પૂછ્યું કે ક્યાં રમવા જવાનુ છે? આથી મયુરે કહ્યું કે ગોંડલથી આગળ મારા મિત્ર હરદીપ વાળા અને મહિપાલ વાળાની વાડીએ જવાનું છે.

દેવળા ગામે મયુરે ગાડી ઉભી રાખી બીજી ગાડીમાં બેસાડ્યો
બાદમાં ગોંડલથી જેતપુર તરફ આશરે 10 કિલોમીટર જતા દેવળા ગામ આવતા મયુરે ગાડી ઉભી રખાવી હતી. થોડીવાર બાદ બે વ્યકિત એક સફેદ કલરની ઇનોવા ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને મયુરે તેઓ સાથે મારી ઓળખાણ કરાવી હતી. આ બન્ને વ્યકિતઓમાં એકનુ નામ હરદિપ વાળા અને મહિપાલ વાળા જણાવ્યું હતુ. આ બન્નેએ મારી ગાડી ત્યાં દેવળા ગામના ચોકમાં રાખી દેવાનુ કહ્યું હતું. બાદમાં હું તથા મયુર આ લોકોની સાથે ઇનોવા ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી 15 કિમી દૂર સીમમાં એક વાડીએ લઈ ગયા હતા અને ત્યાં વાડીમાં બે-ત્રણ પાકા રૂમવાળુ મકાન હતું.

તું ચિટિંગ કરીને જુગાર રમે છે કહ્યું
આ વખતે હરદીપ વાળા મને સાઇડમાં લઇ ગયો અને કહેવા લાગ્યો કે, તું ચીટીંગ કરીને જુગાર રમે છે અને તે જુગારમાં બહુ રૂપિયા બનાવ્યા છે. આથી મેં તેને કહ્યું કે, ના ભાઇ એવુ કાંઇ નથી, હું તો સીધી રીતે જ જુગાર રમું છું અને જીતું છું. આથી હરદીપ ઉશ્કેરાઇ ગયો અને ગાળો બોલવા લાગ્યો હતો અને ગાલ ઉપર ફડાકા મારવા લાગ્યો હતો. આ વખતે મહિપાલ તથા મયુર પણ ત્યાં આવી મહિપાલ પણ મને ગાળો બોલી ઢીકાપાટુ મારવા લાગ્યો હતો. બાદમાં મયુર આ લોકોને મને માર નહીં મારવાનું કહેતા આ લોકોએ મને મારવાનુ બંધ કર્યું હતું. હરદીપ તેની ગાડીમાંથી એક બંદૂક લઈ આવ્યો અને તે બંદૂક મારી સામે રાખી મને કહેવા લાગ્યો કે, તારે અમને 50 લાખ રૂપિયા દેવા પડશે તો જ તને અહીંથી જવા દઇશું નહીતર તને જાનથી મારી નાખશું. આથી મેં મયુરને કહ્યું કે, આ બધુ શું છે? તમે મને જુગાર રમવાનુ કહીને અહીx લાવ્યા છો અને આ લોકો મારી સાથે આવું શા માટે કરે છે? તમે આ લોકોને સમજાવો તેમ કહેતા મયુર કહેવા લાગ્યા કે, આ લોકો જેમ કહે તેમ કર. નહીંતર આ લોકો તને અહીંથી જીવતો નહીં જવા દે. આથી હું આ લોકોથી ખુબ જ ડરી ગયો હતો.

મહિપાલે ખીસ્સામાંથી બે લાખ કાઢી લીધા
મયુર પણ આ લોકો સાથે મળ્યો હતો. આથી મેં આ લોકોને કહ્યું કે, મારી પાસે આટલા બધા રૂપિયા નથી, મારી પાસે હાલમાં બે લાખ રૂપિયા જ છે. આથી મહિપાલે મારા પાછળના ખીસ્સામાં રાખેલા રૂપિયા બે લાખ કાઢી લીધા હતા અને મેં ગળામાં પહેરેલી સોનાની રૂદ્રાક્ષની માળા પણ કાઢી લીધી હતી. મહિપાલ અને હરદીપે મારા ઘરે ફોન કરી વધારે રૂપિયા મગાવવાની વાત કરી હતી અને મારી પાસે સ્પીકર ફોનમાં મારા ઘરે મારા પત્નીને ફોન કરી ઘરમાં જેટલા રૂપિયા હોય બધા ભેગા કરી ગણીને રાખે તેમ કહેવાનુ જણાવ્યું હતું. આથી મેં મારી પત્ની ધર્મીષ્ઠાને ફોન કરી અને સ્પીકર ફોનમાં આ લોકોએ જેમ કહ્યું તેમ મારી પત્નીને વાત કરી હતી અને ફોન મૂકી દીધો હતો.

પત્નીએ કહ્યું ઘરમાં 17.90 લાખ રૂપિયા છે
થોડીવાર બાદ મારી પત્નીનો ફોન આવ્યો અને કહ્યું કે, ઘરમાં કુલ રૂ.17,90,000 પડ્યા છે. આથી આ હરદીપ તથા મહિપાલે મને કહ્યું કે, તારી પત્નીને કહે કે બધા રૂપિયા લઇને મવડી ચોકડી જાય અને મારો માણસ આવે તેને તે રૂપિયા આપી દે. જેથી મેં તેઓને કહ્યું કે, મારી પત્ની ત્યાં નહીં જાય, હું મારા મિત્ર પુષ્કર રૂપાવટીયાને ઘરે મોકલુ? તો આ લોકોએ કહ્યું કે, કાંઈ વાંધો નહીં તેને મોકલ, જેથી મેં મારા મિત્ર પુષ્કરને ફોન કરી મારા રૂપિયા લઈ મવડી ચોકડી જવાનું કહ્યું હતું.

પુષ્કર રૂપિયા સાથે મવડી ચોકડીએ આવ્યો હતો
બાદમાં આ લોકોએ કહ્યું કે, હવે તારા મિત્રનો ફોન આવે એટલે તેને પૂછજે કે તે ક્યાં વાહનમાં છે અને તારી પાસે જે ભાઈ આવે તેને રૂપિયા આપી દેજે. થોડીવાર બાદ મારા મિત્ર પુષ્કરનો મને ફોન આવ્યો કે, હું ઘરેથી રૂપિયા લઈને મવડી ચોકડી હોટલે વેન્ટો કાર લઈ ઉભો છું. જેથી મેં તેને કહ્યું કે, તું થોડીવાર ત્યાં ઉભો રહે, હમણા તારી પાસે એક ભાઇ આવશે તેને રૂપિયા આપી દેજે. બાદમાં આ મહિપાલે તેના કોઇ મિત્રને ત્યાં ઉભો રાખ્યો હતો તેને ફોન લગાડ્યો અને તે ભાઇને મારી સાથે વાત કરાવી હતી. જેથી મેં તેને હોટલ પાસે પડેલ વેન્ટો ગાડીમાં બેઠેલ વ્યકિત સાથે વાત કરાવવાનુ કહેતા તે ભાઇ ત્યાં ગયો હતો અને પુષ્કરે વાત કારાવતા મેં પુષ્કરને તે ભાઇને રૂપિયા આપી દેવાનુ કહેતા તે રૂપિયા આ લોકોએ મોકલેલ વ્યકિતને આપી દીધા હતા.

10 દિવસમાં 30 લાખ આપવાની ધમકી આપી
આ વ્યકિત કોણ હતું તેની મને ખબર નથી. થોડીવાર બાદ આ હરદીપ તથા મહિપાલે મારી ગાડી, આઈફોન મહિપાલે મારી પાસેથી લઈ લીધો હતો અને બાદમાં આ બન્ને કહેવા લાગ્યા કે તારે હજી અમને 30 લાખ દેવાના છે અને જો 10 દિવસમાં 30 લાખ નહીં દે તો તારા ઘરે આવીને ફાયરિંગ કરી તને પતાવી દઇશ તેવી ધમકી આપવા લાગ્યા હતાય બાદમાં કહ્યું હતું કે, તું બાકીના 30 લાખ દઇશ એટલે તારી ગાડી, રૂદ્રાક્ષની માળા તથા મોબાઇલ ફોન તને મળી જશે અને આ વખતે હું ખૂબ જ ડરી ગયો હતો. આ લોકોથી છૂટકારો મેળવવા માગતો હતો જેથી મેં તેઓએ કહેલ બધી વાતમાં હા પાડી હતી.

હરદીપ ઉમિયા ચોકમાં ઉતારીને જતો રહ્યો
ત્યાંથી અમે રાજકોટ આવવા નીકળ્યા હતા અને રાજકોટ ઉમિયા ચોક ખાતે પહોંચતા હરદીપ અમને ત્યાં ઉતારી મારી કાર લઈને જતો રહ્યો હતો. કારમાંથી ઉતાર્યા બાદ મેં મયુરને કહ્યું કે, તમે જાણી જોઇને મને આ લોકો પાસે લઇ ગયા હતા તેમ કહેતા મયુરે કહ્યું કે, બાકીના 30 લાખ 10 દિવસમાં પૂરા કરી દેજે નહીંતર તારા ઘરે આવશે અને તને પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. જેથી પરિવારને વાત કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...