રાજકોટની બેંકોમાં છેલ્લા ઘણા સમયથી બનાવટી ચલણી નોટો આપવાનું દૂષણ વધી રહ્યું છે. પોલીસ માટે પણ તે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. અનેક કીમિયા અખત્યાર કરવા છતાં આ દૂષણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. આજે શહેરની અલગ-અલગ બેંકોમાં ધાબડી દેવામાં આવેલી લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો ક્રાઈમ બ્રાન્ચમાં આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સોંપણી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને કરવામાં આવશે અને ત્યારબાદ આ મામલાની તપાસ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચને આપેલું નકલી નોટના પોટલામાં 100, 500 અને 2000ની દરની હોવાનું જણવા મળ્યું છે.
SOG પોટલા અને લિસ્ટનો કબ્જો લઈ તપાસ કરશે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બેંકો દ્વારા 500, 2000, 100 સહિતના દરની બનાવટી નોટો અથવા તો નકલી હોવાની આશંકા જણાતી હોય તેવી ચલણી નોટનું એક પોટલું તૈયાર કરીને ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવ્યું છે. આ નોટોની કિંમત લાખો રૂપિયામાં છે, જે પાછલા બે-ત્રણ વર્ષ દરમિયાન બેંકોને આપવામાં આવી છે. બીજીબાજુ ક્રાઈમ બ્રાન્ચે આ પોટલાનો સ્વીકાર કરી લીધો છે અને આજે જ તેની સોંપણી SOGને કરી દેશે. બેંકો દ્વારા પોટલાની સાથે જે ખાતામાં આ નોટો જમા થઈ હતી તેના નંબર, તે એકાઉન્ટધારકનું નામ સહિતની વિગતો પણ આપવામાં આવી છે. હવે SOG આ પોટલા અને લિસ્ટનો કબજો લઈને આ મામલાની તપાસ કરશે.
આ દૂષણને રોકવું હવે બેંકોના હાથમાં પણ નથી
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 2017થી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં નકલી નોટ ધાબડી દેવાના ગુનાની તપાસ SOGએ કરવી તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ અનુસાર હવે ક્રાઈમ બ્રાન્ચ નોટના જથ્થાનો સ્વીકાર કરી લીધો છે પરંતુ તેની તપાસ હવે SOG દ્વારા કરવામાં આવશે. જાણવા મળ્યા પ્રમાણે SOG સૌથી પહેલાં મોટી સંખ્યામાં એક જ ખાતામાં જમા થયેલા ખાતાધારકની તપાસ કરશે અને જો તેમાં ગોલમાલ જણાશે તો તુરંત જ ધરપકડ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. બેંકો દ્વારા નકલી નોટ જમા ન થાય તે માટે અનેક નિયમો ઘડવામાં આવ્યા છે. આમ છતાં તેમાંથી ‘છટકબારી’ શોધીને કીમિયાગરો ખાતામાં નકલી નોટ જમા કરાવી દેતા હોવાથી આ દૂષણને રોકવું હવે બેંકોના હાથમાં પણ ન રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.