ભાસ્કર એનાલિસિસ:ફ્લાયઓવર સાથે BRTSને જોડવા બ્રિજ બની ગયો પણ ઉપયોગ કરવા મુદ્દે અવઢવ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોંડલ ચોકડીએ બ્રિજ મંજૂર થયો ત્યારે મનપાએ કહ્યું હતું કે, BRTSને લંબાવી છે માટે રેમ્પ બનાવવો જરૂરી છે, જો કે, ચાર વર્ષ થયા છતાં હજુ કોઈ આયોજન થયું નથી

રાજકોટ શહેરને વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી ત્રાસ આપતા ગોંડલ રોડ બાયપાસ પર આખરે બ્રિજ બનીને તૈયાર થયો છે અને હાઈવે ઓથોરિટીએ બ્રિજ ખુલ્લો મૂકી દીધો છે. સીએમના હસ્તે લોકાર્પણ બાદ સોમવારે સવારે 8 વાગ્યા સુધીમાં બ્રિજના તમામ રોડ ખુલ્લા કરી દેવાયા હતા. જોકે એક તરફનો માર્ગ હજુ પણ બંધ છે જોકે તેમાં કામ બાકી હોય કે પછી હાઈવે ઓથોરિટીએ બંધ રાખ્યો હોય તેવું નથી. રાજકોટ મહાનગરપાલિકા નિર્ણય ન લઈ શકતા લોકોને તેનો લાભ મળતો નથી.માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી બીઆરટીએસ ટ્રેક છે જેમાં માત્ર મનપાની જ બસ દોડે છે.

ગોંડલ ચોકડીએ જ્યારે બ્રિજ બનવાનો શરૂ થયો ત્યારે મનપાએ માંગ કરી હતી કે, તંત્ર બીઆરટીએસનું નેટવર્ક વિસ્તારવા માગે છે અને માટે 150 ફૂટ રિંગ રોડથી ગ્રીનલેન્ડ ચોકડી જવા માટે ફ્લાયઓવર પર એક અલાયદા રેમ્પ એટલે રસ્તો બનાવાય જેમાં બીઆરટીએસ ટ્રેકની જેમ માત્ર બસ જ જઈ શકે. જેને લઈને બસને બીજા ટ્રાફિકનો સામનો કરવો ન પડે. એનએચઆઈએ આ મુદ્દાને લઈને 150 ફૂટ રિંગ રોડ પર ખાસ રેમ્પ બનાવી આપ્યો છે. જોકે બીજી તરફ મનપાએ આ રેમ્પના ઉપયોગ માટે બીઆરટીએસનું કોઇ માળખું નવું ઊભું કર્યું જ નથી. આ કારણે બ્રિજ બની ગયો હોવા છતાં એક ભાગ પર ટ્રાફિક બંધ જ છે.

હાઈવે ઓથોરિટી જણાવે છે કે આ માત્ર બીઆરટીએસ માટે બનાવાયો છે અને તે માટે મનપા સાથે બેઠક કરીને ચાલુ કરવામાં આવશે. જ્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે, બીઆરટીએસની એક આખી સર્કિટ બનાવવાની છે અને તે માટે આ ભાગ જે તે સમયે ઉમેરવા કહ્યું હતું અને હવે તે અંગે નિર્ણય લેવાશે. આમ આયોજન સારું હતું પણ હવે સર્પે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.

વિઝન સારું હતું પણ ભુલાઈ ગયું
ગોંડલ રોડ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી બીઆરટીએસ ટ્રેક બનાવાય તો બસને ચોકડીએ સામાન્ય લેનમાં ટ્રાફિકમાં જઈને ફરીથી બીઆરટીએસ લેનમાં જવું પડે આ કારણે અન્ય વાહનચાલકો અને બસને પણ ટ્રાફિકનો સામનો કરવો પડે તેના બદલે પુલ પર ચડી સીધા ડાબી બાજુ વળીને આખો ફ્લાયઓવર ક્રોસ કરી શકાય તેવો ઉત્તમ વિચાર ચાર વર્ષ પહેલા મનપાને આવ્યો હતો. આ વિઝન સારું હતું પણ ત્યારબાદ આ પ્રકરણ જ ભુલાઈ ગયું અને બીઆરટીએસ બસના એક્સટેન્શન માટે ચાર વર્ષમાં કોઇ કામગીરી ન થઈ તેમજ બજેટમાં પણ જોગવાઈ કરાઈ નથી. આ કારણે હવે ફક્ત સિટી બસ માટે આ રસ્તો ખોલાય તેવી શક્યતા છે જોકે તેના કારણે રસ્તો ખાલી જ રહેશે અને પૈસાનું પાણી જ થશે જ્યારે બીજી તરફ ડાબી બાજુ વળતા વાહનચાલકોને ધરાર ટ્રાફિકમાંથી પસાર થવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...