શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, નાણાવટી ચોક પાસે આવેલા નંદનવન આવાસમાં રહેતી લક્ષ્મી હકાભાઇ વાળા નામની યુવતિએ પાડોશમાં જ રહેતા શૈલેષ નટુ ઝાલા, તેની માતા, શૈલેષની પત્ની ભાવિની અને શૈલેષની બહેન ભાવના સામે માર મારી શૈલેષે શારીરિક અડપલાં કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
યુવતીની ફરિયાદ મુજબ, ગત મોડી રાતે પોતે માતા સાથે તેમના ઘરે સૂતા હતા. ત્યારે સોસાયટીમાં જ રહેતા શૈલેષ સહિતનાઓ દેકારો કરી રંગે રમતા હતા. જેથી માતાએ તેમને દેકારો ન કરવાની અને થોડે દૂર જતા રહેવા જણાવ્યું હતું. તેમ છતા તેઓ દૂર જવાને બદલે વધુ દેકારો મચાવ્યો હતો. પોતે ઘરમાંથી બહાર આવતા શૈલેષે પોતાને ગાળો ભાંડી પોતાની નજીક આવી પોતાના કપડાં ખેંચી શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. જેને કારણે ઝપાઝપી થતા શૈલેષે પોતાનો ડ્રેસ પણ ફાડી નાખ્યો હતો.
શૈલેષના નખથી પોતાને ગળામાં ઉજરડા પડી ગયા હતા. આ સમયે શૈલેષની માતા, પત્ની અને બહેન પણ દોડી આવ્યા હતા. અને ત્રણેયે પોતાને તેમજ માતાને ગાળો ભાંડી હતી. બાદમાં શૈલેષની બહેને હું વકીલનું ભણું છું, કોઇનાથી બીતી નથી, તારે જેને બોલાવવા હોય એને બોલાવી લે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માતાના ચારિત્ર વિશે વાણીવિલાસ કરવા લાગ્યા હતા. જેથી પોતાના મોબાઇલથી 100 નંબર પર ફોન કરતા તારે જેને ફોન કરવો હોય તેને કરી લે રંગથી તો અહીં જ રમાશેની શૈલેષે બડાસો મારી હતી. આ સમયે પોલીસ વાન આવી જતા શૈલેષ સહિતનાઓ ભાગી ગયા હતા. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પહેલા કહ્યું લગ્ન તો તારી સાથે જ કરીશ, પછી અચાનક જ સંબંધ તોડી નાખ્યો
કુવાડવા રોડ, વલ્લભનગર-2માં રહેતી કિંજલ જિગ્નેશભાઇ બેલદાર નામની યુવતીએ ચોરવાડ ગામે રહેતા ફઇની દીકરીના દિયર સૂરજ ભાવસીંગભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. નવ વર્ષ પહેલા ફઇની દીકરીના લગ્ન સમયે સૂરજ સાથે પરિચય થયો હતો. બાદમાં સૂરજે લગ્નતો તારી સાથે જ કરીશ તેમ કહી એકાંતની પળો માણવા અનેક સ્થળોએ ફરવા લઇ ગયો હતો.
સૂરજનો અભ્યાસ પૂરો થયા બાદ તે અમદાવાદમાં નોકરી કરતો હતો. બાદમાં તેને સંપર્ક તોડી નાખ્યા હતા. જેથી પોતે સંપર્ક કરતા સૂરજે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેનું લાગી આવતા તા.14-5-2022ના રોજ એસિડ પી લીધું હતું. તબિયત સારી થઇ ગયા બાદ સૂરજે પોતાની સાથે પ્રેમસંબંધ રાખી શારીરિક અડપલાં કરી લગ્ન નહિ કરી વિશ્વાસઘાત કરતા પોલીસ કમિશનરને અરજી કરી હતી. જે અરજીના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.