કડક વલણ:બોગસ માર્કશીટથી ઠોઠ વિદ્યાર્થી હોશિયારના હક્કનું હનન કરે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષણિક ક્ષેત્રમાં ગુનાહિત પ્રવૃત્તિ કરનારા સામે અદાલતનું કડક વલણ
  • બોગસ 54 સ્કૂલ ચલાવવાના ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન રદ

બોગસ શૈક્ષણિક બોર્ડ બનાવી દેશભરમાં 54 સ્કૂલ ચલાવી આર્થિક લાભ મેળવી બોગસ માર્કશીટ આપી દેવાના કૌભાંડમાં પકડાયેલા આરોપી પારસ અશોકકુમાર લાખાણી અને દિલ્હીની તનુજા સીંગ ચૌધરીએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. શહેરમાંથી 20 દિવસ પહેલા સૌરાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજીના નામની બોગસ સંસ્થાના લેટર પેડ ઉપર અર્ધશિક્ષિત વ્યક્તિઓને રૂપિયા 15 હજારમાં જોઇતી ડિગ્રીઓના સર્ટિફિકેટ વેચતા જયંતી સુદાણી નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. દરોડા દરમિયાન કોઇ અસ્તિત્વ જ ન હોય તેવી સંસ્થાઓના નામની અનેક બોગસ માર્કશીટ મળી આવી હતી.

પોલીસે આરોપીને રિમાન્ડ પર મેળવ્યા બાદ એક પછી એક અનેક કૌભાંડો પ્રકાશમાં આવ્યા હતા. જેમાં જયંતી સુદાણી ઉપરાંત પારસ લાખાણી સહિતના આરોપીઓ ટ્રસ્ટના નામે શૈક્ષણિક બોર્ડ, દિલ્હીના નામથી દેશભરમાં 54 જેટલી બોગસ સ્કૂલ ચલાવતા હતા. જેનું સંચાલન દિલ્હીથી થતું હતું અને ત્યાંનું બધું સંચાલન તનુજા સીંગ કરતી હતી. વધુ તપાસમાં આરોપીઓએ દેશભરની બોગસ 54 સ્કૂલના નામ પર 58 હજાર જેટલા વિદ્યાર્થીને તેની બોગસ માર્કશીટ આપી હોવાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસે પારસ અને તનુજાની પણ ધરપકડ કરી હતી.

દરમિયાન બોગસ એજ્યુકેશન બોર્ડના ઓઠા હેઠળ અનેક વિદ્યાર્થીઓને ખોટી માર્કશીટ આપી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં જેલહવાલે રહેલા પારસ અને તનુજાએ જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજી સામે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજૂઆત કરી કે, ઉપરોક્ત આરોપીઓએ પોલિસી, કાયદો તેમજ ન્યાય તંત્રનું કોઇ જ અસ્તિત્વ જ ન હોય તેવી રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી છે.

બોગસ માર્કશીટથી ઠોઠ વિદ્યાર્થિઓથી હોશિયાર વિદ્યાર્થીઓના હક્કોનું હનન થતું હોય સમાજમાં તેની ખરાબ અસર થતી હોય છે. ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓને જામીન પર ન છોડવા જોઇએ. જિલ્લા સરકારી વકીલ વોરાની રજૂઆતને ધ્યાને રાખી અધિક સેશન્સ જજ પી.કે.લોટિયાએ બંને આરોપીના જામીન નામંજૂર કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...