શહેરની એચડીએફસી બેંકની જુદી જુદી બ્રાંચમાંથી રૂ.1,41,590ના રકમની કુલ 559 બોગસ ચલણી નોટ મળી આવી હોવાની બેંકના આસિ.વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઇ શંકરલાલ ભોમિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બેંકની જુદી જુદી બ્રાંચના ભરણામાં જમા થતી તમામ ચલણી નોટ ભક્તિનગર શાખાની કરન્સી ચેસ્ટ બ્રાંચમાં આવે છે. જે ચલણી નોટ મશીન દ્વારા ચેક કરવામાં આવતી હોય ગત સપ્ટેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના વચ્ચેના સમયમાં રૂ.2 હજારના દરની 14, રૂ.500ના દરની 113, રૂ.200ના દરની 160, રૂ.100ના દરની 232, રૂ.50ના દરની 33, રૂ.20ના દરની 3 અને રૂ.10ના દરની 4 મળી કુલ 559 ચલણી નોટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.
નોંધનીય છે કે, શહેરની જુદી જુદી બેંકોમાંથી મળી આવતી બોગસ ચલણી નોટ અંગેની તપાસની જિમ્મેદારી પોલીસ તંત્રના સ્પે.ઓપરેશન ગ્રૂપને સોંપવામાં આવી છે. પરંતુ હજુ સુધી બેંકમાંથી મળી આવતી બનાવટી ચલણી નોટો અંગે કોઇ તપાસ હજુ સુધી થઇ નથી.
બેંક ભરણામાં સૌથી વધુ બનાવટી ચલણી નોટો એચડીએફસી બેંકમાંથી જ મળી આવતી હોય બેંક દ્વારા ગ્રાહક પૈસા જમા કરાવવા આવે ત્યારે ચલણી નોટની શા માટે ખરાઇ કરવામાં આવતી નથી તે પણ એક પોલીસ તપાસનો વિષય છે. ત્યારે વધુ એક વખત લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો મળી આવ્યાની ફરિયાદ બાદ પોલીસ કેટલી તપાસ કરે છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.