છેતરપિંડી:રાજકોટમાં દાગીના બનાવવા સોની વેપારી પાસેથી રૂ.28.36 લાખનું સોનુ લઇ બંગાળી કારીગર ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું લાખોની કિંમતનું સોનુ લઇ નાસી ગયા અંગે ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. અગાઉ પણ સોની બજાર, પેલેસ રોડ, ભૂપેન્‍દ્ર રોડ સહિતની બજારોના સોની વેપારીઓ પાસેથી કારીગરો દાગીના બનાવવાના ઓઠા હેઠળ સોનુ મેળવી લાખોનુ સોનુ લઇ રફુચક્કર થઇ જતાં હોવાના કિસ્‍સા બની ચુક્‍યા છે. ત્યારે ફરી ભૂપેન્‍દ્ર રોડ પર જ્‍વેલર્સની દૂકાન ધરાવતાં સોની વેપારી સાથે બંગાળી કારીગર રૂ. 28,36,966ની ઠગાઇ કરી બાવીસ અને ચોવીસ કેરેટનું સોનુ લઇ નાસી ગયો હોવાની ઘટના સામે આવી છે.

ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ કોપર હાઇટ્‍સ C-603 માં રહેતાં અને ભૂપેન્‍દ્ર રોડ પર મોનાર્ક કોમ્‍પલેક્ષમાં દૂકાન નં. E માં બંસી જ્‍વેલર્સ નામે સોની કામ કરતાં સંજયભાઇ હિમતભાઇ ધકાણ (ઉ.44)ની ફરિયાદ પરથી રોબીલ હુશેખ શેખ નામના બંગાળી કારીગર વિરૂધ્‍ધ આઇપીસી 406, 420 મુજબ રૂ. 28,36,966 નું 22 અને 24 કેરેટ સોનુ દાગીના બનાવવા માટે આપ્‍યું હતું તે લઇને ભાગી જઇ ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

સમય મર્યાદા નક્કી થઇ
સંજયભાઇ ધકાણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે અમે કારીગરોને દાગીના બનાવવા માટે સોનુ આપતા હોઇએ છીએ. પેલેસ રોડ પર અમર પ્‍લાઝા કોમ્‍પલેક્ષમાં ચોથા માળે બેસી દાગીના બનાવતાં મુળ બંગાળના રોબીલ હુશેન શેખને ફાઇન સોનુ આપી દાગીના બનાવવાનું કામ આપતાં હતાં. તેને જેટલુ સોનુ આપીએ એટલા વજનના ઉલ્લેખ વાળા વાઉચર બનાવી તેના સ્‍ટાફની સહી કરાવતાં હતાં. સમય મર્યાદા નક્કી થઇ હોઇ તે મુજબ તે દાગીના બનાવી પરત આપતાં હતાં અને અમે તેને મજૂરી ચુકવતા હતાં. કામ થઇ ગયા પછી જમા વાઉચર પણ લખી આપતા હતાં. તેમજ તેના સ્‍ટાફની તેમાં સહી લેતાં હતાં.

અમારો વિશ્વાસુ કારીગર બની ગયો
લાંબા સમયથી અમારે રોબીલ શેખ સાથે આ વ્‍યવહાર હોઇ તે અમારો વિશ્વાસુ કારીગર બની ગયો હતો. તા. 1 એપ્રિલ થી 22 જૂન સુધીમાં અમે રોબીલ શેખને કટકે કટકે 2571.550 ગ્રામ ફાઇન સોનુ (24 કેરેટ)નું અને 65.430 ગ્રામ સોન (22 કેરેટ)નું દાગીના બનાવવા માટે આપ્‍યું હતું. જે પૈકી રોબીલે અમને 2056.450 ગ્રામ (24 કેરેટ) અને 32.310 ગ્રામ (22 કેરેટ) વજનના દાગીના બનાવીને પરત આપી દીધા હતાં. પરંતુ તેણે 515.100 ગ્રામ ફાઇન સોનુ (24 કેરેટ) અને 33.120 ગ્રામ સોનુ (22 કેરેટ) વજનના દાગીના તેણે બનાવીને પાછા આપ્‍યા નહોતાં.

પશ્ચિમ બંગાળ ખાતે નોટીસ મોકલી
મેં તેની પાસે બાકીના સોનાના દાગીના અથવા સોનુ પાછુ આપી દેવા માટે વારંવાર માંગણી કરતાં તેણે આજે આપુ, કાલે આપુ એવા વાયદા કર્યા હતાં. પરંતુ દાગીના બનાવીને આપ્‍યા નહોતાં. એ પછી તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતું. એક દિવસ તેનો ફોન સ્‍વીચ ઓફ થઇ જતાં તેની દૂકાને જઇ તપાસ કરતાં ખબર પડી હતી કે રોબીલ શેખ દૂકાન બંધ કરી ભાગી ગયો છે. તેના વતન પશ્ચિમ બંગાળ ખાતે અમે નોટીસ મોકલી હતી. પરંતુ નોટીસ સ્‍વીકારી નહોતી. આજ સુધી અમારુ સોનુ કે દાગીના પાછા ન આપી કુલ રૂ. 28 લાખ 36 હજાર 966 નું સોનુ તે લઇ ગયો હોઇ અંતે અમારી ફરિયાદ કરવી પડી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...