રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:વૃદ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી, આજીડેમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. - Divya Bhaskar
પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજકોટના પાંજરાપોળ વિસ્‍તારમાં શેરી નં. 7માં રહેતાં રંજનબેન કેશુભાઇ ગોરવાડિયા (ઉં.વ.70) નામના વૃદ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. રંજનબેને ગઈકાલે સવારે 10 વાગ્‍યે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર હેઠળ હતાં. પરંતુ આજે તેઓએ સવારે દમ તોડી દેતાં બી-ડિવિઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. જ્યારે શાપરના કાંગશિયાળીમાં પણ એક શ્રમિકે આપઘાત કર્યો છે.

રંજનબેને અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
આપઘાત કરનાર રંજનબેનને સંતાનમાં એક પુત્ર અમિતભાઇ અને બે પુત્રી છે. પુત્ર ચાંદીકામ કરે છે. તેમણે જણાવ્‍યું હતું કે, રંજનબેન સતત બિમાર રહેતા હતા. પગમાં પણ તકલીફ હોઇ ઉભા થઇ શકતા નહોતા. આ કારણે અગાઉ એક વખત કેરોસીન છાંટીને અને એક વખત ફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્‍યારે બચી ગયા હતા. આ વખતે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.

આજીડેમમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
રાજકોટ શહેરનાં આજીડેમમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર હાઇવે પર આર.કે. ગેટ પાસે મૃતદેહ પડ્યો હોવાની પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસને પુરુષના ખિસ્સામાંથી આઈડી પ્રુફ મળી આવતા મૃતકનું નામ લાખાભાઈ ડાંગર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

ગૃહક્લેશમાં શ્રમિકે આપઘાત કર્યો
શાપરના કાંગશીયાળીમાં રહેતાં અને મજૂરી કામ કરતાં રમેશભાઇ પુંજાભાઇ ચંદ્રપાલ (ઉં.વ.38) ગઈકાલે સાંજે ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી. રમેશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગૃહક્લેશને કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું, જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કારનું એન્જિન ચોરાતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ આરટીઓ પાછળ રહેતા યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરી હતી. યુવકના પત્નીએ જણાવ્યું હતું કે, તેમના લગ્ન ગત 19/2ના રોજ થયા હતાં. બાદમાં ગઇકાલે દંપતી છેડાછેડી છોડવા માટે ભલગામડા ગામે આવેલ માતાજીના મંદિરે તેના મિત્રની કાર લઈ ગયા હતાં. ત્યારે કારનું એન્જીન ચોરાઇ ગયું હતું. અઠવાડિયા પહેલા જ લગ્નમાં રૂપિયા ખર્ચાઈ ગયા હોવાથી કાર રિપેરિંગ માટે રૂપિયાની સગવડ ન થતાં કંટાળીને પગલુ ભર્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ધંધો ન ચાલતા પિતા-પુત્રનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં પિતા-પુત્રએ ઘરે પાણીમાં ઝેરી દવા ભેળવીને પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં બન્નેને હોસ્‍પિટલે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતાં પીએસઆઇ બોદર અને રાઇટર કિશોરભાઇએ પહોંચી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. જેમાં સારવારમાં રહેલા પુત્રએ જણાવ્‍યું હતું કે, પોતે પિતા સાથે એકલા જ રહે છે અને ઘરે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. હાલમાં કામધંધો બરાબર ચાલતો ન હોઇ કંટાળી જતાં પિતા-પુત્ર બન્નેએ સાથે નક્કી કરી ઝેરી દવા પી લીધી હતી.

અજાણ્યા શખસે સિગારેટ પિવડાવી યુવકને બેભાન કર્યો
રાજકોટ જિલ્લાના પડધરીના ગીતાનગ૨માં ૨હેતો કિષ્ના જેરામભાઈ ચા૨ણ (ઉં.વ.26) નામનો યુવક બપોરે રોડ પ૨ ઢો૨ ચરાવતો હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને સિગારેટ આપી કહ્યું કે, આ તારા ભાઈએ સિગારેટ આપી છે, પી લે. જે યુવકે સિગારેટ પીતા ચક્કર આવી ઢળી પડ્યો હતો. રોડ પર પડેલા યુવકને જોઈ રાહદારીએ પોલીસને જાણ કરતા પડધરી પોલીસે યુવકને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ભાનમાં આવ્યા બાદ ગળામાંથી અવાજ ન નિકળતા બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. કોઈએ ટીખળ ક૨વા યુવકને સિગારેટ પીવડાવી હતી કે યુવક પાસેથી લૂંટ ચલાવાના ઈરાદે આવું કર્યું હતું તે અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...