ભાગ અને પ્રસાદી આપવાનું કહી દાદાની ઉંમરના વ્યક્તિએ રૂમમાં બોલાવી ત્યારે એ સાડાત્રણ વર્ષ અને 5 વર્ષની બાળકીના ચહેરા પર સ્મિત રેલાઇ ગયું હતું, બંને બાળકીઓ હસતી કૂદતી રૂમમાં પ્રવેશી ત્યારે એ માસૂમને ક્યાં ખબર હતી કે થોડી જ ક્ષણોમાં માનવતા શર્મસાર થવાની છે, જેને દાદા કહ્યા એ હેવાને બંને બાળકીને ખોળામાં બેસાડી પ્રસાદી આપ્યા બાદ બંનેની માસૂમતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો, સાડાત્રણ વર્ષની બાળકી પર એ વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું અને છ વર્ષની બાળકી સાથે બીભત્સ કૃત્ય આચર્યું હતું.
બંને બાળકી પોતાના ઘરે પહોંચી ત્યારે સાડાત્રણ વર્ષની બાળકીએ ગુપ્ત ભાગે દુખાવો થવાનું કહેતા જ માતાએ તેને ચેક કરતા બાળકી લોહીલુહાણ થઇ ગયાનું નજરે ચડ્યું હતું. ઘટનાની 24 કલાક સુધી એ માસૂમ બાળકીએ મોઢામાં અન્નનો દાણો નાખ્યો નહોતો અને કણસતી રહી હતી. પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી હતી.
ગોંડલના રીબડા તાબેના સડક પીપળિયા ગામની સીમમાં આવેલા આદિત્ય કારખાનાની ઓરડીમાં રહેતી ઉત્તર પ્રદેશની મહિલાએ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે એ જ કારખાનાની ઓરડીમાં જમાઇ અને પુત્રી સાથે રહેતા યુપીના કાદીપુર ગામના સાલીકરામ રામસધાર કોળી (ઉ.વ.65)નું નામ આપ્યું હતું, મહિલાએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે તેની સાડાત્રણ વર્ષની પુત્રી તથા પાડોશમાં રહેતા પરિવારની 5 વર્ષની પુત્રી નજીકમાં આવેલા ક્વાર્ટર્સના બીજામાળે રહેતા સાલીકરામ કોળીના ઘરે રમવા ગઇ હતી.
થોડીવાર બાદ તેની સાડાત્રણ વર્ષની પુત્રી અને પાડોશીની 5 વર્ષની બાળકી ઘરે આવ્યા હતા, 5 વર્ષની બાળકીએ કહ્યું હતું કે, સાલીકરામે પ્રસાદીના નામે ઘરમાં બોલાવ્યા બાદ તેના રૂમની સ્ટોપર બંધ કરી દીધી હતી અને બંને બાળકીને ખોળામાં બેસાડી હતી, થોડીવાર બાદ 5 વર્ષની બાળકીને ખોળામાંથી ઉતારી બાજુમાં બેસાડી તેની સાથે બીભત્સ હરકતો કરવા લાગ્યો હતો જ્યારે સાડાત્રણ વર્ષની બાળકીને ખોળામાં બેસાડી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સાડાત્રણ વર્ષની બાળકીને શુક્રવારે ગોંડલ હોસ્પિટલમાં અને રાત્રે ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડી હતી. શનિવારે સવારે ગોંડલ તાલુકા પોલીસ રાજકોટ દોડી આવી હતી અને સાડાત્રણ વર્ષની બાળકીની માતાની ફરિયાદ પરથી દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાલીકરામની ધરપકડ કરી હતી. ભોગ બનેલી બાળકીની માતાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેની પુત્રી થોડા-થોડા સમયે ભૂખ લાગી છે તેમ કહી કંઇને કંઇ વસ્તુ ખાવા માટે માગતી હોય છે પરંતુ શુક્રવારે બપોરે બનેલી ઘટના બાદ શનિવારના બપોરના ત્રણ વાગ્યા સુધી તેણે મોઢામાં અન્નનો એકપણ દાણો નાખ્યો નથી.
બ્લીડિંગ થતું’તું, તપાસવા નહીં દેતી હોવાથી બાળકીને બેભાન કરવી પડી : ડોક્ટર
દુષ્કર્મનો ભોગ બનનાર સાડાત્રણ વર્ષની બાળકીને શુક્રવારે મધરાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, બાળકીનું શનિવારે સવારે તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, બાળકીની સારવાર અને પરીક્ષણ કરનાર તબીબે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બાળકીને બ્લીડિંગ થતું હતું, તે તપાસવા દેતી નહોતી, સતત રડતી હતી જેથી બાળકીને એનેસ્થેસિયા આપી બેભાન કર્યા બાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, તબીબે નિસાસો નાખતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી બાળકીઓ સાથેના આવા કૃત્યના કિસ્સા વધ્યા છે, જ્યારે આવા બાળકોને અમારે ચેક કરવાના આવે ત્યારે દુ:ખ થાય છે, સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તે વિચાર ધ્રુજાવી દે છે.
ભાસ્કર વિચાર: માસૂમ ન્યાય માગી રહી છે
કહેવાતા નેતાઓ કેમ હોસ્પિટલ દોડી ન ગયા? ગરીબ છે માટે? મતદાર નથી માટે? કેમ તમારો આત્મા રડી ન પડ્યો?
ગરીબને દર્દ નથી થતું? તેને તકલીફ ન થાય? દીકરી ગમે તે હોય, ગમે તેની હોય, જો સંવેદના હોય તો આજે આ ઘટના બની ત્યારે વાર તહેવારે ઝંડા લઇને નીકળી પડતાં કહેવાતા નેતાઓએ હોસ્પિટલે જઇ આકરી સજા અને દીકરીને ન્યાય આપવા બૂમો પાડવી જોઇતી હતી, પણ આવું ન થયું, કારણ કે આમાં તેને ફાયદો નહીં દેખાયો હોય, કેમ આજે તમને ગુસ્સો ન આવ્યો? કેમ ટ્વીટ ન થયું?
કેમ તમારી અંદરનો આત્મા રડ્યો નહીં? આ બતાવે છે કે કદાચ આ દીકરીના પરિવારનો મત તમને નહીં મળતો હોય, નાની નાની ઘટનાઓમાં રોડ પર ઉતરી ઝંડા આસમાન તરફ કરનારાઓ આજે કેમ જમીન પર બેઠા છો? શરમ છે, શરમ છે, શરમ છે, જો ખરેખર શરમ હોય તો આ દીકરીને ન્યાય અપાવવા દોડજો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.