અપહરણ:8 વર્ષની બાળકીનું અપહરણ કરનાર 45 વર્ષનો શખ્સ ફરાર

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ આશાપુરા ચોકડી નજીક મૂકીને નાસી ગયો’તો
  • આરોપીના ટૂંકા નામ સિવાયની કોઇપણ માહિતી પોલીસ પાસે નથી

શહેરની ભાગોળે માંડાડુંગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની પરપ્રાંતીય બાળકીને તેની પાડોશમાં જ રહેતો 45 વર્ષનો શખ્સ શનિવારે બદઇરાદે ઉઠાવી ગયો હતો, જોકે ગોંડલની આશાપુરા ચોકડી નજીક બાળકીને મૂકી નાસી ગયો હતો. રિક્ષાચાલકની જાગૃતતાથી બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયું હતું.

માંડાડુંગર વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની 8 વર્ષની બાળકી શનિવારે સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતી ત્યારે તેની પાડોશમાં અઠવાડિયાથી જ રહેવા ગયેલો 45 વર્ષનો રાજુ નામનો શખ્સ ગયો હતો, બાળકીને તાવ ‌આવતો હોય લેબોરેટરીએ લઇ જાવ તેમ કહી બાળકીને બાઇકમાં બેસાડીને લઇ ગયો હતો, બાળકીને રાજુ બાઇકમાં લઇને જતો હતો ત્યારે એક બિહારી શખ્સની તેના પર નજર પડી હતી પરંતુ તે વખતે તેને કોઇ શંકા ઊઠી નહોતી, કલાકો સુધી બાળકી પરત નહીં આવતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને રાજુના બાઇકમાં છેલ્લે જોવા મળીની હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ બાળકીની શોધખોળમાં લાગી હતી.

દરમિયાન બપોરે 3.15 વાગ્યાના અરસામાં એ બાળકી ગોંડલની આશાપુરા ચોકડી પાસે એકલી હતી અને રડતી હોય તેના પર ગોંડલના રિક્ષાચાલક ભૂપતભાઇ ભાખાત્રાની નજર પડતા તેમણે તેમના મિત્ર મારફત 181ને જાણ કરતા બાળકીને ગોંડલ પોલીસને સોંપવામાં આવી હતી.

અપહૃત બાળકી ગોંડલ પોલીસ પાસે હેમખેમ પહોંચી ગયાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને બાળકીનો કબજો સંભાળી તેને તેના પરિવારજનોને સોંપી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી રાજુ સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો, પરંતુ ઘટના બાદ રાજુ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, રાજુનું પૂરું નામ શું છે, રાજુ અગાઉ ક્યાં રહેતો હતો, શું કામ કરતો હતો તેવી એકપણ હકીકત હજુ સુધી પોલીસને મળી ન હોય આરોપી સુધી કેવી રીતે પહોંચી શકશે તેવી અનેક શંકાઓ લોકોમાં ઊઠી હતી.

અન્ય સમાચારો પણ છે...