રાજકોટ જિલ્લાના એપી સેન્ટર જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયાને ભાજપમાંથી ફરી રિપીટ કરી ટિકિટ આપવામાં આવી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કુંવરજી બાવળિયાએ પોતાના ગઢ જસદણમાં શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ ડીજેના તાલે 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કુંવરજી બાવળિયાની જીભ લપસી હતી અને કહ્યું હતું કે, જિલ્લાના અમારા તમામ આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ, પરંતુ બાદમાં સોરી કહી ઉમેદવારીપત્રક આપવા જઈએ છીએ તેવું જણાવ્યું હતું.
બાવળિયા ખુલ્લી જીપમાં સવાર થયા
કુંવરજી બાવળિયા રેલીમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાઇને કેસરીયો લહેરાવ્યો હતો. ભાજપના ઝંડા સાથે કાર્યકરો જોવા મળ્યા હતા. તેમજ બાવળિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જસદણના આટકોટ રોડ પર આવેલી GIDCથી જસદણ તાલુકા સેવા સદન સુધી 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી બાવળિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. તાલુકા સેવા સદન ખાતે તેઓ પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે.
બાવળિયાએ ફોર્મ ભરતા પહેલા કુળદેવી માતાજીના દર્શન કર્યા
કુંવરજી બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા જનડા ગામ ખાતે પોતાના કુળદેવી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ જસદણ અને વીંછિયાના ગઢડીયા ગામે મેલડી માતાજીના દર્શન કર્યા હતા. જસદણના બાયપાસ રોડ પર આવેલા ચોહલીયા પાર્કમાં બિરાજતા અંબાજી માતાજીના મંદિરે બાવળિયાએ દર્શન કર્યા બાદ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા ગયા હતા. આ સમયે જસદણના રાજવીએ બાવળિયાને અભિનંદન પાઠવ્યા હતા. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ભાજપે જસદણ બેઠક પર મારા નામની જાહેરાત કરી છે. આજે હું ઉમેદવારી પત્રક વિશાળ જનમેદનીની હાજરીમાં જઈ રહ્યો છું. ગત વખતે જેટલી લીડથી જીત્યો હતો તેનાથી બમણી લીડથી વિજેતા થઈશ.
જસદણમાં 35 ટકા કોળીનું પ્રભુત્વ
જસદણ બેઠક પર સૌથી વધુ 35% કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે બીજા નંબર પર 20% લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અને બાકીના 45% પર અન્ય સમાજનું પ્રભુત્વ
રહેલું છે.
જ્ઞાતિવાર સમાજનું ટકાવારીમાં પ્રભુત્વ
કોળી સમાજ- 35%
લેઉવા પટેલ સમાજ- 20%
દલિત સમાજ- 10%
લઘુમતિ સમાજ- 7%
કડવા પટેલ સમાજ- 7%
ક્ષત્રિય સમાજ- 8%
અન્ય સમાજ- 13%
4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારો ઉમેરાયા
જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-2018 માં યોજાયેલી પેટાચૂંટણીમાં 1,22,180 પુરૂષ મતદારો હતા. જેમાં 11,832 મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે 1,34,012 મતદારો નોંધાયેલા છે.જયારે 1,09,936 સ્ત્રી મતદારો હતા. જેમાં 12,341 મતદારોનો વધારો થતા અત્યારે 1,22,277 મતદારો નોંધાયેલા છે. ગત 2018 ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરૂષ મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા હતા. જ્યારે અત્યારની ડિસેમ્બર-2022 ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારો નોંધાયેલા છે.
કુંવરજીભાઈ સામે ભોળાભાઈનો ચૂંટણી જંગ જામશે
જસદણ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં જસદણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે જો કે ભાજપ દ્વારા કુંવરજી બાવળિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જસદણ બેઠક માટે ભોળાભાઈ અને કુવરજીભાઈનો સીધો જંગ જામવાનું મનાઇ રહ્યું છે. ભોળાભાઈ ગોહિલ 2012થી 2017 સુધી જસદણ બેઠક ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
(દિપક રવિયા, જસદણ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.