એક સંતાનનો પિતા ભાન ભૂલ્યો:રાજકોટમાં દરજી કામ કરતા 39 વર્ષના શખ્સે ડ્રેસનું માપ લેવાને બહાને 13 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ રેલનગર વિસ્‍તારમાં રહેતાં અને દરજી કામ કરતાં એક સંતાનના પિતાએ 13 વર્ષની એક સગીરાને ડ્રેસનું માપ લેવાના બહાને બોલાવી હતી. બાદમાં શારીરિક અડપલા કરતાં સગીરા ગભરાઇ ગઈ હતી. આથી સગીરા ડ્રેસનું માપ દીધા વગર જ ભાગી ગઈ હતી. સગીરાએ પોતાના ઘરે વાત કરતા આ હવસખોર શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદ પરથી રેલનગરની એક ટાઉનશીપમાં રહેતાં 39 વર્ષના શૈલેષ ભલગામડીયા નામના શખ્‍સ વિરૂદ્ધ IPC 354 (A) તથા પોક્‍સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

ડ્રેસનું માપ લેતી વખતે શખ્સે અડપલા કર્યા હતા
મહિલાએ પોલીસને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, હું પરિવાર સાથે રહું છું અને ચાર સંતાન છે. ગત બુધવારે સાંજે સાડા ચારેક વાગ્‍યે જાગૃતિબેને કહ્યું કે, તમારી દીકરીને દરજી કામ કરતાં શૈલેષભાઇ ડ્રેસનું માપ લેવા બોલાવે છે. આથી મારી 13 વર્ષની દીકરી ડ્રેસનું માપ દેવા જાય છે તેમ કહીને શૈલેષભાઈના ઘરે જવા નીકળી હતી. તેની સાથે મારી નાની 12 વર્ષની દીકરી પણ ગઇ હતી. થોડીવાર પછી હું પણ શૈલેષભાઇના ઘરે જવા નીકળી ત્‍યાં મને સામે જ બે દીકરી મળી હતી. જેમાં 13 વર્ષની દીકરી ખૂબ ગભરાઇ ગયેલી હાલતમાં હતી. મેં તેને શું થયું તેમ પૂછતાં તેણે રડતાં રડતાં કહ્યું હતું કે, શૈલેષભાઇએ મારા ડ્રેસનું માપ લેતી વખતે મારી સાથે અડપલા કર્યા છે. મેં તેને આ શું કરો છો? એવું પૂછતાં તેણે ‘તું શાંતિથી ઉભી રહે’ તેમ કહી બીજીવાર હાથથી અડપલા કરવાનું ચાલુ કરતાં હું ગભરાઇને ભાગી આવી છું.

અગાઉ પણ શૈલેષે એક બાળા સાથે અડપલા કર્યા હતા
દીકરીએ રડતાં રડતાં આ વાત મને કરતાં હું શૈલેષભાઇના ઘરે ગઇ હતી અને કહ્યું હતું કે શા માટે મારી દીકરીને વારંવાર માપ લેવા બોલાવો છો? જેથી તે રૂમમાં જતો રહ્યો હતો. મારી દીકરીએ જે વાત મને કરી હતી એ શબ્‍દોમાં હું વર્ણવી શકું તેમ નથી. આ વાતની જાણ મેં મારા પતિને કરી હતી અને બાદમાં અમે પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા પહોંચ્‍યા હતાં. હાલ પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલા પણ આ શખ્‍સે એક સગીરા સાથે અડપલા કર્યા હતાં. પરંતુ જે-તે વખતે ભોગ બનનાર બાળાના પરિવારે ફરિયાદ કરી નહોતી. શૈલેષ એક સંતાનનો પિતા છે અને આજે જે સગીરા સાથે અડપલાં અંગે ફરિયાદ નોંધાઈ તે ધોરણ 7માં અભ્યાસ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...